ખોટું વજન બતાવી વર્ષે દહાડે ૫૦ લાખનું ઘાસચારા કૌભાંડ થતું હોવાનો વિપક્ષી નેતાનો આક્ષેપ: ઢોર ડબ્બે આવતું ઘાસ ખાવાલાયક ન હોવાની ખુદ વેટરનરી ઓફિસરની કબુલાત
શહેરનાં ૮૦ ફુટ રોડ પર આવેલા કોર્પોરેશનનાં ઢોર ડબ્બા ખાતે મસમોટું ઘાસ કૌભાંડ ધમધમી રહ્યું હોવાનો આક્ષેપ વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠીયાએ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘાસનું ખોટું વજન બતાવી વર્ષે દહાડે ૫૦ લાખ રૂપિયાની મલાઈ તારવી લેવામાં આવતી હોવાનો આક્ષેપ પણ તેઓએ કર્યો છે. ખુદ વેટરનરી ઓફિસરે પણ એવી કબુલાત આપી છે કે, ઢોર ડબ્બે આવતું ઘાસ પશુઓ માટે ખાવાલાયક નથી.
આ અંગે વધુ માહિતી આપતા વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું હતું કે, આજે સવારે તેઓએ ૮૦ ફુટ રોડ ચોકડી પાસે ભાવનગર રોડ પર આવેલા કોર્પોરેશનનાં ઢોર ડબ્બાની ઓચિંતી મુલાકાત લીધી હતી જેમાં લીલા ઘાસનાં મોટા-મોટા રાડા હતા જે સડી ગયેલા હતા. પાંદડા પણ સડી ગયેલા હતા. જુવારનાં ઘાસનાં મુળમાંથી ઉખેડવામાં આવેલા હોય ઘાસ પર માટી ચોટી હતી. સામાન્ય રીતે જુવારને વાઢીને માટી કાઢી ગાયને આપવામાં આવતું હોય છે. કોર્પોરેશનનાં અધિકારીઓ સગા-વ્હાલાનો કોન્ટ્રાકટ હોવાનાં કારણે કશું જ કરતા નથી. આજે લીલુ ઘાસ ભરીને જે ટ્રેકટર આવ્યું તેનું વજન ૬૮૩૦ કિલો હતું. કોર્પોરેશન દ્વારા જે નાણા ચુકવવામાં આવે છે તેમાં વજનમાં મોટાભાગે ઘાલમેલ કરી વર્ષે દહાડે રૂ.૪૦ થી ૫૦ લાખનું કૌભાંડ આચરવામાં આવે છે. સડી ગયેલું ઘાસ પશુઓ ખાતા નથી તો દરરોજ આવું વેસ્ટ ઘાસ કોનાં ઈશારે આપવામાં આવે છે તેવા સવાલો પણ તેઓએ ઉઠાવ્યા હતા. ગાયો ઘાસ ખાતી નથી જેનાં કારણે આ ઘાસ ઢોર ડબ્બે પડયું રહે છે અને ખરાબ થઈ જાય છે. ઘાસમાંથી માટી અને ઓળડ કાઢવામાં આવતી ન હોવાનાં કારણે જીવાત થઈ જાય છે અને ગાયો આ ઘાસ ખાતી નથી. વેટરનરી ઓફિસર અને મ્યુનિસિપલ કમિશનરને આ વિડીયો મોકલવામાં આવ્યો ત્યારે તેઓએ કબુલાત કરી હતી કે, ખરેખર ઘાસ ખાવા લાયક નથી. ઢોર ડબ્બે મસમોટુ ઘાસ કૌભાંડ ધમધમી રહ્યું હોવાનું પણ તેઓએ આક્ષેપો કર્યો છે.