રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના લોકો હવેથી મહિનાના બીજા અને ચોથા શનિવારે કેન્સરનું નિદાન કરાવી શકશે: કેમ્પનો લાભ લેવા ઈચ્છુકોને રજીસ્ટ્રેશન કરાવવા અપીલ
કેન્સર ન થાય તે માટે સાવચેતી રાખવા માર્ગદર્શન: અવેરનેસ પ્રોગ્રામ સાથે નિદાન કેમ્પ
છેલ્લા એક દસકાથી સમગ્ર વિશ્ર્વને ભરડામાં લઈ લેનાર રોગ કેન્સરને નાથવા માટે તથા તેની ચુંગાલમાંથી શહેરના પ્રજાજનોને બચાવવા માટે પુજીત રૂપાણી ટ્રસ્ટના ઉપક્રમે ‘કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ’ હાથ ધરાયો છે. રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન તથા અમદાવાદ સ્થિત આસ્થા ઓન્કોલોજી એસોસીએટસ હેલ્થકેર ગ્લોબલનાં ઉપક્રમે શરૂ થનારા આ પ્રોગ્રામ અંતર્ગત હવેથી દર મહિનાના બીજા અને ચોથા શનિવારે સવારના ભાગે પેશન્ટને ચેક કરી આપવામાં આવશે. આ નિદાનની સેવાનો રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છના દર્દીઓ પણ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લાભ લઈ શકશે. પરિણામે તેમનો અમદાવાદ જવા આવવાનો ખર્ચ તથા સમય બચી જશે.
આ કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ ઝુંબેશની શ‚આત તા.૧૫ને રવિવારથી થઈ જશે. જે અંતર્ગત પુજીત રૂપાણી મેમો.ટ્રસ્ટ કિલ્લોલ, ૧-મયુરનગર, રાજકોટ મહાનગરપાલિકા પૂર્વ ઝોન કચેરી સામે, ભાવનગર રોડ ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કરી અપાશે. જેનો સમય સવારે ૯ થી ૧૧:૩૦ વાગ્યા સુધીનો રહેશે. રજીસ્ટ્રેશન રૂબરૂ અથવા ફોનથી પણ કરાવી શકાશે. નિદાન કેમ્પ મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકાશે. જેના પ્રમુખ સ્થાને ડો.કૌસ્તુભભાઈ પટેલ-કેન્સર સર્જન ઉપસ્થિત રહેશે.
આ કેમ્પમાં ગુજરાતના સુપ્રતિષ્ઠિત તબીબો ડો.કૌસ્તુભભાઈ પટેલ, ડો.કલ્પનાબેન કોઠારી, ડો.દુષ્યંતભાઈ માંડલિક, ડો.પરીનભાઈ પટેલ, ડો.ભરતભાઈ પ્રજાપતિ તથા ડો.રશ્મિબેન શાહ સેવાઓ આપશે. જે અંતર્ગત મોં, ગળુ, જડબુ, બ્રેસ્ટ તથા ગર્ભાશય સહિત તમામ પ્રકારના કેન્સરનું નિદાન કરી અપાશે. જેનો વિનામૂલ્યે લાભ લેવા ટ્રસ્ટના ચેરમેન તથા ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલિબેન રૂપાણીએ અનુરોધ કર્યો છે. સાથોસાથ અચાનક દેખા દેતા આ રોગને ઉગતો જ ડામવા માટે તેના ચિહનો ઓળખી લઈ અગાઉથી નિદાન કરી લેવાથી તેને મહાત કરવાનું સરળ થઈ જાય છે.
