ડિજીટલ ટ્રાન્ઝક્શન,ટોપ સિક્રેટ પેમેન્ટ સિસ્ટમ, અને ટચ બેઝ પેમેન્ટનો પ્રચાર કરી રહેલી બેંકો સાઇબર ક્રાઇમ સ્પેશ્યાલિસ્ટો દ્વારા પાડવામાં આવતાં છીંડાને બંધ કરવામાં સદંતર ફેઇલ ગઇ છે, ભારતનાં લાખો ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ધારકોનાં ડેટાબેઝ બજારમાં ભેળપુરી ના ભાવે વેચાય છે અને સરકાર નિ:સહાય બની જોઇ રહી છે!
ગત સપ્તાહે જ આવેલા અહેવાલ પ્રમાણે આશરે ૪૬૦૦૦૦ પેમેન્ટ કાર્ડના રેકોર્ડ જોકર્સ સ્ટેશ નામની નામચીન કાર્ડશોપ પર પોસ્ટ થયા હતા અને માત્ર નવ ડોલરમાં કોઇપણ ગ્રાહક માટે તે ઉપલબ્ધ હતા. સિંગાપોર સ્થિત સાયબર સિક્યોરિટી કંપની ગ્રુપ-ઈંઇ એ જ્યારે આ ચેતવણી આપી ત્યારે ભારતની બેંકો ઉંઘતી ઝડપાઇ છે. કારણ કે આ ડેટાબેઝમાં ૯૮ ટકા જેટલા કાર્ડ ધારકો ભારતના હોવાનું જણાવાયું છે.
આ ડેટાબેઝમાં કાર્ડધારકનાં કાર્ડનંબર, એક્સપાયરી તારીખ, CVV કે CVC કોડ, ઉપરાંત કાર્ડધારકનાં નામ, ઇ-મેલ એડ્રેસ તથા ફોન નંબર સહિતની તમામ માહિતી ઉપલબ્ધ છે. કોઇપણ બેંક ખાતેદારનું બેંક એકાઉન્ટ હેક કરવા માટે આટલી વિગત પુરતી છે. નિષ્ણાંતો હે છે કે આવી જાણકારી ફીશીંગ, માલવેર, કે ઉંજ-સ્નિફરો એ ઉઠાવેલી હોઇ શકે છે.
આમતો આ ઘટનાની જાણ થતાં જ ભારતનાં ૪૨૦૦૦૦ કાર્ડધારકો સાથે છેતરપિંડી થઇ રહી હોવાની જાણકારી CERT-In ને કરવામાં આવી છે. પરંતુ ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળાં મારવાનો શું અર્થ..? હજુ સુધી આ ડેટાબેઝની ચોરી ક્યાંથી અને ક્યા સમયગાળામાં થઇ તે તો કોઇ કહી જ શકતું નથી.
આ કોઇ પ્રથમ ઘટના નથી, છ મહિનાનાં ગાળામાં બીજી વાર બેંક કાર્ડ ધારકો સાથે આવી છેતરપિંડી થઇ છે. આ અગાઉ ઓક્ટોબર-૧૯ નાં અંતિમ સપ્તાહમાં આશરે ૧૩ લાખ ભારતીય કાર્ડ ધારકોના ડેટાબેઝ પબ્લિશ થયા હતા. એ વખતે પણ જોકર્સ સ્ટેશના જ કરતુત હતા. પરંતુ ભારતીયો ત્યારે દિવાળીની ઉજવણીમાં વ્યસ્ત હતા તેથી ઘટના ચર્ચાસ્પદ બની નહોતી. એ સમયે આ પ્રથમ ઘટના હતી તેથી ડેટાબેઝ કાર્ડ દિઠ ૧૦૦ ડોલરના ભાવે વેચાયો હતો.
એવું કહેવાય છે કે જોકર્સ સ્ટેશ સાયબર અંડરવર્લ્ડમાં નામચીન છે અને ગેરકાયદે ડેટા ખરીદનારાઓની દુનિયામાં તે મશહુર છે. યાદ રહે કે આ ડેટા બેઝની અંડરગ્રાઉન્ડ માર્કેટ વેલ્યુ ૧૩ કરોડ ડોલર જેટલી માનવામાં આવે છે. આ વખતે પાંચમી ફેબ્રુઆરી-૨૦૨૦ ના રોજ INDIA-BIG-MIX ના નામે ડેટાબેઝ અપલોર્ડ થયા બાદ છઠ્ઠી ફેબ્રુઆરીએ જ્યારે સિક્યોરિટી એજન્સીના ધ્યાનમાં આવી ત્યાં સુધીામાં ૯ ડોલરના ભાવે ૧૬ કાર્ડના ડેટાબેઝ વેચાઇ પણ ગયા હતા. કહેવાય છે કે આ ડેટાબેઝમાં ભારતની ટોચની રાષ્ટ્રિય, સહકારી તથા ખાનગી બેંકોના કાર્ડધારકોની જાણકારી છે. મતલબ કે કોઇ એક સેક્ટરની બેંક નહીં પરંતુ દેશનું બેંકિંગ માળખું જ જોખમમાં છે.
ગ્રુપ- IB અધિકારીઓ કહે છે કે આ ૨૦૧૯-૨૦ માં શરૂ થયેલો હાઇટેક ક્રાઇમ ટ્રેન્ડ છે. એક વર્ષમાં હાઇટેક ક્રાઇમમાં ૩૩ ટકાનો વધારો થયો છે. જેમાં પણ કાર્ડના ડેટા ચોરીના કિસ્સામાં ૧૯ ટકાનો વધારો થયો છે.
હાલની ઘટના અંગે સિંગાપોરની કંપનીએ મહારાષ્ટ્રની સાયબર સેલને વિગતો પણ આપી છે પરંતુ નિર્ણય શું આવશે અને ક્યારે આવશે તે કોઇ કહી શકતું નથી. અત્રે ખાસ નોંધનીય છે કે એકાદ સપ્તાહ પહેલા જ હેલ્થકેર ડેટા અને મેડિકલ ઇમેજીસ લીક થવાની ઘટના બહાર આવી હતી.
નિષ્ણાંતોનું એવું માનવું છે કે જાવા સ્ક્રીપ્ટ કે ઉંજ-સ્નિફર્સ જેવા પ્રોગ્રામનો ઇ-કોમર્સ વેબસાઇટ કે ઓનલાઇન શોપિંગ પોર્ટલો ઉપર થતાં વ્યવહારો વખતે ઉપયોગ કરીને ડેટાબેઝની ચોરી થવાની સંભાવના વધારે રહેલી છે. એકતરફ ખાતેદારોના ગુના રોકવા અને બેંકો સાથેના ફ્રોડ રોકવા માટે આપણી બેંકો છાશ વારે નવેસરથી KYC કરાવે છે, પેનકાર્ડ ચેક કરે છે, બાકી હોય તો આધાર કાર્ડ લિંક કરવા માટે સરકાર હિમાયત કરી રહી છે ત્યારે વિદેશમાં બેઠેલા હાઇેટેક ચોરો કાતેદારો અને બેંકોને ચુના લગાડી રહ્યા છે. આ ને જ કહેવાય ખાળે ડૂચા અને દરવાજા મોકળા..!