સુરતના વિજય ભૈયાના કહેવાથી ગાંજાનો જથ્થો લાવ્યાની કબુલાત: સીસીટીવી ફૂટેજના આધારે કારની ઓળખ મળી
શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ગત તા.૧૨મીની રાતે ૩૫૭ કિલો ગાંજા સાથે બે મહિલા સહિત ચારની પોલીસે ધરપકડ કરી કરાયેલી પુછપરછમાં સુરતના વિજય ભૈયાએ કારમાં ગાંજાની ડિલીવરી કર્યાની આપેલી કબુલાતના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કારની ઓળખ મેળવી સુખરામનગરના બાવાજી શખ્સને ઝડપી સુરતના વિજય ભૈયાની શોધખોળ હાથ ધરી છે.
જંગલેશ્વરના નામચીન મદીના ઉસ્માન જુણેજા, તેનો પતિ ઉસ્માન લઘર જુણેજા, તેની પુત્રી અફસાના સલીમ કયડા અને એક સગીરની ૩૫૭ કિલો ગાંજા અને એક લોડેડ પિસ્તોલ સાથે ધરપકડ કરી હતી.
ચારેયની પુછપરછ દરમિયાન સુરતના વિજય ભૈયા નામના શખ્સે ગાંજાની ડિલીવરી કરી હોવાની આપેલી કબુલાતના આધારે એસઓજી અને ક્રાઈમ બ્રાંચના સ્ટાફે જંગલેશ્વર વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરતા સુખરામનગરનો ઘનશ્યામગીરી જગદીશગીરી ગોસાઈ નામનો શખ્સ જીજે૩કેસી-૮૩૮૨ નંબરની માતી અર્ટીકા કારમાં સુરતથી ૩૫૭ કિલો ગાંજો લાવ્યાનું ખુલતા પીઆઈ એસ.એન.ગડુ, પીએસઆઈ એચ.એન.રાણા, ડી.પી.ઉનડકટ, હેડ કોન્સ. વિજયભાઈ શુકલ અને જીતુભાઈ ઝાલા સહિતના સ્ટાફે ઘનશ્યામગીરી ગોસાઈની ધરપકડ કરી તે સુરતના વિજય ભૈયાના સંપર્કમાં કઈ રીતે આવ્યો તેની પુછપરછ હાથ ધરી છે.