અબતક, દર્શન જોશી, જુનાગઢ
જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, સમાજશાસ્ત્ર ભવન દ્વારા કરિઅર ડેવલપમેન્ટ સેન્ટર (સીડીસી) શરુ કરવામાં આવ્યું છે. જેમાં ’લક્ષ્ય’ શીર્ષક હેઠળ ’જોબ ઓપર્ચ્યુંનિટીઝ એન્ડ પ્રીપેરેશન ફોર કોમ્પીટીટીવ એકઝામ્સ’ ના ભાગરૂપે તજજ્ઞોની વ્યાખ્યાન શ્રેણી શરુ કરવામાં આવી છે. આ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત સમયાંતરે તજજ્ઞોના વ્યાખ્યાન ગોઠવાશે. સીડીસીના ઓનલાઈન ઉદ્ઘાટન પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી બોલતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે-સાથે નોકરીની તકો ઉભી કરવી તે પણ યુનિવર્સિટીની જવાબદારી છે અને આ માટે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની સમગ્ર ટીમ સદાય તત્પર છે. વિદ્યાર્થીઓના હિતને જ સદાય કેન્દ્રમાં રાખીને સમગ્ર ટીમ કામ કરી રહી છે. આ પ્રસંગે ઓનલાઈન ઉદ્ઘાટન શ્રેણીના મુખ્ય વક્તા અને એડીશનલ કલેકટર પંકજભાઈ ઔંધિયાએ જણાવ્યું હતું કે ’નિષ્ફળતાથી હચમચી ન જવું હોય તો સફળતા માટે મચી પડો’. તેવી શીખ આપી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હજ્જારો વિદ્યાર્થીઓને તેઓએ નોકરીનું મહત્વ, સિલેબસ, પરીક્ષાઓમાં પુછાતા બીટવીન ધ લાઈન્સ પ્રશ્નો અને જવાબો, વિવિધ વિષયો, મટીરીયલ્સ, જનરલ નોલેજને લગતા પ્રશ્નો, શબ્દ સીમા, ક્વોલીટી રીડીંગ, સ્માર્ટ વર્ક થકી સફળતા, વિષય પસંદગી વિગેરે વિશે વિસ્તૃત અને ઉંડાણપૂર્વક માહિતી આપી હતી.