કિંમતી પ્લોટ પર કબજો કરી ફિઝિયોના માતા સહિતના લોકોને ધાકધમકી આપનાર ૩ ની ધરપકડ
બનાવ અંગે પોલીસ અધિક્ષક સમક્ષ રૂબરૂ ફરિયાદ નોંધાવતા ગણતરીની કલાકોમાં આરોપીઓને દબોચી લેવાયા
મોરબીના યોગીપાર્કમાં આવેલા ભારતીય ક્રિકેટ ટીમના ફિઝિયોથેરાપીસ્ટના પ્લોટને પચાવી પાડવા માટે ત્રણ શખ્સોએ સાગરીતો સાથે મળી તેમના પરિવારને ધાક ધમકી આપી હતી. જેની ફરિયાદ નોંધાવતા એલસીબી પોલીસે ગણતરીની કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મૂળ મોરબીના હાલ બેંગ્લોર ખાતે રહેતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ફિઝિઓથેરાપીસ્ટ યોગેશભાઈ પરમારના મોરબીમાં યોગીપાર્ક ખાતે આવેલા પ્લોટમાં કબજો જમાવવા માટે ૧૦થી ૧૨ શખ્સોના ટોળાએ હથિયાર સાથે યોગેશભાઇના પ્લોટમાં જઈને તેમના માતા, કાકા અને કોન્ટ્રાક્ટરને પ્લોટ અમારો છે. તેમ કહીને ગાળો તેમજ ધાકધમકી આપી બાંધકામ અટકાવીને પ્લોટ ખાલી કરવાનું કહ્યું હતું.
બનાવ અંગે યોગેશભાઈએ પોલીસ અધિક્ષકને ફરિયાદ કરતા એલસીબી પોલીસે જુસબ ઉર્ફે જુસો ગુલમામદ મોવર, તાજમામદ ઉર્ફે તાજુ આદમભાઈ મીયાણા, શેરમહમદ ઉર્ફે શેરો ઇસ્માઇલભાઈ મિયાણા ને ગણતરીની કલાકોમાં દબોચી લીધા હતા. પોતાના સાગરીતોની મદદ થી બીજાના પ્લોટ પચાવી પાડવાનો ધંધો કરતા આ શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com