વાહનોની પુરપાટ ઝડપ અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન મોટા અકસ્માત સર્જે છે એમાં પણ કોરોનાકાળમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ માનવ જીવનની માઠી બેઠી હોય તેમ અકસ્માતના બનાવો વધતાં જઈ રહ્યા છે. આજરોજ મહારાષ્ટ્રના બુઢલાણામાં લોખંડના સળિયાઓ ભરેલી ટ્રક પલટી ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
આ બનાવમાં ઓછામાં ઓછા 12 મજૂરોના મોત થયા છે. તેમજ કેટલાક મજૂરોને ગંભીર ઈજાઓ થઈ છે, જેને પગલે તેમને જલ્ના જિલ્લાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાસી છે. મોતનો આંકડો હજુ વધે તેવી શક્યતા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી કાર સાથે અકસ્માત ટાળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એ દરમિયાન કાબૂ ગુમાવતાં ટ્રક જ પલટી ખાઈ ગયો હતો.
આ ઘટના બપોરે 12 વાગ્યાની આસપાસ સિંદખેડરાજા-મહેકર રોડ પર તાડેગાંવ ફાટા ખાતે દુસરબીડ ગામ નજીક બની હતી.મજૂરોને ટ્રકમાં નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર કામ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. પરંતુ રસ્તામાં જ કાળ ભેટતા 12 જેટલા મજૂરો મોતના મુખમાં ધકેલાયા છે.
અધિકારીઓએ જણાવ્યું કે, વાહનમાં કુલ 16 મજૂરો મુસાફરી કરી રહ્યા હતા. ટ્રકમાં હાઇવે પ્રોજેક્ટ માટે લોખંડ-સ્ટીલનું પરિવહન પણ કરવામાં આવી રહ્યું હતું.