કેન્સર ઉપરાંત, ડાયાબિટીસ જેવી વિવિધ દવાઓની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થતા લાખો દર્દીઓને રાહત
દવાઓની વધતી જતી કિંમતોનું નિયંત્રણ કરતી નેશનલ ફાર્માસિયુટીકલ પ્રાઈસીંગ ઓથોરીટીએ (એનપીપીએ) ટવીટ કરીને જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૬ માર્ચ મહિનાથી અત્યાર સુધીના ગાળામાં કેન્સરની દવાઓના ભાવમાં ૮૬ ટકાનો ઘટાડો થયો છે. જે કેન્સરના લાખો દર્દીઓને સારવાર માટે એક મોટી રાહત બની રહી છે.
કેન્સરમાં સારવાર માટે ઉપયોગમાં આવતી એસ્ટ્રા જીનેકા ફાર્મા ઈન્ડિયાની ઈરેઝા નામની દવાની કિંમત એક વર્ષના સમયગાળામાં રૂ.૨૯,૨૫૯થી ૩,૯૭૭ સુધી પહોંચી છે. આમ, આ કેન્સરની દવામાં ૮૬ ટકા જયારે ડો.રેડીઝ લેબોરેટરીની ગ્રાફીલમાં ૪૧ ટકાનો ભાવ ઘટાડો થયો છે. નેશનલ પાર્ફાસિયુટીકલ પ્રાઈસીંગ ઓથોરીટીએ કહ્યું કે, આ ભાવઘટાડો ૮૬ ટકાથી ૧૩ ટકા સુધી રહ્યો છે. ઈરેઝા, ગ્રાફીલ જેવી કેન્સરની દવાઓ ઉપરાંત, નેટકો ફાર્મા, ઈમકયુર ફાર્માસીયુટીકલમાં પણ ભાવ ઘટાડો નોંધાયો છે.
કેન્સરની દવાઓ ઉપરાંત, ડાયાબીટીસની દવાઓમાં પણ નોંધપાત્ર ભાવ ઘટાડો થયો છે. ડાયાબીટીસની દવાઓમાં ૪૨ ટકા થી ૧૦ ટકા સુધીની રેન્જમાં ઘટાડો થયો છે. સનફાર્મા લેબોરેટરીઝ લીમીટેડની ગ્લીપ્રાઈડ નામની દવાની કિંમત રૂ.૯૧ થી ૪૩ ટકા ઘટીને રૂ.૫૩ થઈ છે. સનફાર્મા તેમજ અન્ય ફાર્મા કંપનીઓએ પણ ડાયાબીટીસની દવામાં ભાવ ઘટાડો કર્યો છે. ડો.રેડીઝ લેબોરેટરીએ ગ્લીમી એબોટ ઈન્ડિયાની ઓબીમેટ, સાનોફી ઈન્ડિયાની સેટાપીન અને ગ્લુકોનોર્મની લ્યુપીન દવાઓમાં છેલ્લા એક વર્ષના ગાળામાં નોંધપાત્ર ભાવ ઘટાડો જોવા મળ્યો છે. એનપીપીએની સ્થાપના વર્ષ ૧૯૯૭માં દવા બનાવતી કંપનીઓની પ્રોડકટસો પર નિયંત્રણ લાદવા તેમજ દેખરેખ રાખવાના હેતુથી થઈ હતી.