અનામત અનિશ્ચિત કાળ સુધી અમલમાં રાખી શકાય નહીં: પુન: વિચારણા કરવાનો સુપ્રીમનો મત

આઝાદ ભારતમાં એક વર્ગ ખૂબ જ ઉજળીયાત હતો જ્યારે એક વર્ગ તમામ મુદ્દે પછાત હોવાથી બંધારણના ઘડવૈયા ડો. બી. આર. આંબેડકરએ અનામતની જોગવાઈ બંધારણમાં કરી હતી. જેની સાથે બાબાસાહેબે સ્પષ્ટ કહ્યું હતું કે, સમાજના તમામ વર્ગો એકરસ થાય તેના માટે બંધારણમાં અનામતની જોગવાઈ કરવામાં આવી છે, જે ફક્ત દસ વર્ષ માટે મર્યાદિત છે. પરંતુ આઝાદીના સાત દાયકા બાદ પણ અનામત અમલમાં હોવાથી સમાજના વિવિધ વર્ગો વચ્ચે અનામતને લઈ ખેચતાણ ઉભી થવા લાગી છે.

સમય જતા અનામતને રદ કરવાની જવાબદારી શાસક અને રાજકીય પક્ષોની હતી પરંતુ રાજકીય પક્ષોની અસમજણને લીધે અનામત સાત દાયકા સુધી અમલમાં રહ્યું જેના લીધે ખરા અર્થમાં જરૂરિયાતવાળાની જગ્યાએ અનામતનો લાભ બિનજરૂરિયાત વર્ગો લઈ જતા હોય તેવું અનેક વર્ગોને લાગી આવ્યું જેના લીધે પાટીદાર અનામત આંદોલન જેવા હિંસક આંદોલનો ફાટી નીકળ્યા હતા.

ખરા અર્થમાં અનામતની જરૂરિયાત હોય તેવા વર્ગને અનામત આપવા માટે વર્ષ 2019 માં સરકાર દ્વારા ઈડબ્લ્યુએસ ક્વોટા અમલમાં મુકવાની જાહેરાત કરવામાં આવી પરંતુ તેમાં પણ 50%ની મર્યાદાનું કોકડું ગૂંચવાય જતા સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે ઇડબલ્યુએસ ને 50% નું બાંધણું નડતર નથી તેવો ચુકાદો આપતા હવે ખરા અર્થમાં જરૂરિયાત ધરાવતા હોય તેવા વર્ગોને શૈક્ષણિક સંસ્થાનો તેમજ સરકારી નોકરીઓમાં 10% અનામત આપવાનો સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો છે.

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આર્થિક નબળા વર્ગો એટલે કે ઈડબલ્યુએસને 10% અનામત આપવાનો સરકારના નિર્ણયને યથાવત રાખ્યો છે. અનામત અંગેનો ચુકાદો લખતા જસ્ટિસ બેલા ત્રિવેદીએ કહ્યું હતું કે,આઝાદીના 75 વર્ષ બાદ પણ અનામતની વ્યવસ્થા યથાવત છે ત્યારે હવે અનામત બાબતે પુન:વિચારણા કરવાની તાતી જરૂરિયાત છે. તેમણે કહ્યું હતું કે વર્ષ 1985માં બંધારણીય ખંડપીઠે એક પ્રસ્તાવ મૂકીને કહ્યું હતું કે બંધારણમાં 50 વર્ષ પૂર્ણ થયા બાદ જે

લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો તે લક્ષ્યાંક હજુ પણ હાંસલ કરી શકાયો નથી. હું પણ એ જ વાક્ય ફરીથી દોહરાવું છું કે અનામત માટે એક નિર્ધારિત સમય અવધી હોવી જરૂરી છે. અનામત ફક્ત 10 વર્ષ માટે જ લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ આજે અનામત નીતિને લાગુ થયાના 75 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે તેમ છતાં પણ હજુ સુધી અનામત લાગુ કરવા પાછળનો જે લક્ષ્યાંક હતો તે હાંસલ કરી શકાયો નથી.

સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, અનામત લાગુ કરવા માટે ભારતની સદીઓ જૂની જાતિ પ્રથા જવાબદાર નથી. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોના લોકોને થઈ રહેલા અન્યાયને નાબૂદ કરવા માટે અનામતની નીતિ લાગુ કરવામાં આવી હતી. જો કે સ્વતંત્રતાના 75 વર્ષ બાદ પણ અનામત લાગુ કરવા પાછળનો લક્ષ્યાંક મેળવી શકાયો નથી ત્યારે હવે અનામત નીતિ પર પુન:વિચારણા કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.

જસ્ટિસ ત્રીવેદીએ બંધારણની કલમ 334 ને ટાંકીને કહ્યું હતું કે, સંસદ અને વિધાન સભામાં અનુસૂચિત જાતિ અને જનજાતિને અપાયેલા અનામતની સમય સીમાની પરિકલ્પના કલમ 334 માં કરવામાં આવી હતી. આ સમય મર્યાદાને સમયાંતરે વધારવામાં આવી રહી છે. હાલ વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને જનજાતિને અપાઇ રહેલા અનામતની સમય મર્યાદા વર્ષ 2030ની છે.

