સવલાસ, મીઠાઘોડા અને બામણવા સહિતના ગામોમાં કેનાલોનું સંપૂર્ણપણે ધોવાણ

અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના રણકાંઠાના કુલ 89 ગામોમાંથી 87 ગામોમાં નર્મદા કેનાલનું પાણી પહોંચ્યું હોવાના તંત્ર દ્વારા દાવાઓ કરાય છે. ત્યારે હાલમાં નર્મદા કેનાલમાં પાણી બંધ કરાતા સૂકીભઠ્ઠ બનેલી કેનાલોમાં ગાબડાઓની પોલ ઉઘાડી પડી છે અને એમાય પાટડી તાલુકાની 25 % કેનાલોનું પાણી આવે એ પહેલાં અસ્તિત્વ જ ખતરામાં છે.  સુરેન્દ્રનગર જિલ્લાના રણકાંઠામાં માળીયા શાખા, ઝીંઝુવાડા શાખા, ખારાઘોડા શાખા અને ગોરૈયા શાખા એમ કુલ ચાર શાખા, પેટા શાખા અને વિશાખા કેનાલો દ્વારા રણકાંઠાના કુલ 89 ગામોમાંથી 87 ગામોમાં કેનાલના પાણીથી સૂકાભઠ્ઠ ગણાતા રણકાંઠા વિસ્તારમાં હરીયાળી ક્રાન્તી સર્જાયાના તંત્ર દ્વારા દાવાઓ કરાઇ રહ્યાં છે. પરંતુ રણકાંઠામાંથી પસાર થતી કેનાલોમાં વારંવાર પડતા મસમોટા ગાબડાઓના લીધે રણકાંઠા વિસ્તારમાં કેનાલોનું કામ ખુબ નબળુ થયુ હોવાની ચોંકાવનારી હકીકતો સામેં આવી હતી.

ગુજરાતમાં નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ પાટડી તાલુકાને

રણકાંઠા વિસ્તારમાંથી પસાર થતી 631.35 કિ.મી. લાંબી ઝીંઝુવાડા શાખા કેનાલથી રણકાંઠાના અંતરિયાળ 47 ગાંમડાના 18458 ખેડૂતોની 53342 સીસીએ હેક્ટર જમીનને પીયતનો લાભ મળે છે. અને 160.32 કિ.મી.લાંબી ખારાઘોડા શાખા કેનાલથી રણકાંઠાના 16 ગામડાઓના 6202 ખેડૂતોની 13398 સીસીએ હેક્ટર જમીનને પિયતનો લાભ મળે છે. જ્યારે રણકાંઠા વિસ્તારના માલવણ, અખીયાણા અને પીપળી સહિતના ગામોમાંથી પસાર થતી માળીયા શાખા કેનાલનું પાણી ફક્ત પીવાના જ ઉપયોગમાં લેવાય છે.

પાટડી તાલુકાના ખેડૂતોએ સામુહિક સહિઓ સાથે ઉચ્ચ કક્ષાએ લેખીત રજૂઆત કરી

હાલમાં તંત્રની સુચનાથી નર્મદા વિભાગ દ્વારા રણકાંઠા વિસ્તારમાંથી પસાર થતી ઝીંઝુવાડા, ખારાઘોડા અને ગોરૈયા શાખા કેનાલમાં પાણી સદંતર બંધ કરાતા સૂકીભઠ્ઠ બનેલી કેનાલોમાં ગાબડાઓની ભરમારથી તંત્રની પોલ ઉઘાડી પડી ગઇ છે અને એમાય પાટડી તાલુકાની 25 % કેનાલોનું પાણી આવે એ પહેલા અસ્તિત્વ જ ખતરામાં છે. પાટડી તાલુકાના સવલાસ, મીઠાઘોડા અને બામણવા સહિતના અનેક ગામોમાં કેનાલો સંપૂર્ણપણે ધોવાઇ ગઇ છે એ પણ નરી વાસ્તવિકતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.