મોતિયાની બીમારીના નામથી આપણે સૌ વાકેફ જ છીએ. આ બીમારી સામાન્ય રીતે વૃધ્ધોમાં વધુ જોવા મળે છે. પરંતુ સુરતમાં બાળકોમાં ભાગ્યે જ જોવા મળતી આંખના મોતિયાની બીમારીનો એક કેસ જોવા મળ્યો છે. આ બાળકની સર્જરી સુરતની જૂની સિવિલ હોસ્પિટલના ડોકટરો દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ મોંઘવારીના આ સમયમાં ગરીબ પરિવાર માટે જૂની સિવિલ હોસ્પિટલ આજે એક આશાનું કિરણ બનીને ઉભી રહી છે.
ગોડાદરા વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના અઢી વર્ષના બાળક રક્ષિતને આંખમાં જોવાની તકલીફ લગતા તેમના માતાપિતા દ્વારા નજીકના આંખના ડોક્ટર ઇકબાલની પાસે તેની તપાસ કરાવી હતી. જેમાં બાળકને બંને આંખમાં મોતિયો હોવાનું ડોકટરે કહેતા માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જયારે આ ઉંમરમાં બાળકને આંખમાં મોતિયો અને મોંઘવારીમાં ઓપરેશનના ખર્ચને લઈને બંને વિચારમાં પડી ગયા હતા. જયારે બાળકના પરિવારની આર્થિક પરિસ્થિતિ જોતા ડોક્ટર ઇકબાલ દ્વારા સુરતની જૂની સિવિલ હોસ્પિટલમાં જવા જણાવ્યું હતું.
જે સલાહ મુજબ પરિવારે સુરતની જૂની સિવિલ હોસ્પિટલના ડોક્ટર ઋષિ માથુરની પાસે તપાસ કરાવી હતી. જેમણે જરૂરી રીપોર્ટ કરાવ્યા બાદ એક લાખ બાળકોમાંથી એકાદ બાળકમાં મળી આવતા મોતિયાના આ કેસને હાથમાં લઈને ઓપરેશનની કામગીરી હાથ ધરી હતી. ડોક્ટર ઋષિ માથુર અને તેની ટીમ દ્વારા બાળક રક્ષિતની એક આંખનું ઓપરેશન સફળતા પૂર્વક કરવા આવ્યું હતું.
જયારે ખાનગી હોસ્પીટલમાં જે સર્જરીનો ખર્ચ સીતેર હજારથી લઈને દોઢ લાખ સુધીનો થઇ શકતો હોય છે તે સર્જરી આ હોસ્પિટલમાં સંપૂર્ણ ફ્રીમાં થઇ હતી. જયારે રક્ષિતની બીજી આંખમાં પણ મોતિયો હોવાથી તેનું પણ ઓપરેશન ટૂંક સમયમાં કરવામાં આવશે. જયારે આ ગરીબ પરિવાર માટે મોંઘવારીના આ સમયમાં જૂની સિવિલ હોસ્પિટલ આજે એક આશાનું કિરણ બનીને ઉભી રહી છે.