તમામ ૮૭ દરખાસ્તોને મંજૂરીની મહોર: ગ્રીનલેન્ડ ચોકડી પાસે હિન્દુસ્તાન પેટ્રોલીયમને ૧૨૦૦ ચો.મી. જમીન વેંચાણથી રૂ.૯ કરોડની આવક
રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે ચેરમેન ઉદયભાઈ કાનગડના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં રૂ.૧૭૮.૬૯ કરોડના વિકાસ કામોને લીલીઝંડી આપવામાં આવી હતી. સ્ટેન્ડીંગ સમક્ષ મંજૂરી અર્થે રજૂ કરવામાં આવેલી તમામ ૮૭ દરખાસ્તોને બહાલી આપવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, આજે મળેલી સ્ટે. કમીટીની બેઠકમાં તમામ ૮૭ દરખાસ્તોને મંજૂર કરવામાં આવી છે અને રૂ.૧૭૮.૬૯ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે. જમીન વેંચાણથી રૂ.૯.૩૯ કરોડની આવક પણ થવા પામી છે. સ્ટેન્ડીંગમાં વિવિધ કાર્યક્રમો માટે રૂ.૬.૪૦ લાખ, વાહનની ખરીદી અને રીપેરીંગ માટે રૂ.૧૫.૨૭ લાખ, વોટર ખર્ચના કામો માટે રૂ.૮ લાખ, ડોરમેન્ટ્રી ગ્રાઉન્ટ માટે રૂ.૭.૫૦ લાખ, વિવિધ બગીચા, સીનીયર સીટીઝન પાર્કમાં ફીઝીકલ ફીટનેશના સાધનો માટે રૂ.૫૯ લાખ, સાઈકલ ટ્રેક અને ફૂટપાથ માટે ૫.૮૦ કરોડ, સોલીડ વેસ્ટના વિવિધ કામો માટે રૂ.૧.૮૭ કરોડ, વોર્ડ નં.૬માં નવી વોર્ડ ઓફિસ બનાવવા માટે રૂ.૪૧.૨૪ લાખ, ડ્રેનેજના કામો માટે રૂ.૩૦.૩૪ કરોડ, કોમ્યુનિટી હોલ માટે રૂ.૯.૯૫ કરોડ, ક્રિકેટ ગ્રાઉન્ડ સુધારણા માટે રૂ.૫૦.૩૩ લાખ, રોશની શાખાના કામો માટે રૂ.૩૧.૬૦ લાખ, પેવીંગ બ્લોક માટે રૂ.૨ કરોડ, રસ્તાના કામ માટે રૂ.૭.૨૭ કરોડ, રેલવે અંન્ડર બ્રિજ માટે રૂ.૨૨.૬૦ કરોડ, ગાર્ડન શાખાના કામ માટે રૂ.૭.૫૦ કરોડ સહિત કુલ રૂ.૧૭૮.૬૯ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે.