નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત: રાજયભરમાં ભારે વિરોધ બાદ સરકારે તાત્કાલિક લીધો નિર્ણય

તાજેતરમાં યોજાનાર બિનસચિવાલય કલાર્કની પરીક્ષા સરકાર દ્વારા રદ કરવામાં આવી હતી. ઉપરાંત પરીક્ષાની લાયકાત સ્નાતક કરવામાં આવી હતી. જેની સામે રાજયભરમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો જેને ધ્યાને લઈને અંતે સરકારે આજે બિનસચિવાલય રદ થયેલી પરીક્ષા ૭ નવેમ્બરે યોજવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત લાયકાત ધો.૧૨ ઉર્તિણ યથાવત રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ થતા રાજયભરનાં દરેક સેન્ટરોમાં કોંગ્રેસ સહિતનાં વિવિધ સંગઠનો તેમજ વિદ્યાર્થીઓનાં સંગઠનોએ ભારે આક્રોશ સાથે આવેદનો પાઠવ્યા હતા. આ ઉપરાંત વિરોધદર્શક કાર્યક્રમો પણ યોજયા હતા. સમગ્ર રાજયમાં કુલ ૧૦.૪૫ લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના હતા જેઓએ અગાઉ છેલ્લા ઘણા સમયથી તૈયારી કરી હતી. અચાનક પરીક્ષા રદ થતા આ વિદ્યાર્થીઓમાં પણ ભારે રોષ દેખાતો હતો. આ ઉપરાંત બિનસચિવાલય કલાર્કની પરીક્ષા આપવા માટેની લાયકાત ધો.૧૨ ઉર્તિણ હતી જેમાં ફેરફાર કરીને લાયકાત વધારીને ગ્રેજયુએટ કરી દેવામાં આવી હતી જેની સામે પણ ભારે વિરોધ જોવા મળ્યો હતો. કુલ ૬ લાખથી વધુ ઉમેદવારો એવા હતા કે જે માત્ર ધો.૧૨ ઉર્તિણની લાયકાત જ ધરાવતા હતા જો નવી લાયકાતનો અમલ થાય તો તેઓ આ પરીક્ષા આપી શકે તેમ ન હતા.

ભારે વિરોધને ધ્યાને લઈને રાજય સરકાર દ્વારા તાત્કાલિક આ અંગે ચર્ચા-વિચારણા કરીને આજે પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે આજે પત્રકાર પરીષદમાં જાહેરાત કરી છે કે, નવી પરીક્ષા તા.૧૭ નવેમ્બરને રવિવારનાં રોજ યોજાશે. આ પરીક્ષા ૧૨ પાસ ઉમેદવારો પણ આપી શકશે. વધુમાં પટેલે કહ્યું કે, અમારી સરકાર સંવેદનશીલ સરકાર છે. લોકોની લાગણીને સમજીને તેમને માન આપનારી સરકાર છે. સરકારે ધો.૧૨ પાસ અને સ્નાતક બધા જ વિદ્યાર્થીઓને એક તક આપવાનો નિર્ણય કર્યો છે. તા.૧૭ નવેમ્બરનાં રોજ યોજાનાર પરીક્ષા ૩૧૭૧ કેન્દ્રો ઉપર યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.