કોર્ટના લઘુમત અભિપ્રાય અંગે ન્યાયાધીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે જો બંધારણની કલમ 15 અને 16 હેઠળ એસસી/એસટી/ઓબીસી માટે પૂરી પાડવામાં આવેલા અનામત માટે સમાન સમયરેખા આપવામાં આવે તો તે સમાનતાવાદી વર્ગવિહીન અને જાતિવિહીન સમાજ તરફ દોરી જશે.

જસ્ટિસ જે.બી. પારડીવાલાએ કહ્યું હતું કે, અનામત અનિશ્ચિત સમય સુધી ચાલી શકે નહીં. આરક્ષણ એ ધ્યેય નથી, પરંતુ સામાજિક-આર્થિક ન્યાય હાંસલ કરવાનું એક માધ્યમ છે. આરક્ષણને નિહિત હિત બનવાની મંજૂરી આપી શકાતી નથી. વાસ્તવિક ઉકેલ એ કારણોને દૂર કરવામાં આવેલું છે જે નબળા વર્ગોના સામાજિક અને શૈક્ષણિક પછાતપણુંનું કારણ બને છે.  કવાયત આઝાદી પછી તરત જ શરૂ થયેલા કારણો, લગભગ સાત દાયકા પછી પણ ચાલુ છે.શિક્ષણના વિકાસ અને વિસ્તરણનું પરિણામ એ આવ્યું છે કે વર્ગો વચ્ચેનું અંતર મોટાભાગે એકીકૃત થઈ ગયું છે. તેમણે કહ્યું કે, જે વ્યક્તિઓએ શિક્ષણ અને રોજગારના સ્વીકાર્ય ધોરણો હાંસલ કર્યા છે તેમને પછાત વર્ગમાંથી દૂર કરવા જોઈએ જેથી તે વર્ગો પર ધ્યાન આપવામાં આવે જેને ખરેખર સહાયની જરૂર છે. તેથી પછાત વર્ગોની ઓળખ અને મૂલ્યાંકનની પદ્ધતિઓની સમીક્ષા કરવાની જરૂર છે. પછાતપણું નક્કી કરવાના માપદંડ વર્તમાન સમયમાં સુસંગત છે કે કેમ તે પણ તપાસવું જરૂરી છે.

જસ્ટિસ પારડીવાલાએ ડો. બી.આર. આંબેડકરને ટાંકીને કહ્યું હતું કે માત્ર દસ વર્ષ માટે અનામતની રજૂઆત કરીને સામાજિક સમરસતા લાવવાનો વિચાર હતો. જો કે, તે છેલ્લા 7 દાયકાથી અમલમાં છે. જસ્ટિસ પારડીવાલાએ જણાવ્યું હતું કે, અનામત અનિશ્ચિત કાળ સુધી અમલમાં રહેવું જોઈએ નહીં.

અનામત કાયમ માટે ‘અનામત’ ન રાખી શકાય!!

જે રીતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ પોતાનો મત રજૂ કર્યો છે તે મુજબ અનામત ફક્ત 10 વર્ષ માટે અમલમાં મૂકવામાં આવ્યો હતો. જેની પાછળનો ઉદ્દેશ્ય માત્ર સમાજના પછાત વર્ગને આગળ લાવી તમામ વર્ગોને એકરસ કરવાનો હતો. પરંતુ આજે આઝાદીને 75 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે તેમ છતાં અનામત નીતિ હજુ પણ અમલમાં હોવાથી હવે અનામતની નીતિ પર પુન:વિચારણા કરવાની જરૂરિયાત છે. ચોક્કસપણે સુપ્રીમ કોર્ટનું માનવું છે કે અનામત કાયમ માટે ’અનામત’ રાખી ન શકાય.

ઇડબ્લ્યુએસને અનામત આપવાનો નિર્ણય ભાજપને ફળશે?

વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ફક્ત 99 બેઠકો મળી હતી. તે પૂર્વે ભાજપને 121 બેઠકની જંગી બહુમતી પ્રાપ્ત થઈ હતી પરંતુ પાટીદાર અનામત આંદોલન બાદ ભાજપ ડબલ ડિઝિટમાં સમેટાઈ ગયું હતું. પરંતુ હવે જે રીતે આર્થિક આધાર પર શૈક્ષણિક અને સરકારી નોકરીમાં 10% અનામત આપવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો છે ત્યારે હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ફરીવાર આ નિર્ણયની અસર દેખાય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. પાટીદાર અનામત આંદોલનમાંને લીધે વર્ષ 2017માં ભાજપને ભારે નુકસાનીનો સામનો કરતા 22 બેઠકોનો ફટકો પડ્યો હતો ત્યારે હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં 10% અનામત આપવાનો નિર્ણય કદાચ ભાજપને ફળી જશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.