કાઉન્સીલ દ્વારા સમજી વિચારીને નિયમો બનાવાયા હોવાથી હાઇકોર્ટે હસ્તક્ષેપ કરી શકે નહીં

એન્જિનિયરિંગ કોલેજોના ટેકનિકલ કોર્સિસમાં જનરલ કેટેગરી (સામાન્ય વર્ગ)ના વિદ્યાર્થીઓ માટેની કટ ઓફ માર્ક્સની મર્યાદા ૪૫%ને બદલે ૪૦% કરવાની દાદ માંગતી જાહેરહિતની અરજી હાઇકોર્ટે રદબાતલ ઠેરવી હતી. ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી.એમ. પંચોલીની ખંડપીઠે કટ ઓફ માર્ક્સની મર્યાદા નહીં ઘટાડવાનો આદેશ કર્યો હતો.જેમાં નોંધ્યું હતું કે, જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટેના નિયમોમાં છૂટછાટ આપી શકાય નહીં. કાઉન્સિલ દ્વારા પ્રવેશ માટેના જે નિયમો બનાવાયા હોય છે, તેની પાછળના ચોક્કસ કારણો અને વિચારો હોય છે. તેથી આવા નિર્ણયોમાં કોર્ટ હસ્તક્ષેપ કરશે નહીં.અરજદાર ચિરાગ દવે મારફતે હાઇકોર્ટ સમક્ષ રિટ પિટિશન કરાઈ હતી. જેમાં એવી રજૂઆત કરાઈ હતી કે, રાજ્ય સરકાર તેમજ ACPC(એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ) દ્વારા નક્કી કરાયેલા ધારાધોરણ પ્રમાણે ઇજનેરી કોલેજોમાં પ્રવેશ માટે અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ૪૦% જ્યારે જનરલ કેટેગરીના ઉમેદવાર માટે ૪૫% નક્કી કરાયા છે. તેને કારણે ૪૦થી ૪૪% ની વચ્ચે માર્કસ લાવનાર જનરલ કેટેગરીના ઉમેદવારને ટેકનિકલ એજ્યુકેશનમાં પ્રવેશ મળતો નથી. હાલ ટેકનિકલ એજ્યુકેશનની ૨૮ હજારથી વધુ બેઠકો ખાલી પડી છે. ત્યારે પ્રવેશ ઇચ્છુક ઉમેદવારો આવા જડ ટેકનિકલ નિયમને કારણે પ્રવેશથી વંચિત રહી જાય છે.પિટિશનમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ખરેખર પછાતવર્ગના વિદ્યાર્થીઓને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે આ વ્યવસ્થા રખાઈ હતી. જો કે તેને કારણે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓની તકો પર તરાપ મારી શકાય નહીં. જેથી જો બેઠક ખાલી હોય તો તક ગુમાવી ચુકેલા વિદ્યાર્થીઓને પણ તેમાં પ્રવેશ મળવો જોઇએ.આ કેસની હકીકત એવી છે કે અરજદાર સામાજિક કાર્યો સાથે સંકળાયેલા છે. તેમના પુત્રના પ્રવેશની પ્રક્રિયા દરમિયાન તેમણે જાણમાં આવ્યું કે ટેકનિકલ એજ્યુકેશનની પ્રવેશ પ્રક્રિયામાં ભારે ભેદભાવ છે. કેમ કે આ કોર્સમાં લગભગ ૨૮ હજાર બેઠકો ખાલી હોય છે, પરંતુ તેની સામે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માત્ર એક કે બે માર્ક્સના અંત્યત નાના અંતરના લીધે પ્રવેશથી વંચિત રહી જાય છે. જે ગેરવ્યાજબી અને ગેરન્યાયી છે. આ કોર્સમાં પ્રવેશ માટે અનામત વર્ગના વિદ્યાર્થીઓના કટ ઓફ માર્ક્સ ૪૦% અને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓના કટ ઓફ માર્ક્સ ૪૫% છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા આ ફાળવણીની વ્યવસ્થા ગોઠવાય છે. સામાન્ય વર્ગના જે વિદ્યાર્થીઓ કે જેણે ૪૦થી ૪૪ % માર્ક્સ મેળવ્યા હોય તેઓ પણ આ કોર્સમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય છે. પરંતુ કાઉન્સિલના અક્કડ ધારાધોરણોના લીધે ૨૮ હજારથી વધુ સીટો ખાલી હોવા છતાંય અને બેઠકો પડી હોવા છતાં આવા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકતા નથી. તેથી કાઉન્સિલને આદેશ કરવો જોઇએ કે તેઓ જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને પણ પુરતી તક આપે અને ખાલી સીટો ઉપર તેઓ પણ પ્રવેશ મેળવી શકે. જો કે, હાઇકોર્ટે આ રિટને રદબાલત ઠેરવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.