નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓને અપાશે સારવાર
શહેરના જરૂરીયાતમંદ નાગરિકોના આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજીક વિકાસ ક્ષેત્રે છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત પુજીત રૂપાણી મેમો.ટ્રસ્ટ, રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન તથા અમદાવાદ સ્થિત આસ્થા ઓન્કોલોજી એશોશિયેટસ હેલ્થકેર ગ્લોબલના સંયુકત ઉપક્રમે છેલ્લા એક દસકાથી સમગ્ર વિશ્ર્વને ભરડામાં લઈ લેનાર રોગ કેન્સરને નાથવા દર મહિનાના બીજા તથા ચોથા શનિવારે ટ્રસ્ટના ભવન ખાતે કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ હાથ ધરાયો છે. પુજીત રૂપાણી ટ્રસ્ટના ઉપક્રમે આ નિદાનની સેવાનો રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છના પેશન્ટ પણ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લાભ લઈ શકશે.
જે અંતર્ગત પુજીત રૂપાણી મેમો.ટ્રસ્ટ ‘કિલ્લોલ’ ૧-મયુરનગર, રાજકોટ મહાનગરપાલિકા પૂર્વ ઝોન કચેરી સામે, ભાવનગર રોડ, રાજકોટ (ફોન નં.૨૭૦૪૫૪૫) ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કરી અપાશે. જેનો સમય સવારે ૯ થી ૧૧ વાગ્યા સુધીનો રહેશે.
રજીસ્ટ્રેશન રૂબરૂ અથવા ફોનથી પણ કરાવી શકાશે. આ કેમ્પમાં ગુજરાતના સુપ્રતિષ્ઠિત તબીબો ડો.દુષ્યંતભાઈ માંડલિક અને ડો.રશ્મિબેન જૈન શાહ સેવાઓ આપશે. જે અંતર્ગત મોં, ગળુ, જડબુ સહિતના તમામ પ્રકારના કેન્સરનું નિદાન કરી અપાશે. જેનો વિનામૂલ્યે લાભ લેવા ટ્રસ્ટના ચેરમેન તથા ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ અનુરોધ કર્યો છે.
સાથોસાથ અચાનક દેખા દેતા આ રોગને ઉગતો જ ડામવા માટે તેના ચિહનો ઓળખી લઈ અગાઉથી નિદાન કરી લેવાથી તેને મહાન કરવાનું સરળ થઈ જાય છે. આરોગ્ય ક્ષેત્રે જરૂરીયાતમંદ પ્રજાજનોની સેવાઓ માટે પુજીત રૂપાણી ટ્રસ્ટના મુખ્ય બિલ્ડીંગમાં ઓપીડી સેન્ટર પણ કાર્યરત છે. જેમાં માત્ર પાંચ રૂપિયામાં નિદાન તથા સારવારનો લાભ મેળવી શકાય છે તથા શહેરના નિષ્ણાંત તબીબોની સેવાઓ પણ મેળવી શકાય છે. દર બુધવારે વિનામૂલ્યે નિદાન તથા સારવાર મેળવી શકાય છે. આ ઉપરાંત ટ્રસ્ટમાં રાહતદરે લેબોરેટરી, એકસ-રે તથા ફિઝીયોથેરાપીની સુવિધાઓ ઉપલબ્ધ છે.
ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટીઓ પ્રવિણભાઈ રૂપાણી, અંજલિબેન રૂપાણી, રંજનબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ, મેહુલભાઈ રૂપાણી, રાજેશભાઈ રૂપાણી તથા અમિનેશભાઈ રૂપાણી સહિતનાઓના માર્ગદર્શન હેઠળ ચાલતા આ પ્રોજેકટમાં સેવાઓ આપવા માટે ટ્રસ્ટની મેડિકલ કમિટીના મેમ્બર્સ અંજલીબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડો.નયનભાઈ શાહ, ડો. વિભાકરભાઈ વચ્છરાજાની, દિવ્યેશભાઈ પટેલ તથા બિપીનભાઈવસા કાર્યરત છે. વિશેષ વિગત માટે ટ્રસ્ટના વહિવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો રૂબરૂ અથવા ફોન નં.૨૭૦૪૫૪૫ દ્વારા સંપર્ક કરવા જણાવાયું છે.