ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લૂ ટિક દૂર થઇ ગયું છે. જેના કારણે એમ. એસ.ધોનીના ચાહકોમાં ટ્વિટર પ્રત્યે રોષ ભભૂકી ઉઠયો છે. એવી આશંકા જતાવવામાં આવી રહી છે કે ધોની છેલ્લા કેટલાક માસથી ટ્વિટર પર કઈ પોસ્ટ ન કરતા એટલે કે લાંબા સમયથી એક્ટિવ ન રહેતા ટ્વિટર દ્વારા બ્લુ ટિક હટાવવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે ટ્વિટર પર ધોનીના 8.2 મિલિયન ફોલોઅર્સ છે. ધોની દ્વારા છેલ્લે 8 જાન્યુઆરી 2021 પછી કોઈ ટ્વિટ કરવામાં આવી નથી. વર્ષ 2018થી તેઓ ટ્વીટર પર ખૂબ ઓછા સક્રિય છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપમાં સેમાફાઇનલમાં મળેલી હાર બાદ ધોની ક્રિકેટથી દૂર છે. વર્ષ 2020માં તે આઈપીએલમાં રમતા જોવા મળ્યા હતા.
મહેન્દ્ર સિંહ ધોનીએ ગત વર્ષે 15મી ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. પોતાના આ નિર્ણયની જાહેરાત પણ ઈન્સ્ટાગ્રામ પર કરી હતી. ટ્વીટરની વાત કરીએ તો, ધોનીએ 20 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આભાર માનતા પત્રનો જવાબ ટ્વિટરના માધ્યમથી આપ્યો હતો. ત્યારબાદ સપ્ટેમ્બરમાં ભારતીય એરફોર્સને લઈ બે ટવીટ કર્યા હતા.
મહેન્દ્રસિંહ ધોનીએ વર્ષ 2019માં કુલ સાત ટ્વીટ કર્યા હતા. આ અગાઉ વર્ષ 2018માં ઠીક ઠાક એક્ટિવ હતા. વર્ષ 2018માં 20 જેટલા ટ્વિટ કર્યા હતા. વર્ષ 2019ના વર્લ્ડ કપ બાદ તેઓ માત્ર ટ્વીટર નહી પરંતુ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ખૂબ ઓછા એક્ટિવ નજરે પડ્યા છે.