મીડિયા કર્મચારીઓને મેડિકલ લાભ આપવા સુપ્રીમમાં અરજી દાખલ
કોરોનાના કપરાકાળમાં હોસ્પિટલ, બેડ અને પ્રાણવાયું ઉપરાંત સરકારની કામગીરી સહિતના સમાચારો લોકો સુધી પહોચાડનારા ચોથી જાગીરના કર્મીઓને ફ્રન્ટલાઈન વર્કર ગણી સુવિધા અને વળતર આપવા માંગ: એપ્રીલ 2020થી લઈ અત્યાર સુધીમાં 346 પત્રકારોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા
કોરોના મહામારીની દરેક ક્ષેત્રે ગંભીર અસરો ઉપજી છે. સેંકડો લોકોના જીવ ગયા છે. ડોકટરો, આરોગ્ય કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ જેવા મોટી સંખ્યામાં ફ્રન્ટલાઈન વર્કર્સે પણ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ જ કારણે આ ફ્રન્ટલાઈન વર્કરને રસીકરણ માટે પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું. મહામારીમાં જેમ લોકોના જીવ બચાવવામાં ડોક્ટરો, નર્સ કામે લાગ્યા, નિયમ પાલન કરવામાં પોલીસ કામે લાગી એવી જ રીતે કોરોના સામે લોકોને જાગૃત કરવા, પળેપળની ખબર સાથે સાવચેતી રાખવાનું સુચવવું વગેરે જેવા કામ માટે ચોથી જાગીર કહેવાતું મીડિયા જગત કામે લાગ્યું. આમ છતાં શું આ મીડિયા કર્મીઓને વોરિયર્સ ન ગણી શકાય ??
મહામારીના સમયમાં પણ ફિલ્ડમાં જઈ જનતાને સચોટ માર્ગદર્શન સાથે સમાચારો પહોંચાડવા એ કોઈ યુદ્ધથી કમ નથી. કોરોનાને કારણે એપ્રિલ 2020થી લઈ અત્યાર સુધીમાં 346 પત્રકારોના મોત નિપજ્યા છે. ત્યારે આવા પત્રકારોના પરિવારોને કોઈ લાભ કે સહાય આપવામાં આવી નથી જેને લઈ સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. જેમાં કોવિડ -19 સંક્રમણ દરમિયાન કામ કરતા મીડિયા કર્મચારીઓને ફ્રન્ટલાઈન કાર્યકર તરીકે, તેમજ તેમને મફત તબીબી સુવિધાઓ અને વળતર આપવા માંગ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને, એવી માંગ કરવામાં આવી છે કે કોવિડ -19 સંક્રમણ દરમિયાન, એવા ઘણા પત્રકારો છે, જેઓ લોકોને હોસ્પિટલો અને સરકાર વિશે માહિતી આપવા માટે પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યા છે, આવી સ્થિતિમાં, તેઓ દ્વારા સુવિધા આપવામાં આવે છે. જણાવી દઈએ કે આ અરજી ડો. કોટા નિલીમા દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. ડો. કોટા નિલીમા કે જે ઈન્સ્ટિટ્યૂટ પફ પરસેપ્શન સ્ટુડિઝ, મીડિયા ઈનીશયેટિવ “રેટ ધ ડિબેટ”ના ડાયરેકટર છે.
41 થી 50 વયના પત્રકારો કોરોનાનો સૌથી વધુ ભોગ બન્યા
સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં રિપોર્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે અહેવાલ મુજબ, 41 થી 50 વર્ષના પત્રકારો કોરોનાનો સૌથી વધુ ભોગ બન્યા છે. તેમનો આંકડો કુલ મૃત્યુના લગભગ 31 ટકા છે. 31 થી 40 વર્ષની વયના 15 ટકા, 51 થી 60 વર્ષની વચ્ચે 19 ટકા, 61 થી 70 વર્ષની વયના 24 ટકા અને 71 વર્ષથી વધુ વયના પત્રકારોના મોત કુલ મોતના 9 ટકા છે. અરજીમાં જણાવ્યા અનુસાર કોરોનાથી મૃત્યુ પામેલા લગભગ 55 ટકા પત્રકારો પ્રિન્ટ મીડિયા સાથે સંકળાયેલા હતા, 25 ટકા ટીવી અને ડિજિટલ મીડિયામાં અને 19 ટકા ફ્રીલાન્સ જર્નાલિઝમ સાથે. અરજીકર્તા ડો. નીલિમા પોતે જ એક પત્રકાર રહી ચૂક્યા છે, અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી સમાચાર એકત્રિત કરીને તેણે આ ડેટાની ચકાસણી કરી છે.