રાજ્યમાં જેમ-જેમ ચોરીના ગુન્હાઓ વધતા જાય છે તેમ પોલીસે પણ ઇસમોને ઝડપી પાડવાની કામગીરી કરી રહી છે ત્યારે જામનગરમાં વધુ એક ચોરીનો ભેદ ઉકેલાયો છે જેમાં જામનગરમાં બે દિવસ પહેલા બાયપાસ પાસે આવેલ ટી-પોસ્ટ નામના કાફેમાં ડિજિટલ લોકર સહીત રૂ.1.33 લાખની રોકડ ચોરી અંગે ત્યાં કામ કરતા કેશિયર અને કારીગરની સંડોવણી હોવાની આશંકાના આધારે તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા બન્ને પોલીસે દબોચી લીધા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર-ખંભાળિયા હાઇવે પરની છે જ્યાં ટી પોસ્ટમાં કેશિયર તરીકે ફરજ બજાવતા યુવરાજસિંહ રણજીતસિંહ રાઠોડ અને રાજસ્થાનના ગોવિંદસિંગ લાડુસિંગ રાવત નામના બન્ને કર્મચારીઓએ એકસંપ કરી બે દિવસ પહેલા રાત્રિના સમયે પેઢીનું રૂ.1,33,000 ની રોકડ ભરેલું ડિજિટલ લોકર ચોરી કરી ગયા હતાં ત્યારે આ અંગેની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને બંનેને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
આ બનાવ બાદ પોલીસ સહિતનો સ્ટાફે નાઘેડીના પાટીયા પાસેથી વોચ ગોઠવી હતી ત્યારે કેશિયર યુવરાજસિંહ અને કર્મચારી ગોવિંદસિંઘને દબોચી લીધા હતાં.અને તેઓની ધરપકડ કરી હતી. રૂ.1.33 લાખની રોકડ સાથે બંને તસ્કરોની ધરપકડ કરી હતી. આ બનાવની પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા બંનેએ કબૂલ કર્યું કે આર્થિક સંકડામણને કારણે તેઓએ આ ચોરીને અંજામ આપ્યો હતો.