દેશભરમાં ચાલી રહેલા કોરોનાની મહામારી વચ્ચે જે લોકડાઉનમાં લોકો ઘરે રહી પોતાનું જનજીવન વ્યતિત કરી રહ્યા છે ત્યારે આ તમામ મુશ્કેલી વચ્ચે  પ્રકૃતિ જાણે ખરાઅર્થમાં ખીલી ઉઠી હોય તેવું નજરે પડયું છે. ભારતમાં ગત ૪૦ વર્ષમાં સૌપ્રથમ વખત વાતાવરણમાંથી ઝેરીલું કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ ખુબ જ ઘટી જવા પામ્યું છે. દેશમાં અર્થતંત્રની મંદી વચ્ચે લોકડાઉન દરમિયાન સ્વચ્છ ઉર્જા અને સાફ વાતાવરણ ઉભુ થયું છે. આ તકે સેન્ટર ઓફ રીચર્સ એન્ડ એનર્જી દ્વારા જણાવવામાં આવતા એ વાત સ્પષ્ટ થઈ છે કે માર્ચ મહિના દરમિયાન દેશમાં વાતાવરણમાંથી કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ ૧૫ ટકા જયારે ગત મહિને ૩૦ ટકા જેટલું ઓછું થવા પામ્યું છે. નાણાકિય વર્ષ ૧૯-૨૦માં કોલસા, તેલ, ગેસનાં વપરાશથી કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ ગત વર્ષની તુલનામાં ૩૦ મિલીયન ટન જેટલું નીચે જવા પામ્યું છે. પેટ્રોલિયમ પદાર્થનાં વપરાશમાં ઘટાડો આવતા કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ ઘટયું હોવાનું પણ સામે આવ્યું છે.

વાતાવરણ શુદ્ધિકરણ અંગેના અભ્યાસમાં એ વાત સ્પષ્ટ થાય છે કે ઉર્જા અને પરીવહન ક્ષેત્રે ઈંધણનાં વપરાશ થકી કાર્બન ડાયોકસાઈડનાં સૌથી મોટા ઉત્સર્જક અને દેશમાં વાયુ પ્રદુષણ માટે નિમિત બને છે. વિજળી ઉત્પાદન, થર્મલ સેકટરમાં ૯૨૯ મિલીયન ટન કાર્બન ડાયોકસાઈડનું ઉત્સર્જન થાય છે. સરકારનાં વિવિધ મંત્રાલયો દ્વારા પ્રાપ્ત આંકડાઓ મુજબ કોલસા આધારીત વિધુત મથકોમાં ૧૫ ટકા ઓછા વપરાશનાં આંકડા માર્ચ મહિનામાં આવ્યા હતા ત્યારે એપ્રિલનાં ૩ અઠવાડિયામાં ૩૧ ટકા જેટલો ઘટાડો આવ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે તેની સામે વૈકલ્પિક પૂન:પ્રાપ્ય ઉર્જાનું ઉત્પાદન માર્ચ મહિનામાં ૬.૪ ટકાનો વધારો અને એપ્રિલનાં પ્રથમ ૩ અઠવાડિયામાં અસતહ નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. ગત વર્ષે કરવામાં આવેલા અભ્યાસમાં એ વાત સ્પષ્ટ થઈ હતી કે, મંદીનાં કારણે કોલસા આધારીત થર્મલ પાવર સ્ટેશનમાં સીઓ-૨ એટલે કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ ઘટયું હતું માત્ર કોલસા જ નહીં પરંતુ પેટ્રોલિયમનો ઘટાડો અને માંગમાં અછત નોંધાતા વપરાશ ઘટતા જ માર્ચ મહિનામાં કાર્બન ડાયોકસાઈડનાં ઉત્સર્જનનું પ્રમાણ ૧૮ ટકા જેટલું નીચે આવ્યું હતું.

વિશ્ર્વ અત્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી જજુમી રહ્યું છે ત્યારે આપણે ઉર્જા ક્ષેત્રમાં કોલસા અને પેટ્રોલિયમ સાથો સાથ અણુ ઉર્જા આધારીત થર્મલ પાવર સ્ટેશનના સંચાલનનાં બદલે ઉર્જા ઉત્પાદન માટે પુન: પ્રાપ્ય ઉર્જા જેમા પવન ચકકી, સુર્યઉર્જા આધારીત પાવર સ્ટેશનનાં વપરાશ અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ. ભારત દેશ માટે આ ક્ષેત્ર ખુબ જ વિશાળ તકો રહેલી છે. સદનશીબે દેશ પાસે પુષ્કર સુર્યશકિત ભંડોળ પણ છે. આજ સુર્ય શકિત દેશની મોટાભાગની જરૂ રીયાતો વિજળીનું ઉત્પાદન અને સમસ્યાનો ઉકેલ લાવીને વાતાવરણનું પ્રદુષણ ઘટાડી શકે છે. ત્રણ તબકકાનાં લોકડાઉનમાં ભલે વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું જનજીવન ઘરમાં રહી વિતાવવામાં આવતું હોય ત્યારે ધંધા-રોજગારો બંધ હોવાથી લોકો મુંઝારો પણ અનુભવતા નજરે પડે છે ત્યારે બીજી તરફ પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. છેલ્લા ચાર દાયકામાં સૌપ્રથમ વખત કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ ઘટયું હોવાની ઘટના ખુબ જ સારી હોવાનું પણ માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.