4 ડિસેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે: 7મીએ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે: 19 ડિસેમ્બરે મતદાન
રાજયનાં 33 જિલ્લાની 10879 ગ્રામ પંચાયતો માટે આગામી 19મી ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી માટે આગામી સોમવારે જાહેરનામું પ્રસિધ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે. રાજય સરકાર દ્વારા સમરસ થનારી પંચાયતો માટે ગ્રાન્ટની રકમમાં વધારો કરવામાં આવ્યો હોય અનેક ગ્રામ પંચાયત સમરસ થાયતેવી સંભાવના પણ જણાય રહી છે.
રાજયની 10117 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી,697 ગ્રામ પંચાયતની પેટાચૂંટણી અને 65 ગ્રામ પંચાયતોની વિભાજન, વિસર્જન ચૂંટણી માટે રાજય ચૂંટણી દ્વા ગત 22મી નવેમ્બરના રોજ ચૂંટણીની તારીખનું એલાન કરવામાં આવ્યું હતુ. દરમિયાન આગામી 29મીથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે. ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો ચાર ડિસેમ્બર સુધીમાં ફોર્મ ભરી શકશે 6 ડિસેમ્બર ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે. ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ 7 ડિસેમ્બર છે. ટૂંકમાં 7મીએ સંપૂર્ણ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે 19મી ડિસેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. અને 21મીએ મત ગણતરી હાથ ધરાવમાં આવશે.
અમદાવાદ જિલ્લાની 411, અમરેલીની 528, અરવલ્લીની 231, આણંદ 213, કચ્છ જિલ્લાની 482, ખેડાની 432, ગાંધીનગર 179,ગીર સોમનાથ જિલ્લાની 299, છોટા ઉદેપુરની 247, જામનગર જિલ્લાની 268, જૂનાગઢ જિલ્લાની 432, ડાંગની 70, તાપીની 268, દાહોદની 361, દેવભૂમી દ્વારકા જિલ્લાની 175, નર્મદા જિલ્લાની 200, નવસારીની 322, પંચ મહાલની 379, પાટણની 208, પોરબંદર 135,બનાસકાંઠાની 653, બોટાદની 157, ભરૂચની 503 ભાવનગરની 437, મહિસાગર જિલ્લાની 273, મહેસાણા જિલ્લાની 163, મોરબીની 320, રાજકોટ જિલ્લાની 548, વડોદરાની 334, સાબરકાંઠાની 325, સુરતની 498 અને સુરેન્દ્રનગર જિલ્લાની 499 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે.