બે મહિનામાં બિનસચિવાલય કલાર્કની પરીક્ષા બે વાર રદ : દોષિતો સામે એફઆઈઆર થશે, ત્રણ વર્ષ સુધી સ્પર્ધાત્મક પરીક્ષા નહીં આપી શકે :નવી પરીક્ષાની તારીખ જલ્દી જાહેર થાય તેવી માંગ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત ૧૭ નવેમ્બરે લેવાયેલી બિનસચિવાલય કલાર્કની પરીક્ષાને અંતે રાજય સરકારે રદ કરી દીધી છે. આ પરીક્ષાઓમાં વ્યાપક ગેરરીતીઓ થઈ હોવાનાં ૬ લાખથી વધુ ઉમેદવારોનાં આક્ષેપોનો એસઆઈટીએ સ્વિકાર કર્યો છે એટલું જ નહીં પરીક્ષાર્થીઓએ સરકારને ગેરરીતીનાં જે પુરાવાઓ આપ્યા હતા તે બધા જ પ્રમાણિત હોવાનું એફએસએલ દ્વારા પુષ્ટિ કરાતા એસઆઈટીએ રાજય સરકારને પોતાનો તપાસ અહેવાલ સુપ્રત કર્યો હતો અને આ પરીક્ષા રદ કરવાની ભલામણ કરી હતી. આ મામલે ગઈકાલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગાંધીનગરમાં પત્રકાર પરીષદ યોજી જણાવ્યું હતું કે, વિદ્યાર્થી આગેવાનોએ પુરાવારૂપે ૧૦ જેટલા મોબાઈલ અને સીસીટીવી આપ્યા હતા. પરીક્ષાર્થીઓ એકબીજાને પુછીને ચાલુ પરીક્ષામાં મોબાઈલમાં જોઈને જવાબો લખતા હોય તેવું જોવા મળ્યું હતું. પેપર લીક કરવામાં સંડોવાયેલા શખ્સો સામે ગાંધીનગરમાં પોલીસ ફરિયાદ નોંધાશે તેમજ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને એટીએસ તપાસમાં જોડાશે.
પરીક્ષામાં ચોરી થઈ હોવા બાબતે બનાસકાંઠા, ગીરસોમનાથ તથા સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૪ ફરિયાદ નોંધાઈ છે. આ તપાસ દરમિયાન જે પણ ઉમેદવારોએ પરીક્ષામાં ગેરરીતી કરીને જવાબો લખ્યા હોવાનું માલુમ પડશે તેની સામે એફઆઈઆર નોંધાશે અને આવા તમામ ઉમેદવારો પર રાજય સરકાર દ્વારા લેવાતી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ત્રણ વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવશે.
નવી પરીક્ષાની તારીખ જલ્દીથી જાહેર કરવામાં આવે અને અમુક વિદ્યાર્થીની ઉંમર થોડા સમય માટે જતી રહે તેવો અન્યાય ન થાય અને જુની પરીક્ષા માટે વિદ્યાર્થીએ જે ફી ભરી છે તે અન્ય શહેર ગામડામાંથી આવ્યા હોય તેને વળતર ચુકવવામાં આવે તે માટે માંગ કરવામાં આવી છે અને હવે પરીક્ષાર્થીઓ નવી પરીક્ષાની તારીખની રાહ જોઈ રહ્યા છે.