કેન્સરનું નામ શરીરનાં ક્યાં અંગ અને ક્યાં પ્રકારનાં કોષથી તેની શરૂઆત થાય છે તે પરથી હોય છે: કેન્સર શબ્દએ બિમારી માટે વપરાય છે જેમાં સામાન્ય કોષોનું અનિયંત્રિત વિભાજન થયા કરે અને તે અન્ય પેશીઓ ઉપર હુમલા કરવાને શક્તિમાન બને છે
કોઇપણ કારણસર શરીરનાં કોષોની વૃધ્ધી અને વિભાજનની ક્રિયા નિયમાનુસાર ન થતાં, કોષોની અનિયંત્રિત વૃધ્ધી શરીરમાં ગાંઠ ઉત્પન કરે છે. ઘણી વખત ગાંઠ ફાટી જાય તો ચાંદારૂપે પણ દેખાય છે તેને કેન્સરનું ચાંદુ કહેવાય છે. લોહીનાં કેન્સરમાં ગાંઠ કે ચાંદુ દેખાતું નથી કારણ કે તેના કોષો લોહીમાં ભળીને શરીરમાં પ્રસરે છે.
હાલ વિશ્ર્વમાં 100થી વધુ પ્રકારનાં કેન્સરો જોવા મળે છે
કેન્સર વ્યક્તિનાં પોતાના શરીરમાં ઉત્પન થાય છે અને ઝડપથી પ્રસરે છે જે ચેપી નથી. અમુક કેન્સર વારસાગત હોય છે. વ્યક્તિની અંગત ટેવો અને આદતો જેવી કે દારૂ તથા ધુમ્રપાન, તમાકુના વ્યસન કારણે ઘણાખરાને કેન્સરનું કારણ હોય છે. પુરૂષોમાં સામાન્ય રીતે જીભ, સ્વર પેટી, શ્ર્વસનનળી કે હોજરી, મોઢાનું કેન્સર વિશેષ જોવા મળે છે. તો સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનું અને સ્તન કેન્સર વિશેષ જોવા મળે છે.
આપણાં સૌરાષ્ટ્રમાં તમાકુના વ્યસનને કારણે મોઢાના કેન્સર
સાથે બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના કેન્સર વધુ જોવા મળે છે
કેન્સરએ કોઇ એક બિમારી નથી પરંતુ તે ઘણી બધી બિમારીઓનો સમુહ છે. 100થી વધુ પ્રકારનાં વિશ્ર્વમાં હાલ કેન્સર જોવા મળે છે. મોટાભાગનાં કેન્સરનું નામ શરીરનાં ક્યા અંગ અને ક્યા પ્રકારના કોષથી તેની શરૂઆત થાય તે પરથી હોય છે. દા.ત.મોટા આંતરડાના મોટા ભાગથી શરૂ થતાં કેન્સરને આંતરડાનું કેન્સર કહેવાય છે અને ચામડીનાં પાયાના કોષોથી જે કેન્સર શરૂ થાય તેને ચામડીનું કેન્સર કહે છે.
કેન્સર શબ્દ એ બિમારી માટે વપરાય છે. જેમાં સામાન્ય કોષોનું અનિયંત્રિતપણે વિભાજન થયા કરે છે. અને તે અન્ય પેશીઓ પર હુમલો કરવાને શક્તિમાન બને છે. કેન્સરનાં કોષો લોહી અને લસિકા તંત્ર દ્વારા શરીરનાં અન્ય ભાગોમાં ફેલાય છે.
કેન્સરનાં મુખ્ય પ્રકારો
– કાર્સીનોમા કેન્સર કે જેની શરૂઆત ચામડી અથવા તેના કોષોમાં થાય છે અથવા તે અંદરનાં અંગોને આવરી લે છે.
– સાર્કોમા કેન્સર કે જેની શરૂઆત હાડકા, કાર્ટિલેજ, ચરબી, સ્નાયુ, લોહીની નળીઓ અથવા અન્ય જોડતાં અથવા સહાયક કોષોથી થાય છે.
– લીમ્ફોમા અને માઇલોમા કેન્સર કે જેની શરૂઆત રોગપ્રતિકારક તંત્રનાં કોષોમાં થાય છે.
– લ્યુકેમિયા કેન્સર કે જેની શરૂઆત લોહી બનાવતા કોષો જેવા કે બોર્નમેરોથી થાય છે અને તેનાથી મોટી સંખ્યામાં અસામાન્ય લોહીનાં કોષો પેદા થઇને લોહીમાં પ્રવેશે છે.
– સેન્ટ્રલ નર્વસ સીસ્ટમ કેન્સર જેની શરૂઆત મગજ અને કરોડરજ્જુનાં બારીક કોષોથી થાય છે.કેન્સર વગરની સાદી ગાંઠને ઓપરેશન દ્વારા કઢાવી શકાય, મોટાભાગે ફરીથી થતી નથી તેમજ તેના કોષો શરીરનાં અન્ય ભાગોમાં ફેલાતા નથી. મેલીગન્ટ ટ્યુમરને કેન્સરની ગાંઠ કહેવાય છે. આવી ગાંઠના કોષો નજીકનાં કોષોના જાળા પર હુમલો કરેને શરીરનાં અન્ય ભાગમાં ફેલાય છે. ત્યારે કેન્સર શરીરનાં એકભાગથી બીજા ભાગમાં ફેલાય છે. તેમજ લ્યુકોમિયા જેવા કેન્સર બોર્નમેરો અને લોહીમાં થાય છે. તે ગાંઠથી થતું નથી.
