દિલ્હી બોર્ડર પર એક વર્ષથી ચાલતા ખેડૂત આંદોલનને સમાપ્ત કરાવી કેપ્ટન ભાજપને મદદ પણ કરશે અને ખેડૂતોના નેતા તરીકે ઉભરી આવશે
અમરીંદર સિંઘ અલગ બિન રાજકિય સંગઠન બનાવી નવો રાજકીય દાવ ખેલી કોંગ્રેસને ચિત કરી દયે તેવી શકયતા
અબતક, નવી દિલ્હી : કેપ્ટન અને શહેનશાહ પંજાબની દિશા અને દશા કંડારશે તે નક્કી છે. દિલ્હી બોર્ડર પર એક વર્ષથી ચાલતા ખેડૂત આંદોલનને સમાપ્ત કરાવી કેપ્ટન ભાજપને મદદ પણ કરશે અને ખેડૂતોના નેતા તરીકે ઉભરી આવશે તેવું જણાય રહ્યું છે. વધુમાં અમરીંદર સિંઘ અલગ બિન રાજકિય સંગઠન બનાવી નવો રાજકીય દાવ ખેલી કોંગ્રેસને ચિત કરી દયે તેવી શકયતા પણ સેવાઇ રહી છે.
પંજાબમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે કેપ્ટન દિલ્હીમાં અમિતશાહને મળ્યા હતા. બન્ને દિગ્જજો વચ્ચે પંજાબને લઈને મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. એ પણ પંજાબમાં નવા રાજકારણનાં સમીકરણો તરફ ઈશારો કરે છે. જોકે કેપ્ટનની બીજેપીમાં સામેલ થવાની શક્યતા ખૂબ ઓછી છે. આ સંજોગોમાં બીજેપી જોઈન કર્યા વગર અમરિંદર પંજાબના રાજકારણમાં નવા આયામો સર કરવાના છે. બીજી તરફ અમરિંદર સિંહ એકાદ બે દિવસના માસ્ટર સ્ટ્રોક રમે એવી શક્યતા છે. તેઓ એક નોન-પોલિટિકલ સંગઠન બનાવીને પંજાબમાં નવો રાજકીય દાવ રમશે એવી શક્યતા છે. કેપ્ટનનાં અંગત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ સંગઠન દિલ્હી બોર્ડર પર એક વર્ષથી ચાલતા ખેડૂત આંદોલનને સમાપ્ત કરાવી શકે છે. ત્યાર પછી પંજાબમાં નવા રાજકીય પક્ષની શરૂઆત થશે. આ રીતે અમરિંદર ખેડૂતોની સાથે સાથે કેન્દ્રને પણ સાથે રાખીને ડબલ ફાયદો લેશે.
પંજાબમાં આવતા વર્ષે ચૂંટણી થવાની છે અને કેપ્ટન 2022માં ધમાકેદાર વાપસી કરવાના છે. તેમના સલાહકાર નરિંદર ભાંબરી ‘કેપ્ટન ફોર 2022’નું પોસ્ટર શેર કરીને આ વાતના સંકેત આપી ચૂક્યા છે. મુખ્યમંત્રીની ખુરશી હટાવ્યા પછી કેપ્ટન પોતે પણ કહી ચૂક્યા છે કે તેઓ ફોજી છે, અપમાનિત થઈને મેદાન નહીં છોડે, પછી ભલે એ રાજકારણ પણ કેમ ના હોય.
કેપ્ટન અમરિંદર સિંહ ઔપચારિક રીતે કોંગ્રેસ છોડી શકે છે. હાલ કેપ્ટન રાજકીય સંગઠન નહીં બનાવે. તેઓ એવું સંગઠન બનાવવા માગે છે જે નોન-પોલિટિકલ હોય. આ સંગઠન દિલ્હી ખેડૂત આંદોલનમાં સામેલ થશે, ખેડૂતનેતાઓને મળશે. આ સંગઠન ખેડૂત આંદોલનમાં ફ્રન્ટ ફૂટ પર નહીં રહે, પરંતુ કેન્દ્ર સરકાર સાથેની વાતચીતમાં આગેવાની કરશે.આ વાતચીતમાં કૃષિ કાયદો પરત લેવાની ભૂમિકા નક્કી કરવામાં આવશે. એક વિકલ્પ એવો પણ છે કે ટેકાના ભાવ એટલે કે MSP ગેરંટી કાયદો લાવવામાં આવે. કેપ્ટને પંજાબમાં જાટ મહાસભા પણ બનાવી છે, જેમાં ઘણા મોટા ખેડૂતો પણ જોડાયેલા છે. આ પણ કેપ્ટનનો એક વિકલ્પ હોઈ શકે છે.
સિદ્ધુ ગમે ત્યાંથી લડે હું તેને જીતવા નહીં દઉં : કેપ્ટન
કેપ્ટન અમરિંદરસિંહ બે દિવસની દિલ્હીની મુલાકાત બાદ ગુરુવારે સાંજે ચંદીગઢ પહોંચ્યા હતા. તેમણે ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે તેઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. કેપ્ટને ભાજપમાં જોડાવાનો પણ ઇનકાર કર્યો છે. હું મારું રાજીનામું યોગ્ય સમયે સોનિયા ગાંધીને મોકલીશ. કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે સુરક્ષાના ઘણા મુદ્દાઓ છે જેના પર મેં ગૃહપ્રધાન અને NSA સાથે વાત કરી છે.
હું 4 વર્ષથી જોઈ રહ્યો છું કે પંજાબમાં શું થઈ રહ્યું છે. દરરોજ ડ્રોન આવી રહ્યા છે. જે પકડાય છે તે ઠીક છે, પરંતુ જે પકડાયા નથી તે ક્યા જઈ રહ્યા છે, તેના વિશે તેમને જણાવ્યું છે. કેપ્ટને કહ્યું કે, હું કહી ચૂક્યો છું કે સિદ્ધુ પંજાબ માટે યોગ્ય માણસ નથી. હું તેઓ જ્યાંથી પણ લડે હું તેમને જીતવા નહીં દઉં. ફ્લોર ટેસ્ટ અંગે કેપ્ટને કહ્યું કે, જો એવી સ્થિતિ હોય કે સરકાર બહુમતીમાં નથી તો સ્પીકરે આ નિર્ણય લેવાનો છે.
તેમણે કહ્યું કે સિદ્ધુનું કામ પાર્ટી ચલાવવાનું છે. ચરણજીત ચન્નીનું કામ સરકાર ચલાવવાનું છે. તેઓ એકબીજા સાથે વાત કરે, પરંતુ અંતિમ નિર્ણય મુખ્યમંત્રીનો છે. તેમણે કહ્યું કે DGP અને AGને દૂર કરવાનો નિર્ણય મુખ્યમંત્રીનો હોય છે. તેમણે કહ્યું હતું કે, પક્ષના વડાને અધિકારીને કામે લગાડવા, દૂર કરવા અને બદલવામાંનો કોઈ અધિકાર નથી.