નવલનગર શેરી નં.૨માં કેરીના ગોડાઉનમાં કોર્પોરેશનની આરોગ્ય શાખા ત્રાટકી
છેલ્લા કેટલાક દિવસથી મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કેરી સહિતના ફળોના વેપારીઓને ત્યાં ચેકિંગ શ કરવામાં આવ્યું છે. ચેકિંગમાં નીત નવા કારસ્તાન પકડાઈ રહ્યા છે.
આજે શહેરના નવલનગર વિસ્તારમાં એક મકાનમાં ચેકિંગ દરમિયાન કેમિકલ ગેસની મદદથી કાચી કેરી પકાવવામાં આવતી હોવાનું કારસ્તાન પકડાયું હતું.
સ્થળ પર ૩૦૦ કિલો જેટલી કેરીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય શાખાના અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે આરોગ્ય શાખા દ્વારા શહેરના કૃષ્ણનગર મેઈન રોડ પર નવલનગર શેરી નં.૨માં રાધા-કૃષ્ણ મકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અહીં કેમિકલ ગેસની મદદથી અનઅધિકૃત રીતે કાચી કેરી પકાવવાનું કારસ્તાન પકડાયું હતું.
જેમાં મકાનમાં કેરીનો સંગ્રહ કરનારને નોટિસ ફટકારવામાં આવી હતી અને તમામ ડોકયુમેન્ટ સાથે રજુ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આજે ચેકિંગ દરમિયાન અંદાજીત ૩૦૦ કિલો કેરીના જથ્થાનો નાશ કરાયો હતો.