આશાપુરા રોડ પર શ્રીરામ કેરી ભંડારમાં કેરી પકાવવા માટે કેલ્શીયમ કાર્બાઈડનો ઉપયોગ કરવામાં આવતો હોવાની ફરિયાદ મળતા આરોગ્ય શાખા ત્રાટકી: બે કિલો કાર્બાઈડનો પણ નાશ કરાયો

કેરીની સીઝન હજી શરૂ પણ થઈ નથી ત્યાં ઉતાવળે ફળો પકવી વધુ નફો કમાવવાની લાલચમાં વેપારીઓ જન આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે. શહેરના આશાપુરા રોડ પર આવેલા કેરીના એક ગોડાઉનમાં કેરી પકાવવા માટે કેલ્શીયમ કાર્બાઈડનો ઉપયોગ કરવામાં આવતો હોવાની ફરિયાદ મળતા આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે. જેમાં કાર્બાઈડથી પકવેલી ૫૮૦ કિલો જેટલી હાફુસ કેરીના જથ્થાનો તથા બે કિલો કાર્બાઈડના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, શહેરના આશાપુરા રોડ પર શ્રીજી નિવાસ સામે કૈલાસ ભુવન પાસે આવેલી વીલચંદભાઈ દેવાભાઈ સામેચાની માલિકીના શ્રીરામ કેરી ભંડારમાં કેરી પકાવવા માટે જનઆરોગ્ય માટે અતિજોખમી એવા કેલ્શીયમ કાર્બાઈડનો ઉપયોગ કરવામાં આવતો હોવાની ફરિયાદ મળતા આજે સવારે આરોગ્ય શાખા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

IMG 20180323 WA0022
ચેકિંગ દરમિયાન શ્રીરામ કેરી ભંડારમાંથી દેવગઢ બારૈયા અને રત્નાગીરી હાફુસ કેરી પકવવા માટે કાર્બાઈડનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું પકડાયું હતું. સ્થળ ઉપર આશરે ૨ કિલો જેટલો કાર્બાઈડનો જથ્થો જે અલગ-અલગ ૭૫ જેટલી પડીકીઓમાં રાખવામાં આવ્યો હતો તેનો નાશ કરી દેવામાં આવ્યો છે. કાર્બાઈડથી પકવેલી આશરે ૫૮૦ કિલો કેરીના જથ્થાનો પણ નાશ કરાયો છે. આગામી દિવસોમાં પણ મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આવી ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

IMG 20180323 WA0023

હજી તો કેરીની સીઝન શરૂ પણ નથી થઈ ત્યાં વેપારીઓએ લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા શરૂ કરી દીધા છે. ઉતાવળે આંબા પકાવવા માટે કાર્બાઈડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કાર્બાઈડથી પકવેલા ફળો ખાવાથી લોકોને મોઢાના કે આતરડાના કેન્સર થવાની સંભાવના રહેલી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.