મોદીનો દબદબો અકબંધ
૭૯ ટકા લોકો ૨૦૧૯માં પણ મોદીને મત આપવા તૈયાર
અનેક નિર્ણયો મામલે વિરોધ વંટોળ વચ્ચે વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા હજુ પણ અકબંધ છે. વર્ષ ૨૦૧૯ની લોકસભામાં લોકો મોદીને મત આપવા માટે તૈયાર છે. ટાઈમ્સ ગ્રુપના સર્વે અનુસાર લોકપ્રિયતા મામલે વડાપ્રધાન મોદીની સમકક્ષ અન્ય કોઈ નેતા નથી. નોટબંધી, જીએસટી અને અન્ય નિર્ણયોના પગલે લોકો મોદી સરકારથી નારાજ હોવાનું થોડા સમય માટે લાગ્યું હતું.
પરંતુ સર્વે અનુસાર જો આજે જ લોકસભાની ચૂંટણી થઈ જાય તો ૭૬ ટકા લોકો મોદીને મત આપે જયારે ૨૦ ટકા લોકો રાહુલ ગાંધીને મત આપે. જો નરેન્દ્ર મોદી ભાજપના નેતા ન હોય તો ૪૮ ટકા લોકો ભાજપને મત આપવા તૈયાર થયા હતા. જયારે ૩૧ ટકાએ ભાજપને મત ન આપવાનું કહ્યું હતું.
જો ગાંધી પરિવારનું કોઈ કોંગ્રેસનું નેતા ન હોય તો ૩૭ ટકા લોકોએ કોંગ્રેસને મત આપવાનો નિર્ણય લીધો હતો.
જયારે ૩૮ ટકા લોકોએ કોંગ્રેસને મત ન આપવાનું કહ્યું હતું. ૨૫ ટકા લોકો આ મામલે અવઢવમાં જણાયા હતા. રાહુલ ગાંધી કોંગ્રેસની કમાન સંભાળશે તો પણ ૭૩ ટકા લોકોએ કોંગ્રેસને મત ન આપવાનો વિચાર રજૂ કર્યો હતો.
એકંદરે લોકો ૨૦૧૯માં મોદી સરકાર ફરી રચાય તેવું ઈચ્છી રહ્યાં હોવાનું ટાઈમ્સ ગ્રુપના મેગા ઓનલાઈન સર્વેના આંકડાથી ફલીત થાય છે. ૭૯ ટકા લોકોએ મોદીને ૨૦૧૯માં પણ મત આપવાનો વિશ્ર્વાસ વ્યકત કર્યો છે. જેના પરથી જણાય આવે છે કે, દેશમાં હજુ પણ મોદી લહેર બરકરાર છે. જયારે કોંગ્રેસ ઉપર હજુ પણ લોકોનો વિશ્ર્વાસ વધ્યો ન હોવાનું પણ સર્વેના આંકડાથી જણાય આવે છે.
સર્વેમાં ભાજપ વિકાસના મુદ્દાને પકડી રાખે તેવું ૮૦ ટકા લોકોએ ઈચ્છયું હતું. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ ધાર્મિક મુદ્દાઓને ધ્યાનમાં ન લે તેવું પણ અનેક લોકોનું માનવું છે. વર્ષ ૨૦૧૯માં રામ મંદિરના નિર્માણનો મુદ્દો મુખ્ય નહીં હોય તેવું ૫૫ ટકા લોકોનું માનવું છે.
શું મોદી સરકારે સબ કા સાથ સબકા વિકાસ ના સૂત્રને સાર્થક કર્યું છે. તેના જવાબમાં ૬૭ ટકા લોકોએ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. મતલબ કે ૬૭ ટકા લોકો વિકાસ થયો હોવાનું માને છે. ટ્રિપલ તલાક, રોહીંગ્યા રેફયુજી અને યુનિયન સીવીલ કોડ મામલે ૭૩ ટકા લોકો મોદી સરકારના પક્ષમાં છે.