જેના લક્ષણો જેવા કે લાંબા સમયથી ન રૂઝાતું ચાંદુ, લાંબો સમય અવાજ બેસી જવો, ખોરાક-પાણી ગળવામાં પડતી તકલીફ, ગળામાં સતત દુખાવો ચાલુ રહેવો, મોં ખોલવામાં કે જીભને હલાવવામાં તકલીફ થવી, શરીરમાં કોઈપણ જગ્યાએ ગાંઠ હોવી, સ્તનમાં ગાંઠ/ સ્તનની ડીંટડીમાંથી લોહી પડવું, લાંબા સમયથી ખાંસી હોવી, ગળફામાં લોહી નીકળવું, માસિક સ્રાવ વખતે વધુ પડતું લોહી નીકળવું, યોનિમાંથી દુર્ગંધવાળું પ્રવાહી પડવું, ઝાડા પેશાબની હાજતમાં અસામાન્ય ફેરફાર, મળ-મુત્ર વાટે લોહી નીકળવું. સમજી ન શકાય તેવો તાવ અને વજન ઘટવું સહિતના લક્ષણો પૈકી કોઈ એક પણ દેખાય તો પણ બેદરકારી દાખવ્યા વગર નિદાન કરાવી લેવું જોઈએ.
વર્તમાન સમયમાં ખોટા પ્રકારની લાઈફ સ્ટાઈલ તથા અતિ ખર્ચાળ મેડીકલ ટ્રીટમેન્ટ વચ્ચે કઈ કઈ સાવચેતી રાખીને કેન્સરથી બચી શકાય અને થયું હોય તો વિનામૂલ્યે નિદાન કરાવી મહામુલી જિંદગી બચાવી શકાય તે માટે હવે શહેરમાં શરૂ થનારી ઝુંબેશનો લાભ એકસપર્ટ ઓપીનીયન દ્વારા દર મહિને બે વાર મેળવી રાજકોટ, સૌરાષ્ટ્ર તથા કચ્છના પ્રજાજનો નિશ્ર્ચિત બની શકશે. ઉલ્લેખનીય છે કે આરોગ્યક્ષેત્રે જરૂરીયાતમંદ પ્રજાજનોની સેવાઓ માટે પુજીત રૂપાણી ટ્રસ્ટના મુખ્ય બિલ્ડીંગમાં ઓપીડી સેન્ટર પણ કાર્યરત છે. જેમાં માત્ર પાંચ રૂપિયામાં નિદાન તથા સારવારનો લાભ મેળવી શકાય છે તથા શહેરનાં નિષ્ણાંત તબીબોની સેવાઓ આપી રહ્યા છે. દર બુધવારે વિનામૂલ્યે નિદાન તથા સારવાર મેળવી શકાય છે. આ ઉપરાંત ટ્રસ્ટમાં રાહતદરે લેબોરેટરી, એકસ-રે તથા ફિઝીયોથેરાપીની સુવિધાઓ ઉપલબ્ધ છે.
ટ્રસ્ટ દ્વારા આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા પરંતુ ભણવામાં અત્યંત તેજસ્વી તેવા વિદ્યાર્થીઓને ધો.૮ થી ધો.૧૨ સુધીનું શિક્ષણ વિનામૂલ્યે પુરુ પાડવા માટે જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટ ચલાવવામાં આવે છે. આરોગ્ય તથા શૈક્ષણિક સેવાઓ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા નબળા વર્ગના પરિવારોની બહેનોને પગભર કરવા માટે સિવણ, એમ્બ્રોઈડરી, કોમ્પ્યુટર સહિતના વોકેશનલ કોર્સ પણ શીખવવામાં આવે છે. ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટીઓ પ્રવિણભાઈ રૂપાણી, અંજલિબેન રૂપાણી, રંજનબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ, મેહુલભાઈ રૂપાણી, રાજેશભાઈ રૂપાણી તથા અમિનેશભાઈ રૂપાણી સહિતનાઓના માર્ગદર્શન હેઠળ ચાલતા આ તમામ પ્રોજેકટમાં સેવાઓ આપવા માટે કમિટીઓના મેમ્બર્સ કાર્યરત રહે છે.
આગામી ૧૫ એપ્રિલ રવિવારે યોજાનાર નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પને સફળ બનાવવા માટે ટ્રસ્ટની મેડિકલ કમિટીના મેમ્બર્સ અંજલિબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડો.નયનભાઈ શાહ, ડો.વિભાકરભાઈ વચ્છરાજાની, દિવ્યેશભાઈ પટેલ તથા બિપીનભાઈ વસા જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે ટ્રસ્ટના વહિવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો ફોન નં.૨૭૦૪૫૪૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com