રિલાયન્સ જીનોમ ટેસ્ટિંગ કીટ કરશે લોન્ચ
આરોગ્ય ક્ષેત્રે ઝંપલાવશે રિલાયન્સ, જીનોમ કીટ અન્ય કંપનીઓ કરતા 86 ટકા સસ્તી હશે
દેશવાસીઓ ટૂંક સમયમાં જ કેન્સર, હાર્ટ એટેક, ન્યુરો-સંબંધિત રોગો તેમજ આનુવંશિક સમસ્યાઓ હવે ઘરે બેઠા સરળતાથી જાણી શકશે. આ ઉપરાંત આવનારા સંભવિત રોગ વિશે પણ જાણીને સાવચેત બની શકશે. આ સેવા જીનોમ કીટથી મળી શકશે. જે રિલાયન્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.
રિલાયન્સ ગ્રુપના ચેરમેન જીનોમ ટેસ્ટિંગ માટે કીટ લાવવાની તૈયારી કરી રહ્યા છે. આ કીટની કિંમત બજાર કરતા લગભગ 86 ટકા ઓછી હશે. આ રીતે રિલાયન્સ જિનેટિક મેપિંગ બિઝનેસમાં પ્રવેશવા જઈ રહી છે.
અંબાણી અમેરિકન સ્ટાર્ટઅપ 23એન્ડમી દ્વારા શરૂ કરાયેલ હેલ્થકેર ટ્રેન્ડને ભારતમાં લાવવા માંગે છે. તેઓ ભારતના વિકસતા ગ્રાહક બજારમાં હેલ્થકેરને વધુ સસ્તું અને વ્યાપક બનાવવા માંગે છે. રિલાયન્સ ગ્રુપ થોડા અઠવાડિયામાં રૂ. 12,000ની કિંમતની વ્યાપક જીનોમ ટેસ્ટિંગ કીટ લાવવા જઈ રહ્યું છે. આ માહિતી સ્ટ્રેન્ડ લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડના સીઇઓ રમેશ હરિહરને આપી છે. તેણે જાતે જ ઉત્પાદન વિકસાવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે વર્ષ 2021માં બેંગલુરુ સ્થિત આ ફર્મને ખરીદી હતી. ગ્રુપ હવે કંપનીમાં 80 ટકા હિસ્સો ધરાવે છે.
હાલમાં, રિલાયન્સની કિટ અન્ય લોકો દ્વારા ઓફર કરવામાં આવતી હાલની જીનોમ ટેસ્ટિંગ કિટ કરતાં 86 ટકા સસ્તી છે. હરિહરને કહ્યું, “આ કીટ દ્વારા, વ્યક્તિની કેન્સર, હાર્ટ એટેક, ન્યુરો-સંબંધિત રોગો તેમજ આનુવંશિક સમસ્યાઓ સામે લાવવામાં આવે છે.” આના પરથી પહેલાથી જ જાણી શકાય છે કે વ્યક્તિને રોગ થવાની સંભાવના કેટલી છે.
ભારતના 140 કરોડ લોકોને સસ્તું વ્યક્તિગત જિનોમ મેપિંગ પૂરું પાડવું એ હેલ્થકેર ક્ષેત્રે એક મોટું પગલું છે. આનાથી વિશ્વની મોટી વસ્તીના જીનોમ મેપિંગનો માર્ગ મોકળો થશે. આનાથી જૈવિક ડેટાનો ભંડાર સર્જાશે, જે આ વિસ્તારમાં દવાના વિકાસ અને રોગ નિવારણમાં મદદ કરશે.