કોડીનારના મુસ્લિમ પરિવાર અને આરટીઆઇ એક્ટિવિસ્ટ પરના હુમલા અંગે પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સામે નોંધાયેલા કેસની તપાસમાં અડચણ કરાયાનો આક્ષેપ: હાઇકોર્ટે રાજય સરકારને નોટિસ ફટકારી
કોડિનારના મુસ્લિમ પરિવાર પર હુમલો, આરટીઆઇ એક્ટિવિસ્ટ મહેશ મકવાણા પર પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીએ કરેલા હુમલા અંગેની હાઇકોર્ટે સીઆઇડી ક્રાઇમને તપાસ સોપવામાં આવ્યા બાદ તપાસ આગળ ધપવા ન દેતા રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર મોહન ઝા તપાસમાં અડચણ કરતા હોવાના આક્ષેપ સાથે ફરી હાઇકોર્ટમાં પીટીશન દાખલ થતા રાજયની વડી અદાલતે રાજય સરકારને તા. ૧૧ સપ્ટેમ્બર સુધીમાં જવાબ રજુ કરવા નોટિસ ફટકારી છે.
ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી અને તેના કાર્યકરોએ કોડિનારના મુસ્લિમ પરિવાર પર હુમલો કર્યાની તેમજ આરટીઆઇ એક્ટિવિસ્ટ મહેશ મકવાણા પર ગત તા.૧૬ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ કરાયેલા હુમલા અંગેના કેસની તપાસ હાઇકોર્ટ દ્વારા સીઆઇડી ક્રાઇમને સોપવામાં આવી હતી અને બંનેને રક્ષણ પુ‚ પાડવાનો હુકમ કર્યો હતો.
પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સામે સીઆઇડી ક્રાઇમને તપાસનો હુકમ કરવામાં આવ્યો હોવા છતાં હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી ન હોવાનું તપાસમાં રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર અને હાલના એડિશનલ ડાયરેકટર ઓફ જનરલ પોલીસ મોહન ઝા તપાસ આગળ ધપવા ન દેતા હોવાનું અને અડચણ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં કોડિનારના જેતુનબેન સલોતે અને મહેશ મકવાણાની માતાએ અરજી કરી હતી.
હાઇકોર્ટનો હુકમ હોવા છતાં ગત તા.૯-૧૦-૨૦૧૬ના રોજ જેતુનબેન સલોતેના ઘરે પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિતનું ટોળુ તલવાર અને ખંજર જેવા હથિયારો સાથે ઘસી ગયા હતા અને મકાનમાં તોડફોડ કરી હતી. જયારે ગીર વિસ્તારમાં સિંહને બચાવ અને પ્રકૃતિનું રક્ષણ કરવાના અભિયાનમાં જોડાયેલા આરટીઆઇ એક્ટિવિસ્ટ મહેશભાઇ મકવાણા પર ૧૨-૧૨ ૨૦૧૬ના રોજ હુમલો કરી ફેકચર કરવામાં આવ્યાના હાઇકોર્ટમાં ફરી થયેલી અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
બંને ફરિયાદીને રક્ષણ પુ‚ પાડવાનો હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હોવા છતાં પોલીસ દ્વારા રક્ષણ પુ‚ પાડવામાં ન આવ્યાનો અને સીઆઇડી ક્રાઇમની તપાસમાં એડિશનલ ડાયરેકટર જનરલ ઓફ પોલીસ મોહન ઝા અવરોધ ઉભા કરતા હોવાનું જણાવતા હાઇકોર્ટ દ્વારા રાજય સરકારને નોટિસ ફટકારી તા. ૧૧ સપ્ટેમ્બર સુધીમાં જવાબ રજુ કરવા હુકમ કર્યો છે.