મહિલાઓ ફિટનેસ પ્રત્યે જાગૃત બને તેવી આજના સમયની માંગ: રાજકોટના પ્રસિઘ્ધ ફિટનેસ એકસપર્ટને બોલાવાશે
શિક્ષણની સાથોસાથ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા અનેક સમાજ ઉપયોગી ઉપક્રમો અંતર્ગત માત્ર બહેનો માટે જ અને સંપૂર્ણપણે બહેનો દ્વારા જ સંચાલિત ફિટનેસ એન્ડ ફ્રેસનેસ સેન્ટર ફોર વિમેન્સ છેલ્લા અનેક વર્ષોથી કાર્યરત છે. હાલમાં જીમની અંદર આઠ ટોનીંગ ટેબલ, સ્ટીમ્યુલસન પોઈન્ટ મશીન, ટ્રેડમીલ, સ્પીનબાઈક, સેરાજેમ અને ક્રેઝી મસાજર સહિતના અત્યાધુનિક સાધનો અત્યંત રાહત દરે સેન્ટર પર ઉપલબ્ધ છે અને છેલ્લા વર્ષોમાં અનેક મહિલાઓ દ્વારા આ બધા જ સાધનોનો લાભ લેવાયો છે.
મહિલાઓ માત્ર સૌંદર્યની જ દ્રષ્ટી જ નહીં પરંતુ શારીરિક રીતે પણ સબળ અને સક્ષમ બને તેમજ પોતાની ફિટનેસ પ્રત્યે જાગૃત બને તે આજના સમયની માંગ છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફિટનેસ એન્ડ ફ્રેસનેસ સેન્ટર ફોર વિમેન્સ દ્વારા અવાર-નવાર અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવતા હોય છે. આજ શૃંખલા અંતર્ગત આગામી ૧૮મી સપ્ટેમ્બરથી ૨૮ સપ્ટેમ્બર સુધી સાંજે ૪ થી ૫:૩૦ કલાક દરમિયાન યુનિવર્સિટીના કર્મચારી બહેનો, વિદ્યાર્થીર્ની બહેનો, તથા બહારના અન્ય બહેનો માટે ઝુંબા ડાન્સ દ્વારા કાર્ડિઆક એકસસાઈઝમાં દસ દિવસીય એક વર્કશોપ ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના પ્રસિઘ્ધ ફિટનેસ એકસપર્ટને બોલાવવામાં આવશે.
કુદરતી વાતાવરણની વચ્ચે યોજાનારા આ વર્કશોપમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બહારના બહેનો પણ બિલકુલ નજીવી ફિ ભરીને ભાગ લઈ શકશે. વહેલા તે પહેલાના ધોરણે લીમીટેડ સંખ્યા જ લેવાની હોય અને ભાગ લેવા ઈચ્છતી બહેનોએ ફિટનેસ એન્ડ ફ્રેસનેસ સેન્ટર ફોર વિમેન્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બિલ્ડીંગ નં.૧૫માં કામકાજના સમય દરમિયાન સંપર્ક સાધી રજીસ્ટ્રેશન કરવા માટે અનુરોધ કરાયો છે. આ વર્કશોપમાં મહિલાઓ પોતાની ફિટનેસ પ્રત્યે કેવી કાળજી રાખવી ? તેનું માર્ગદર્શન રાજકોટના પ્રસિઘ્ધ ફિટનેસ એકસપર્ટને બોલાવીને આપવામાં આવશે અને આજની મહિલા ફિટનેસ પ્રત્યે જાગૃત બને તેના અનુસંધાને આ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.