સરોવર બનશે તો અભ્યારણપર ખતરો, મીઠા ઉદ્યોગ પણ પતી જશે
કચ્છના નાના રણનો વિસ્તાર આશરે ૪૦૦૦ ચો.કી.મી.નો છે. સરકાર સદર વિસ્તારમાં રણ સરોવર બનાવવાનું વિચારી રહી છે. સદર વિસ્તારમાં ઘુડખર અભ્યારણ આવેલા છે. આ વિસ્તારમાં ઘણા બેટો આવેલા છે. જયાં નિલગાય, વરૂ, યાયાવાર પક્ષીઓનો વસવાટ છે. રણ સરોવર યોજનાથી હજારો પ્રાણીઓનાં અસ્તિત્વ પર સવાલ ઉભો થશે. તેમજ રણની જમીન ખારી હોવાના કારણે જો સરોવર બનાવીને વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે તો પણ આ પાણી ખારૂ બની જશે. તથા આ વિસ્તાર દરીયાની સપાટીથી માત્ર ૩ થી ૪ મીટર ઉંચો હોવાના કારણે પવનની ઝડપ વધતા વિસ્તારમાં દરીયાનું પાણી આવી જતુ હોવાથી રણ સરોવર યોજના આ વિસ્તારમાં શકય નથી.
આ વિસ્તારમાં દેશની જરૂરીયાતનું મહત્તમ મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે. જો રણ સરોવર બનાવવામાં આવશે. તો સદીઓથી મીઠા ઉત્પાદનના વ્યવસાય પર નભતા હજારો અગરીયા પરિવારો અને મીઠાના ઉદ્યોગ સાથે જોડાયેલ અનેક વેપારીઓ ટ્રાન્સપોર્ટરો બેકાર બનશે. સરકાર દ્વારા સદર વિસ્તારમા રણ સરોવર બનાવવાની યોજનાને રદ કરવામાં આવે તેવી માંગણી દસાડાના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીએ કરી છે.