દેવભૂમિ દ્વારકાના ૨૫ જેટલા ખેડૂતો પાસે મગફળીની ખરીદી કરી પૈસાનું બૂચ મારી દીધું હતું
પોલીસે ૮ દિવસના રિમાન્ડ પર લેતા લાખોની રિકવરી કરાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકના જુદા જુદા ગામડાઓમાંથી અલગ અલગ ખેડૂતોમાંથી મગફ્ળીના વેપારીએ મગફ્ળીની ખરીદી કરી ખેડૂતોને વિશ્વાસમાં લઈ ખેડૂતોને મગફ્ળીના રૂપિયા આપી નહીં ખેડૂતો સાથે છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરતા આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસ દ્વારા આરોપી વેપારી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને તેને રિમાન્ડ પ્ર લઈ કુલ રૂ.૯૧ લાખની રોકડ કબ્જે કરી છે.
વિગતો મુજબ ખંભાળિયાના ગામડાઓમાંથી આહિર સિંહણ ગામે રહેતા આરોપી વેપારી મુરૂ લખુભાઈ કરમુરએ અલગ અલગ ખેડૂતો પાસેથી મગફ્ળીની ખરીદી કરી ખેડૂતોને વિશ્વાસમાં લઈ ખેડૂતો સાથે અંદાજે એક કરોડ જેટલી માતબર રકમની છેતરપિંડી તથા વિશ્વાસઘાત કર્યા હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ મામલે ફરિયાદી લખું વજશીભાઈ છુછર દ્વારા ખંભાળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા ખંભાળિયા પોલીસે આરોપી મુરૂ લખુભાઈ કરમુર વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસ દ્વારા આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટ દ્વારા આંઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
જેમાં તેને કસ્ટડીમાં પોલીસે ૭૦ લાખ જેટલી રકમ રિકવર કરી હતી. ત્યારબાદ વધુ ૨ દિવસની કસ્ટડી મળતા પોલીસે ૨૦ લાખ જેટલી રકમ રિકવર કરી હતી. આમ પોલીસે આરોપી વેપારી પાસેથી કુલ લગભગ ૯૧,૬૨,૭૫૦ જેટલી માતબર રકમ રિકવર કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.