RCEP કરારમાં ન જોડાતા મોરબી સિરામિક ઉદ્યોગને સીધો નહીં પણ આડકતરો ફાયદો મળશે

ચાઈના પ્રેરીત આરસીઈપી કરાર ન કરવાથી દેશને અનેકગણો ફાયદો પહોંચશે તેવું તજજ્ઞો દ્વારા માનવામાં આવી રહ્યું છે જે રીતે ચાઈનાએ કરાર રજુ કરી તમામ એફપીએ અને એશિયન દેશોને સાથે લેવાનો પ્રયાસ કર્યો તેમાં ભારતે નનૈયો ભણ્યો હતો. તજજ્ઞોનું માનવું છે કે, હાલનાં તબકકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે આરસીઈપી કરાર ન કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી અનેકગણો ફાયદો દેશને પહોંચશે. દેશની રોજગારીમાં ઘણો ખરો ફેર પડશે અને રોજગારીની તકો પણ ઉભી થશે.

તજજ્ઞોનું માનવું છે કે, ભારત દેશે તેની અર્થવ્યવસ્થાને કેન્દ્ર સ્થાન પર રાખી આરસીઈપી કરાર ન કરવાનો નિર્ણય જે લીધો છે તેનાથી દેશની અર્થવ્યવસ્થાને ઘણી સારી અસર પહોંચશે. ભારત દેશમાં ઘણી ચીજ-વસ્તુઓનું ઉત્પાદન થાય છે જેમાં ખેતપદાર્થોનો પણ સમાવેશ થતો નજરે પડે છે. ભારત દેશ દ્વારા જો આરસીઈપી કરાર કરવામાં આવત તો અન્ય દેશોનો ડયુટી ફ્રી માલ-સામાન ભારત દેશમાં વેચાણમાં આવત જેનાથી દેશની જે ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી છે તેની માઠી અસર પહોંચત. આરસીઈપી કરાર ન કરવાનો ફાયદો એ છે કે ભારત તેની ચીજ-વસ્તુઓ જે વિદેશમાં નિકાસ કરી રહી છે તેમાં ડયુટી લગાડી શકે છે જે કયાંકને કયાંક વિદેશી હુંડિયામણોને ભારતમાં લાવવા માટેનો પણ એક ઉપાય માનવામાં આવી છે. આરસીઈપી કરાર ન કરવાથી નુકસાન માત્ર એટલી જ થઈ શકે તેમ છે જેમાં ખેતપદાર્થોેની જે ગુણવતા અન્ય કરતા ઓછી હોવાનાં કારણે તેનાં આયાતમાં થોડી અસર પહોંચશે. બીજી તરફ ભારત દેશની જે ટ્રેડ ડેફીશીટ છે તેમાં વધારો નહીં થાય તે પણ હકારાત્મક પાસુ માનવામાં આવી રહ્યું છે.

એફકેઝેડ

આરસીઈપી કરાર કર્યા બાદ ચાઈનાની મીલી મુરાદ એ હતી કે, એશિયન દેશોમાં તેમનો પગદંડો જમાવી તમામ ચીજવસ્તુઓ સસ્તા ભાવે અને ડયુટી ફ્રી આપવા માટે પ્રેરીત હતું જો આ પરિસ્થિતિ નિર્માણ પામત તો તેની સીધી અસર ભારતીય બજારને પહોંચત પરંતુ હવે તે પગલું પણ યથાયોગ્ય નથી લાગતું. બીજી તરફ એ વાત પણ સાચી છે કે, હાલની અર્થવ્યવસ્થા ડામાડોળ હોવાનાં કારણે આરસીઈપીમાંથી ભારત બાકાત રહ્યું છે પરંતુ જયારે દેશની અર્થવ્યવસ્થામાં સુધારો જોવા મળશે ત્યારબાદ ભારત ફરી આરસીઈપી કરારમાં જોડાઈ દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબુતી આપી શકશે. હાલ ભારત દેશની ક્ષમતા નથી કે ચાઈના જેવા વિકસિત દેશ સામે તે ટકી શકે જેના કારણોસર ભારત દ્વારા લેવામાં આવેલો નિર્ણય અત્યંત મહત્વપૂર્ણ અને યોગ્ય માનવામાં આવી રહ્યો છે. ભારત દેશને વ્યાપાર વૃદ્ધિ માટે યુરોપીયન યુનિયન અને અમેરિકામાં જવા માટે માર્ગ મોકળો થયો છે પરંતુ જગત જમાદાર અમેરિકા વારંવાર ભારતની ચીજ-વસ્તુઓ પર ટેરીફ લાદે છે તે જોતા એ વાત પણ સ્પષ્ટ છે કે, ભારત દેશે તેની તાકાત અનુસાર યુરોપીયન યુનિયન અને અમેરિકા ઘુસ મારવી પડશે. બીજી તરફ ભારત અને સવિશેષ રાજકોટનાં એન્જીનીયરીંગ પ્રોડકટો યુરોપીયન યુનિયનમાં સૌથી વધુ પ્રચલીત છે જેનું કારણ તેની ગુણવતા માનવામાં આવે છે. હાલ યુરોપીયન યુનિયનમાં એન્જીનીયરીંગની પ્રોડકટોની હરીફાઈમાં ભારત અને ચાઈના આમને-સામને છે ત્યારે લોકોનો વિશ્ર્વાસ ભારતીય કંપની અને ભારતીય ચીજ-વસ્તુઓ ઉપર હોવાથી ભારતને અનેકગણો ફાયદો પહોંચશે. બીજી તરફ આરસીઈપી કરાર ન કરવાથી ભારતનાં અને સવિશેષ મોરબીનાં સિરામિક ઉધોગને સીધો નહીં પણ આડકતરો ફાયદો થશે. હાલ ચાઈના સિરામિક ચીજ-વસ્તુઓમાં એન્ટી ડમ્પીંગ ડયુટી વધુ લગાડતી હોય છે જો આરસીઈપી કરાર કરવામાં આવ્યો હોત તો સિરામિક ચીજ-વસ્તુઓ સસ્તા ભાવે ચાઈના ભારતમાં વહેંચી શકત જેનાથી ભારતનાં સિરામિક ઉધોગને તેની માઠી અસર પહોંચત. હાલ ઈટાલીને પડકાર્યા બાદ ચાઈના સિરામિક ક્ષેત્રે પોતાનું પ્રભુત્વ જમાવી રહ્યું હતું પરંતુ મોરબી દ્વારા અથાગ મહેનતનાં પગલે ચાઈનાને પણ સિરામિક ચીજ-વસ્તુઓમાં પીછેહઠ કરાવી હતી. ભારતની જેમ જગત જમાદાર અમેરિકા પણ એશિયા પેસીફીક કરારમાંથી બહાર થઈ ગયું છે ત્યારે એશિયામાં અમેરિકાનું જે પ્રભુત્વ રહ્યું હતું તે હવે નહિવત થતા અન્ય એશિયન દેશોમાં ભારત વધુને વધુ મજબુતાઈથી આગળ વધી શકશે પરંતુ સૌથી મોટી વાત એ છે કે, ભારતે તેની અર્થવ્યવસ્થાને ફરીથી બેઠી કરવી પડશે અને જો તે કરવામાં દેશ સફળ નિવડશે તો ઘણા ખરા પ્રશ્ર્નોનું નિવારણ ત્વરીત આવી જશે અને વૈશ્ર્વિક સમુદાયમાં ભારત તેનું આગવું સ્થાન ઉભું કરી ચાઈના માર્કેટને તોડી પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરશે તેમાં કોઈ જ શંકાને સ્થાન નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.