દસાડા રન-રાઈડર્સ ખાતે કેનન વાઈલ્ડ ક્લિકસ સ્પર્ધા અંતર્ગત પ્રમાણપત્ર અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
સુરેન્દ્રનગરના દસાડા ખાતેના રન-રાઈડર્સમાં મંત્રી જવાહર ચાવડાના અધ્યક્ષ સ્થાને કેનન વાઈલ્ડ ક્લિક્સ સિઝન- ૮ સ્પર્ધાના વિજેતા ફોટોગ્રાફરોનો પ્રમાણપત્ર અને ઈનામ વિતરણ કાર્યકમ યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રી જવાહર ચાવડાએ પ્રાસંગિક ઉદબોઘન કરતા જણાવ્યું હતું કે, પ્રવાસન સ્થળોના વિકાસ થાય તે માટે રાજય સરકારના અનેક પ્રયાસો રહયા છે. મંત્રીશ્રીએ વધુમાં કેનન વાઈ૯ડ કિલકસ સ્પર્ધા થકી કચ્છના રણ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વધારે વેગ મળશે તેવી આશા વ્યકત કરી વિજેતા ફોટોગ્રાફરોને અભિનંદન પાઠવ્યા હતા.
શિયાળીની ઋતુમાં ક્ચ્છના નાના રણમાં હજારો વિદેશી પક્ષીઓ આવતા હોય છે. સમગ્ર ભારતભરમાં માત્ર કચ્છના નાના રણમાં જ ઘુડખર પ્રાણી જોવા મળે છે. ત્યારે ભારતની અગ્રણી વન્યપ્રાણી ફોટો ટુરિઝમ કંપની વાઈલ્ડ ક્લિક્સ નેચર વાન્ડેરર્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા સ્પોર્ટેડ, દસાડાના રન રાઈડર્સના સહયોગ અને ગુજરાત ટુરિઝમની મુખ્ય ભાગીદારીથી કચ્છના નાના રણમાં ૧૭ થી ૨૦ ડિસેમ્બર, ૨૦૧૯ દરમિયાન કેનન વાઈલ્ડ ક્લિક્સ ની સિઝન- ૮ ભારતની એકમાત્ર લાઈવ વન્યપ્રાણી ફોટોગ્રાફીની સ્પર્ધા યોજાઈ હતી.
આ કેનન વાઈલ્ડ ક્લિક્સ સ્પર્ધાની સિઝન- ૮ માં રણમાં આવતા પક્ષીઓ અને પ્રાણીઓના લાઈવ ફોટોગ્રાફની આ સ્પર્ધામાં દેશના જુદા-જુદા રાજયોમાંથી ૧૩ થી ૬૫ વર્ષની વય ધરાવતા ૭૭ જેટલા વાઈલ્ડ ફોટોગ્રાફરોએ ભાગ લીધો હતો. આ ફોટોગ્રાફરોએ રણની અંદર રહી પક્ષી તેમજ પ્રાણીમાં દિવસ દરમિયાન થતી હિલચાલ અને સવાર સાથે રણની ઢળતી સાંજ અને રાત્રીના સમયે રણના નજારાની ફોટોગ્રાફી પણ કરી હતી. કાર્યક્રમના અંતમાં વિજેતા ફોટોગ્રાફરોને મંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર અને ઈનામ વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે ઘુડખર અભ્યારણ્યના અધિકારીઓ એસ.જે. પંડીત, એસ. એસ. અછોડા, પી.બી. દવે તેમજ અગ્રણી મુજાહિદખાન મલેક સહિત મોટી સંખ્યામાં ફોટોગ્રાફરો ઉપસ્થિત રહ્યાં હતા.