રાજ્યની સરકારી ગ્રાન્ટેડ શાળામાં કારકિર્દી માર્ગદર્શન-વોકેશનલ ગાઈડન્સ માટે કાયમી વ્યવસ્થા તંત્ર સ્થાપિત કરવા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ માંગણી કરી છે.
સરકારી-ગ્રાન્ટેડ શાળામાં કારકિર્દી માર્ગદર્શન-વોકેશનલ ગાઈડન્સ માટે કાયમી વ્યવસ્થા કરવા ડો.મનિષ દોશીની માંગ
તેઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે અને ખાસ કરીને શિક્ષણ વિભાગે વિવિધ પ્રકારે સામૂહિક નિતિ ઘડતર કરીને કારકિર્દી માર્ગદર્શન વ્યવસ્થા ઉભી કરવી જોઈએ જેથી વિવિધ પ્રકારની તકો, વિસ્તરતી અને ઉભરતી તકો, ઉપલબ્ધ અભ્યાસક્રમો, રોજગારની તકો, ભવિષ્ય નિર્માણમાં બાળકોને અતિ ઉપયોગી સાબિત થશે અને વાલીઓની ચિંતામાં ઘટાડો થશે. કોંગ્રેસ પક્ષ દ્વારા છેલ્લા અઢાર વર્ષથી રાજ્યના બાળકોને સરળ અને સચોટ માર્ગદર્શન મળે તે માટે કારકિર્દીના ઉંબરે પુસ્તક દ્વારા અદ્યતન માહિતીથી સાતત્ય સાથે પ્રકાશીત કરવામાં આવે છે જે રાજ્યના હજારો બાળકો માટે દિવા-દાંડી રૂપ સાબિત થઈ રહ્યું છે.
ગુજરાતમાં 38000 સરકારી અને 5000 જેટલી ગ્રાન્ટેડ શાળામાં ધોરણ-10, ધોરણ-12 પછીના અભ્યાસક્રમો, કારકિર્દીની તકો-વિષય પસંદગી સહિત કારકિર્દી માર્ગદર્શન વોકેશનલ ગાઈડન્સ અતિ આવશ્યક છે.
બાળકોને સમયસર માર્ગદર્શન તેમના ભવિષ્યના ઘડતર માટે અતિ જરૂરી છે.
અગાઉ શિક્ષણ વિભાગે કારકિર્દી માર્ગદર્શન માટે જે તે સમયે પ્રયત્ન કર્યો હતો. જેની જાહેરાતો પણ ઘણી થઈ પણ છેલ્લા ઘણા સમયથી મોટા ભાગની શાળામાં કેરીયર્સ કોર્નસ બંધ છે અને કામગીરી સંપૂર્ણ ઠપ્પ છે.
ગુજરાતમાં અને દેશમાં ઉપલબ્ધ વિવિધ અભ્યાસક્રમોની માહિતી, બેઠકોની સંખ્યા, ફીના ધોરણો, હોસ્ટેલની સગવડ સહિત ભવિષ્યની જે તે અભ્યાસક્રમ બાદની તકો અંગે વિવિધ વિભાગો સાથે સંકલનથી એકત્ર માહિતી સરળતાથી ઉપલબ્ધ થાય તે રીતે શાળા કક્ષાએ વ્યવસ્થા તંત્ર ઉભું કરવું જરૂરી છે, જે સમયની માંગ છે.
સરકારી અને ગ્રાન્ટેડ શાળા કોલેજોમાં કારકિર્દી ઘડતર માટે કેરીયર કોર્નસ દ્વારા સરળતાથી કારકિર્દી લક્ષી માહિતી મળી રહે, જેથી અભ્યાસક્રમોની પસંદગી અને કારકિર્દી ઘડતર યોગ્ય કરી શકાય. ઉજ્જવળ ભવિષ્ય ઘડતર માટે સંપૂર્ણ માહિતી સાથે ઓફ લાઈન-ઓન લાઈન વ્યવસ્થા તંત્ર સ્થાનિક કક્ષાએ ઉભુ કરવા માટે પગલા ભરશો જેથી ગુજરાતના વાલીઓ અને તેમના સંતાનની કારકિર્દી ઘડતરમાં સાર્થક સાબિત થાશે તેવું જણાવ્યું છે.