ટ્રક તથા શરાબ સહિત ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
ભાણવડના મોડપર પાસે ગઈરાત્રે પૂર્વ બાતમીના આધારે વોચમાં ગોઠવાયેલી એલસીબીએ અંગ્રેજી શરાબનો જથ્થો ભરીને પોરબંદર તરફથી આવતી ટ્રક પકડી પાડી છે જેમાંથી ૯૫૫ બોક્સમાં ભરેલી અંગ્રેજી શરાબની ૨૫૬૭૯ બોટલ મળી આવી છે. ટ્રકમાં રહેલા ડ્રાઈવર સહિતના બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે. તેઓએ ઉપરોક્ત જથ્થો જૂનાગઢથી આવ્યો હોવાની અને વાંસજાળિયા, પાસ્તરડીના બે શખ્સોએ ભાગીદારીમાં મંગાવ્યાની કબૂલાત આપી છે. એલસીબીએ રૂ.૪૫ લાખના શરાબના જથ્થા સહિત કુલ રૂ.૬૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં શરાબની ભારે રેલમછેલ થઈ રહી છે, છેલ્લા દોઢ-બે વર્ષમાં કરોડોની સંખ્યામાં આ પંથકમાંથી અંગ્રેજી શરાબની બોટલો ઝડપાઈ છે તેમ છતાં આ વિસ્તારમાં બુટલેગરો સતત શરાબની સપ્લાય કરતા રહે છે તે દરમ્યાન ભાણવડના મોડપર ગામમાં ત્રણ શખ્સ દ્વારા અંગ્રેજી શરાબનો જંગી જથ્થો વેચવા માટે મંગાવવામાં આવી રહ્યો હોવાની બાતમી દેવભૂમિ દ્વારકાના એએસપી પ્રશાંત સુમ્બેને મળતા તેઓએ દ્વારકા એલસીબીને વાકેફ કરી વોચ ગોઠવવા સૂચના આપતા ગયા સપ્તાહે જ જેઓની અન્યત્ર બદલી થઈ છે અને બે દિવસમાં જેઓ પોતાનો ચાર્જ છોડવાના છે તે પીઆઈ એલ.ડી. ઓડેદરા તથા સ્ટાફે ભાણવડ-પોરબંદર ધોરીમાર્ગ પર જુદા જુદા પાંચ સ્થળોએ વોચ ગોઠવી હતી.
તે દરમ્યાન પોલીસને પ્રાપ્ત થયેલી વધુ વિગત મુજબ ભાણવડના પાસ્તરડીનો બુટલેગર મેરૂ રામા કોડિયાતર અને જામજોધપુર તાલુકાના વાંસજાળિયાના બુટલેગર કાના લાખા મોરીએ ભાગીદારીમાં શરાબ મંગાવ્યો છે અને તેનો ટ્રક પોરબંદરથી વાયા રાણાવાવ થઈ ભાણવડ તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે અત્યંત ચકોર નજર રાખીને બેસેલી એલસીબીએ રાણાવાવ તરફની ફોરેસ્ટ નર્સરી નજીકના ગુલામસાગર રોડ તરફથી ગઈકાલે રાત્રે સાડા દસેક વાગ્યે પસાર થયેલા કેએ-૪૧-એ ૮૫૮૨ નંબરના ટ્રકને કોર્ડન કરી તે ટ્રકની તલાશી લેતા તેમાં ઢાંકવામાં આવેલી તાલપત્રી નીચેથી કોથળામાં વીંટવામાં આવેલા બોક્સ મળી આવ્યા
હતા.
આ બોક્સ ખોલી એલસીબીએ તલાશી લેતા ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના જુદી જુદી બ્રાન્ડના ૯૫૫ ખોખા મળી આવ્યા હતા જેમાં રહેલી અંગ્રેજી શરાબની ૬૭૧૯ મોટી બોટલ તેમજ ૧૮૯૬૦ નાની બોટલનો જથ્થો પોલીસને સાંપડયો હતો.
એક અંદાજ મુજબ રૂ.૪૫,૮૩,૬૦૦ની કિંમતનો શરાબનો જથ્થો, રૂ.૧૫ લાખનો ટ્રક કબજે કરી ટ્રક ડ્રાઈવર પ. બંગાળના હુગલી જિલ્લાના રામચંદ્રદાસ મહેશદાસ તથા જૂનાગઢના ગાંધીગ્રામમાં રહેતા કૈલાશ કારાભાઈ ભારાઈ નામના બે શખ્સોની બે મોબાઈલ સાથે અટકાયત કરી લીધી હતી.
ઉપરોકત બન્ને આરોપીઓ તેમજ શરાબ ભરેલા ટ્રકને ખંભાળિયા સ્થિત એલસીબી કચેરીએ ખસેડવામાં આવ્યા પછી એલસીબીએ હાથ ધરેલી ઉંડાણપૂર્વકની તપાસમાં અંગ્રેજી શરાબનો જથ્થો જૂનાગઢના કાના દેવરાજ કોડિયાતર ઉર્ફે કાના બાડાએ ઓમપ્રકાશ, બાબજી નામના મેનેજર પાસેથી મંગાવ્યો હોવાની અને આ જથ્થો વાંસજાળિયાના કાના લાખા મોરી, પાસ્તરડીના મેરૂ રામા કોડિયાતરે મંગાવ્યો હોવાની કબૂલાત મળી છે. પોલીસે સાતેય શખ્સો સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.