અધિવેશનના ખર્ચ માટે શિક્ષકોના પગારમાંથી રૂ.500 અને રૂ.1000ની કપાત કરવાનો સરકારે નિર્ણય કર્યો તો, શિક્ષકોના વિરોધ બાદ નિર્ણય પાછો ખેંચાયો
શિક્ષકોના સંમેલન માટે પગાર કપાતનો ઠરાવ સરકારે રદ કર્યો છે. શિક્ષણ વિભાગે સંમેલન માટે ફાળાની રકમ પગારમાંથી કપાત કરવા માટે પરિપત્ર કર્યો હતો. શિક્ષકોના વિરોધ બાદ સરકારે આ ઠરાવ રદ કર્યો છે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું અધિવેશન અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશનનું આયોજન કરવાના આવ્યું છે. જેમાં જુદા જુદા રાજ્યોમાંથી અંદાજે એકાદ લાખ શિક્ષકો હાજર રહેવાના છે.ત્યારે આવનારા શિક્ષકો માટે મંડપ, લાઇટ, ભોજન રહેણાંક વિગેરેના ખર્ચ માટે શિક્ષકો પાસેથી પગાર બિલે રૂ.500 અને રૂ.1000ની કપાત કરવા માટે સૂચના અપાઇ હતી પણ આ બાબતે ભારે વિવાદ સર્જાતા આખરે પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ લેખિતમાં શિક્ષણ મંત્રીને જણાવ્યું છે કે કોઇ વિવાદ ન થાય એ માટે શિક્ષણ વિભાગનો 10 ફેબ્રુઆરીનો પરિપત્ર જેમાં શિક્ષકોના પગાર બિલેથી સ્વૈચ્છિક ફાળો કાપવાનો નિર્ણય કરાયેલો તે રદ કરવો.
આ રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે જે સંઘના સભ્યો છે તેઓએ સ્વૈચ્છિક લેખિત બાંહેધરી સાથે અધિવેશન અને પૂ.મોરારિબાપુની રામકથામાં ફાળો આપવા માટે મંજૂરીની વાત કરી હતી. સભાસદોની સંમતિથી સંઘના કાર્યક્રમ માટે ફાળો લેવાની વાત કરી છે.
અન્ય સંગઠનના સભ્યો પાસેથી ફાળાની વાત જ કરી નથી. ત્યારે આ વિવાદ થયો છે. કોઇ વિવાદ થાય તેવું સંઘ ઇચ્છતો નથી. આથી ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય અધિવેશન અને શિક્ષકોના કલ્યાણ માટે મોરારિબાપુની રામ કથા યોજાઇ રહી છે ત્યારે વિવાદ ન થાય તે હેતુથી શિક્ષકોના પગાર બિલેથી સ્વૈચ્છિક ફાળો કાપવાનો નિર્ણય કરાયેલો તે રદ કરવા અનુરોધ કર્યો છે.