કેન્સરનાં મુખ્ય ચિન્હોમાં સ્તન અથવા શરીરનાં અન્ય ભાગમાં ગાંઠ થવી અથવા તે ભાગ જાડો લાગવો, નવા તલ કે મસા થવા જે જૂના હોય તેમાં ફેરફાર થવો, ગળું બેસી જવું અથવા કફ થવો જે મટતો ન હોય, સંડાસ અને પેશાબ કરવાની આદતમાં બદલાવ થવો, જમ્યા પછી અસ્વસ્થતા લાગવી, ખોરાક ગળેથી ઉતારવામાં ખૂબ તકલીફ થવી, કોઇપણ જાણીતા કારણ વગર વજનનું ઘટવું કે વધવું, ખૂબ જ નબળાઇ કે થાક લાગવો, અસામાન્ય પણે લોહીનું પડવું કે સ્ત્રાવ નીકળવો વિગેરે કેન્સરનાં મુખ્ય લક્ષણો છે. જે દેખાય તો નિદાન કરાવવું. વ્હેલું નિદાન કેન્સરથી બચવાનો સરળ રસ્તો છે.
કેન્સરની પ્રારંભિક તપાસમાં લોહી, પેશાબ કે ફ્લૂઇડની તપાસ, ફોટો, એક્સ-રે, સોનોગ્રાફી, સીટી સ્કેન, અલ્ટ્રાસાઉન્ડ, એમ.આર.આઇ., એન્ડોસ્કોપી, પેટ સ્કેન કે બાયોપ્સીની મદદથી નિદાન થઇ શકે છે.હાલમાં કેન્સરની સર્જરી, શેક આપવા કે લોહીમાં ઇન્જેક્શનનાં ડોઝ આપવા જેવી વિવિધ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે.
કેન્સર શબ્દનો શાબ્દિક અર્થ “કરચલો” કરચલો એક વખત કોઇ વસ્તુ કે પ્રાણીને પકડે તો પછી છોડતો નથી. એ અર્થમાં કેન્સર પણ જેને પકડે પછી ઝટ છોડતો નથી. તબીબી ભાષામાં કેન્સર માટે ‘મેલીગન્સી’ શબ્દ વપરાય છે પણ જો તેને સમયસર ઓળખી લેવામાં આવે તો તેના ગંભીર પરિણામોથી બચી શકાય છે.આપણાં સૌરાષ્ટ્રમાં તમાકુ, ધુમ્રપાનનાં સેવનને કારણે મોઢાના, જડબામાં કેન્સરમાં ભયંકર વધારો જોવા મળી રહ્યો છે. સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર પણ ભયંકર રીતે જોવા મળી રહ્યું છે. સ્તન કેન્સર એક જ એવું કેન્સર છે. જેમાં જો વહેલું નિદાન થાય તો ચોક્કસ બચી શકાય છે. વિશ્ર્વભરમાં 4 ફેબ્રુઆરીએ વિશ્ર્વ કેન્સર દિવસ ઉજવાય છે. સાવચેતી એજ સલામતી છે, કેન્સરનું વ્હેલું નિદાન, યોગ્ય સારવારથી તેના કારણે આવતાં મૃત્યુને નિવારી શકાય છે.
કેન્સર વિષય આધારિત ફિલ્મો
કેન્સર વિષય આધારિત ઘણી બધી હિન્દી ફિલ્મો બની છે ને સફળ પણ રહી છે. જેમાં રાજેશ ખન્નાની આનંદ ફિલ્મ ટોચ ઉપર છે. સુનિલ દત્તની ‘દર્દ કા રીશ્તા’ ફિલ્મ પણ ખૂબ જ જાણીતી બની ગઇ હતી. નરગીશની યાદમાં સુનિલ દત્તે કેન્સર જનજાગૃતિ અને તેની ટ્રીટમેન્ટ ઘણા સેવા કાર્યો કર્યા હતાં. આજે પણ મોટાભાગના કલાકારો, ક્રિકેટરો કેન્સર અને એઇડ્સ જનજાગૃતિમાં જોડાઇને અવેરનેશનું કામ કરે છે. કેન્સરની જાગૃતિ માટે પીન્ક રીબનનો સિમ્બોલ ખૂબ જ જાણીતો છે.
કેન્સરની પ્રારંભિક તપાસ
* લોહી, પેશાબ કે ફ્લૂઇડની તપાસ
* ફોટો, એક્સ-રે, સોનોગ્રાફી, સીટી સ્કેન, અલ્ટ્રા સાઉન્ડ, એમ.આર.આઇ., એન્ડોસ્કોપી, પેટ સ્કેન કે બાયોપ્સીની મદદથી નિદાન થઇ શકે છે.
* બ્રેસ્ટ કેન્સરનું વહેલું નિદાન થઇ જાય તો બચવાના ચાન્સ વધી જાય છે.