રાજકોટ શહેર નજીક  કુવાડવા વિસ્તારમાં મારુતિ પેટ્રોલીયમ અને બજરંગ ટ્રેડિંગ એમ બે પેઢીમાંથી મળેલો કુલ રૂા.1.26 કરોડનો 2.20 લાખ લીટર જથ્થો બાયોડીઝલ ગણી પ્રથમ પુરવઠા તંત્ર તેમજ બાદમાં રાજકોટ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સીઝ કર્યા બાદ કલેકટરે રાજ્યસાત કરવાના કરેલા હુકમો સામે બંને પેઢીની અપીલમાં  સેશન્સ કોર્ટ બંને હુકમો રદ કરી ચાર મુદ્દા કલીયર કરવા કલેકટરને આદેશ કર્યો છે.

કલેક્ટરના બંને  હુકમ સામે કરેલી અપીલ સેશન્સ કોર્ટે અંશત: મંજૂર કરી,જથ્થા અંગે ચાર મુદ્દાની સ્પષ્ટતા કરવા આદેશ કર્યો

બનાવની હકીકત જોઈએ તો અમદાવાદ હાઈવે ઉપર માલીયાસણ ગામ પાસે આવેલ ભરત વશરામભાઈ રામાણીની મારુતિ પેટ્રોલિયમ પેઢીમાં તથા બજરંગ ટ્રેડિંગ કું. ના રાજકોટ પુરવઠા અધીકારીઓની ટીમે રાત્રીના સમયે રેડ કરી માલીકોની ગેરહાજરીમા 2,10,000/- લીટર નો જથ્થો એટલે કે 2કમ રૂા.1,26,00,000/- નો બાયોડિઝલ ગણી જથ્થો સીઝ કરવામા આવેલ હતો તે જથ્થાને રાજકોટના જિલ્લા મેજી. અને ક્લેક્ટર દ્વારા  100 % રાજયસાત (ખાલસા) કરવાના બંને પેઢીઓના અલગ અલગ હુકમો કરાયા હતા.

ઉપરોકત હુકમોથી નારાજ થઈ મારુતિ પેટ્રોલીયમના માલિક ભરત રામાણીએ તથા બજરંગ ટ્રેડીંગના માલીક દિપેશ મહેતાએ એડવોકેટ સુરેશ ફળદુ મારફત રાજકોટની સેશન્સ અદાલતમાં અપીલો દાખલ કરી હતી, તેની સાથે હુકમ સ્થગીત કરવા અલગથી માંગણી કરતા કલેકટરના હુકમો સ્ટે કર્યા બાદ અપીલોની ફાઈનલ દલીલો શરૂ થઇ હતી. સુરેશ ફળદુ દ્વારા રજુઆતો કરવામાં આવેલ કે સરકારી તંત્રો દ્વારા  રેડ વખતે જે જે ક્ષતિઓ કાઢેલ તે વખતે તેનો ખુલાસો કરવાની તક આપવામાં આવી નથી જે તમામ પુરાવા તથા ખુલાસા વેપારીઓ પાસે હતા. તે કલેકટર સમક્ષ રજુ પણ કરેલ હતા છતા રેકર્ડ પરની હકીકતોથી વિપરીત તથા પ્રસ્થાપિત થયેલ માર્ગદર્શક સિધ્ધાંતો વિરૂધ્ધના હુકમો છે.  એફ.એસ.એલ. રિપોર્ટમાં પણ પ્રવાહી બાયોડિઝલ નહી હોવાનું ફલિત થયા બાદ તેમજ તે પ્રવાહી આવશ્યક ચીજવસ્તુના દાયરામાં આવતું ન હોવા છતા  કલેકટર દ્વારા કરવામાં આવેલ હુકમો કાયદાના પ્રસ્થાપીત થયેલ સિધ્ધાંતો વિરૂધ્ધના હોય જેથી હુકમો રદ ઉપરોકત તમામ પક્ષેની રજુઆતો રેકર્ડ ઉપરનો દસ્તાવેજી પુરાવો લક્ષે લેવા લંબાણપુર્વકની દલીલો કરવામાં આવી હતી.

જે ધ્યાને લઇ સેશન્સ અદાલતે  તંત્ર દ્વારા જપ્ત કરેલ પ્રવાહી પેટ્રોલીયમ પેદાશ આવશ્યક ચીજવસ્તુ ગણી શકાય કે નહી તે પ્રશ્નાર્થ છે ત્યારે આ કાયદાની જોગવાઈ લાગુ પડે છે કે કેમ તે પણ નકકી કરવાનુ રહે છે તેમ અનેક મુદાઓ ઉઠાવી તે સંબંધે કલેકટરને યોગ્ય થવા જણાવી  અપીલો અંશત: મંજુર કરતો અને જથ્થો 100 % રાજયસાત કરવાનો કલેકટરના હુકમો રદ કરવા હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં એપેલન્ટસ વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, કેતનપરમાર, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ રોકાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.