સુપ્રીમનો શકવર્તી ચુકાદો
મહિલાનો જન્મ જનરલ કેટેગરીમાં થયા બાદ એસ.સી. કાસ્ટમાં લગ્ન કરી અનામતનો લાભ લીધો હોવાનો મામલો
કોઈ વ્યક્તિની જ્ઞાતિ જન્મજાત નિર્ધારીત હોય છે. તે લગ્ન બાદ બદલી શકાતી નથી તેવો ચુકાદો વડી અદાલત દ્વારા અપાયો છે. વડી અદાલતના આ ચુકાદાની અસર દેશવ્યાપી થશે. હજારો કિસ્સા એવા છે જેમાં વ્યક્તિએ એસ.સી., એસ.ટી. કાસ્ટનો લાભ લગ્ન બાદ જ્ઞાતિ બદલીને લીધો હોય. આવા કિસ્સાઓને વડી અદાલતના ચુકાદાની અસર થશે.
વડી અદાલતનો ચુકાદો સરકારના ઈન્ટરકાસ્ટ મેરેજના પ્રોત્સાહનોને પણ ઘેરી અસર પહોંચાડશે. આ ચુકાદો જસ્ટીસ અ‚ણ મિશ્રા અને એમ.એમ.શાન્તાનાગોદરની ખંડપીઠ દ્વારા અપાયો છે. ૨૧ વર્ષ પહેલા કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષીકાની પોસ્ટ લેનાર મહિલા વાઈસ પ્રિન્સીપાલ બનતા કેસ નોંધાયો હતો. આ શિક્ષીકાએ એસ.સી. વર્ગના યુવક સાથે લગ્ન કર્યા હતા. શિક્ષીકાનો જન્મ જનરલ વર્ગમાં થયો હતો. આ ચુકાદામાં કોર્ટે કહ્યું છે કે, એ વાતમાં કોઈ વિવાદ નથી કે, જ્ઞાતિ જન્મજાત હોય છે. લગ્ન પછી તે ફેરવી શકાતી નથી.
આ કિસ્સામાં એ વાતનો ઉલ્લેખ છે કે, શિક્ષીકાએ એસ.સી. વર્ગના યુવક સાથે લગ્ન કર્યા હોવાથી નોકરીમાં અલગથી જ્ઞાતિનું સર્ટીફીકેટ બતાવ્યું નહોતું. આ કેસમાં કોર્ટે નોંધ્યું છે કે, શિક્ષીકાએ જાણી જોઈને કોઈ છેતરપિંડી કરી નથી. તંત્રને ગેરમાર્ગે દોરવામાં આવ્યું નથી.
શિક્ષીકાએ બે દાયકા પહેલા શેડયુલ કાસ્ટનો લાભ લીધો હતો. ત્યારબાદ આ મામલાને કોર્ટમાં પડકારાયો હતો. તપાસ થઈ હતી અને તેના પરિણામે મહિલાનું કાસ્ટ સર્ટીફીકેટ રદ્દ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ૨૦૧૫માં તેને નોકરી પરથી પણ મુકત કરી દેવામાં આવી હતી. આ વાત મહિલા કોર્ટમાં ગઈ હતી જયાં તેની અરજી ખારીજ થઈ ગઈ હતી. ત્યારબાદ તેને વડી અદાલતના દ્વાર ખખડાવ્યા હતા.
વડી અદાલતના આ ચુકાદામાં કાસ્ટ સર્ટીફીકેટ મામલે ઘણી છટકબારીઓ સામે આવી છે. વ્યક્તિ ઈન્ટરકાસ્ટ મેરેજ કરે ત્યારબાદ કયાં પ્રકારે સર્ટીફીકેટના માધ્યમથી અનામતનો લાભ લઈ શકે તે મામલે પુરતો ખુલ્લાસો કરવામાં આવ્યો નથી. હવે આ મુદ્દે યોગ્ય ખુલાસો આવશ્યક બની જાય છે.