ખાલિસ્તાની આતંકી હરદીપસિંઘ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ કેનેડાએ લગાવ્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. કેનેડાએ આરોપ લગાવ્યા બાદ હવે ભારત સહીત અનેક દેશો કેનેડા પાસે આ દિશામાં નક્કર પુરાવા રજૂ કરવા માંગ કરી રહ્યા છે પણ હાલ સુધી કેનેડાની ગુપ્તચર એજન્સીઓ ભારતની ભૂમિકા અંગે કોઈ જ કડી કે પુરાવા શોધી શકી નથી જે આરોપોને પાયાવિહોણા હોવા તરફ દોરી રહ્યું છે. કેનેડાએ કોઈ જ પુરાવા વિના આક્ષેપ મુકતા વૈશ્વિક મંચ પર કેનેડાને વિશ્વ્સનીયતાને તો ચોક્કસ અસર પડશે જ સાથોસાથ કેનેડામાં સ્થાયી થયેલા ખાલિસ્તાની આતંકીઓ પ્રત્યેનો પ્રેમ પણ વૈશ્વિક મંચ પર ખુલ્લો પડ્યો છે.
નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના આક્ષેપો કર્યા બાદ પુરાવા આપવામાં કેનેડા હજુ પણ નિષ્ફળ
સૂત્રોએ પુષ્ટિ કરી છે કે, સરેની સ્થાનિક પોલીસ, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ અને કેનેડિયન સિક્યોરિટી ઈન્ટેલિજન્સ સર્વિસએ જૂન મહિનાની આસપાસ ભારતીય મૂળના એજન્ટોના કેનેડા પ્રવાસ સહીતની વિગતો જાણવા વ્યાપક પ્રયાસ કર્યો હતો પરંતુ આ કવાયતથી કશું મળ્યું નથી તેવું સૂત્રોએ જણાવ્યું હતું.
નિજ્જરની હત્યામાં કેનેડિયન પોલીસે બે શંકાસ્પદ વાહનો (એક બળી ગયેલી કાર અને સિલ્વર 2008ની ટોયોટા કેમરી) કબ્જે કરી હરી. આ કડીને પણ ભારતીય એજન્ટ સાથે સ્થાપિત કરી શકાઈ નથી.
ઉપરાંત વોશિંગ્ટન પોસ્ટ મુજબ નિજ્જરના હત્યારાઓએ તેના એક સહાયક પર બંદૂક તાકી હતી જેણે તેમનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગોળી ચલાવી ન હતી. જેનાથી સ્પષ્ટ થાય છે કે, હત્યારાઓને ફકત નિજ્જરને પતાવી દેવાનો જ ઓર્ડર મળ્યો હતો.
આ ઉપરાંત નિજ્જરના પરિવારે મીડિયાને ઘણા નિવેદનો આપ્યા છે જે સૂચવે છે કે તે કેનેડિયન સિક્યુરિટી ઇન્ટેલીજન્સ સર્વિસ(સીએસઆઈએસ) સાથે સતત સંપર્કમાં હતો. જો કે તે કોઈ માહિતી આપનાર હતો કે કેમ તે સ્પષ્ટ નથી.
ખાલિસ્તાની-આતંકી અને ડ્રગ્સ સ્મગલરો પર તૂટી પડતી એનઆઈએ: 6 રાજ્યોમાં દરોડા
નેશનલ સિક્યુરિટી એજન્સી (એનઆઈએ) એ બુધવારે 6 રાજ્યોમાં ખાલિસ્તાન, ગેંગસ્ટર, ડ્રગ સ્મગલર નેટવર્ક વિરુદ્ધ એક સાથે કાર્યવાહી કરી હતી. એજન્સીએ બુધવારે સવારે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી-એનસીઆર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં 53 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી લોરેન્સ, બંબીહા અને અર્શ ડલ્લા ગેંગના સહયોગીઓ સાથે જોડાયેલા સ્થળો પર કરવામાં આવી રહી છે. ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાના નજીકના જોરા સિંહની પંજાબના ફિરોઝપુરથી ધરપકડ કરવામાં આવી છે. તેના મોબાઈલમાં અર્શ ડલ્લા સાથે ચેટિંગના પુરાવા મળ્યા છે.
રાજસ્થાનના જેસલમેરથી એક શકમંદની અટકાયત કરવામાં આવી છે. તેની પૂછપરછ ચાલી રહી છે. એનઆઈએની ટીમે ઉત્તરાખંડના ઉધમસિંહનગરના બાઝપુરમાં દરોડા પાડ્યા છે. અહીં ધનસરા ગામમાં શકીલ અહેમદના ઘરે સર્ચ કરવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શકીલ અહેમદ બાઝપુરમાં ગન હાઉસ ચલાવે છે. તેના પર ખાલિસ્તાન સમર્થકોને ગેરકાયદેસર રીતે હથિયાર સપ્લાય કરવાનો આરોપ છે.
ભારત સાથે સંઘર્ષમાં ઉતરનાર કેનેડાના ખેડૂતોના હાલ બેહાલ
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે વચ્ચેના વેપાર પર પણ દેખાઈ રહી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપો બાદ ભારતે કેનેડાથી આયાત થતી મસૂરની દાળની ખરીદી અટકાવી દીધી છે. ભારત મુખ્ય ખરીદાર હોવા સાથે દાળનું વેચાણ ઘટી જવાથી કેનેડામાં કઠોળના ભાવ ખુબ ઘટી ગયા છે જેના કારણે કેનેડાના ખેડૂતોના હાલ બેહાલ થઇ રહ્યા છે. ખેડૂતોને પહેલા જેવા સારા ભાવ નથી મળી રહ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત પોતાની સ્થિતિ બતાવવા માટે કેનેડા સાથેના વેપાર સંબંધોને મર્યાદિત કરી શકે છે. દરમિયાન, એવા સમાચાર છે કે દિલ્હી ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીએ કેનેડાથી કઠોળની આયાત પર પ્રતિબંધ મૂકવાની કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે.