- આશા ગોંડલીયા પાસેથી તમામ દાગીના રિકવર કરી લેવાયા : લાલચમાં આવી ચોરી કર્યાનું રટણ
રાજકોટ શહેરના રજપૂતપરામાં અંધ વયોવૃધ્ધ મહિલા (ઉ.વ.૮૮)ના હાથમાંથી સોનાની ચાર બંગડીઓ, કઇડો અને વીંટી મળી અઢી લાખના દાગીના ઉતારી લઇ તેની જગ્યાએ ખોટા દાગીના પહેરાવી દેવામાં આવતાં આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. મામલામા વૃધ્ધાની દેખરેખ રાખવાનું કામ કરતી મહિલાને શકદાર તરીકે દર્શાવવામાં આવતાં પોલીસે ગુનો નોંધી શકદારને સકંજામાં લેતાં ગુન્હાનો ભેદ ઉકેલાઇ ગયો છે.
પોલીસે આ બનાવમાં પેલેસ રોડ પર સંતોષ ડેરીવાળી શેરીમાં જયરાજ પ્લોટ-૧/૯ના ખુણે મોહન મેન્સનની સામે રહેતાં અને સોની કામ કરી ગુજરાન ચલાવતાં ભરતભાઇ જયંતિલાલ ભીંડી (ઉ.વ.૫૩)ની ફરિયાદ પરથી આશાબેન ગોંડલીયાને શકમંદ ગણી ગુનો દાખલ કર્યો હતો.
ભરતભાઇ ભીંડીએ જણાવ્યું હતું કે મારા પરિવારમાં હું, મારા પત્નિ, પુત્ર છે. મારી સાથે નીચેના રૂમમાં મારા ફઇ પુષ્પાબેન પણ રહે છે જેમની ઉમર ૮૮ વર્ષ જેવી છે. તેઓ દ્રષ્ટીહિન છે અને નીચેના રૂમમાં જ રહે છે. અમે મારા ફઇની દેખરેખ માટે રાજકોટના જ એક મહિલા આશાબેન ગોંડલીયાને નોકરી પર રાખ્યા હતાં. તેઓ ઘરે રોજીંદુ કામ કરવાની સાથે સાથે દેખરેખ પણ રાખે છે. શુક્રવારે તા. ૧ના રોજ હું સોની બજારમાંથી ઘરે આવ્યો ત્યારે મારા ફઇ પુષ્પાબેન ભાણજીભાઇ ભીંડી નીચે તેના રૂમમાં બેઠા હોઇ હું તેમની પાસે ગયો હતો.
તેમની સાથે થોડીવાર બેસી વાતો કરી હતી અને ખબર પુછ્યા હતાં. એ દરમિયાન મારી નજર ફઇના બંને હાથ પર પડતાં તેમણે પહેરેલી સોનાની ૪ બંગડીઓ શંકાસ્પદ લાગી હતી. આ બંગડીઓ તેમજ વીંટી, કઇડો પણ ખોટા જેવા લાગતાં મેં આ દાગીના લઇ તપાસ કરાવતાં તે ખોટા નીકળ્યા હતાં. મારા ફઇ સોનાની ચાર બંગડી, વીંટી અને કઇડો મળી કુલ પચાસ ગ્રામ વજનના અઢી લાખના દાગીના પહેરતાં હતાં. આ દાગીના ઉતારી લઇ તેમને ખોટા દાગીના પહેરાવી દેવામાં આવ્યાનું જણાયું હતું.
મારા ફઇને દેખાતું ન હોઇ તેનો ગેરલાભ ઉઠાવી દેખરેખ માટે આવતી આશાબેન ગોંડલીયા નામની મહિલાએ સોનાના દાગીના ઉતારી લઇ ખોટા દાગીના પહેરાવી દીધાની અમને દ્રઢ શંકા ઉપજતાં પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં ભરતભાઇ ભીંડીએ જણાવતાં પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં હેડકોન્સ. કે. કે. આહિરે ગુનો નોંધી શકમંદની મહિલા પોલીસની મદદથી પુછતાછ શરૂ કરતાં આશાબેને આ ગુનાની કબુલાત આપતાં પોલીસે અસલી દાગીના કબ્જે કરવા તજવીજ કરી હતી. લાલચમાં આવી જતાં આમ કર્યાનું રટણ તેણીએ કર્યુ હતું.