રઘુવીરપરા અને કુવાડવા રોડ મેંગો માર્કેટમાં આરોગ્ય શાખા ત્રાટકી ૨૦ કિલો કેલ્શીયમ કાર્બાઈડનો નાશ: ૮ સ્થળે ચેકિંગ, ૩ને નોટિસ
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરના કુવાડવા રોડ પર મેંગો માર્કેટ અને રઘુવીરપરામાં અલગ-અલગ ૮ સ્થળોના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કાર્બાઈડથી પકાવેલી ૧૫૦૦ કિલો કેરી અને ૨૦૦ કિલો ચીકુનો નાશ કરવામાં આવ્યો હતો અને ૨૦ કિલો કાર્બાઈડનો પણ નાશ કરાયો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આરોગ્ય શાખા દ્વારા આજે રઘુવીરપરા-૬/૧૩માં પ્રકાશભાઈ વાઘવાણીને ત્યાં હાથ ધરાયેલા ચેકિંગમાં ૫૦૦ કિલો કેરી, પ્રકાશભાઈ તન્નાને ત્યાં ૧૦૦૦ કિલો કેરી, કુવાડવા રોડ પર મેંગો માર્કેટમાં અલ્તાફભાઈ ફ્રુટવાળાને ત્યાં ૨૦૦ કિલો ચીકુ અને ૫૦૦ ગ્રામ કાર્બાઈડની પડીકી તથા હોનેસ્ટ ટ્રેનીંગમાં ૨૦ કિલો કેલ્શીયમ કાર્બાઈડના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. અલગ-અલગ ૮ સ્થળોએ ચેકિંગ દરમિયાન ૧૫૦૦ કિલો કેરી, ૨૦૦ કિલો ચીકુ અને ૨૦ કિલો કેલ્શીયમ કાર્બાઈડના જથ્થાનો નાશ કરી ત્રણ વેપારીઓને નોટીસ ફટકારવામાં આવી હતી.