જય વિરાણી, કેશોદ:
ઓવરસ્પીડ કે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવવાના કારણે અનેક જીવલેણ અકસ્માત સર્જાતા હોય છે ત્યારે આજરોજ કેશોદના મંગલપુર બાયપાસ ચોકડી પાસે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવવાના બનાવે 3 લોકોના જીવ લીધા છે તો અન્ય 4 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. કારચાલકે સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતાં ડ્રાઇવર સહિત પિતા-પુત્રના મોત થયા છે.
સોમનાથના દર્શને જતાં કારને નડ્યો અકસ્માત
જાણવા મળતી વિગત મુજબ, ડ્રાઇવર સહિત 7 લોકો નવસારીથી વાયા તાર્થધામના દર્શન કરી સોમનાથ મહાદેવના દર્શને જઇ રહ્યા હતા. જૂનાગઢમાં કેશોદની મંગલપુર બાયપાસ ચોકડી પાસે પહોંચતા વાહનચાલકે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા ઇનોવા મોટર કાર પલ્ટી મારી ગઈ હતી.
મોટરકારે પલ્ટી મારતાં ડ્રાઇવર સહિત પિતા-પુત્રના મોત થયા છે જ્યારે અન્ય 4ને ગંભીર ઇજા પહોંચતા જુનાગઢ રીફર કરાયા છે. ઘટનાની જાણ થતાં જ 108 તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો. આ મામલે વધુ વિગત એકત્ર કરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.