દર વર્ષે અંદાજે 3 લાખ જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જાય છે કેનેડા
આંતરરાષ્ટ્રીય સમાચાર
ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. ત્યારે ભારતે વિઝા પર પ્રતિબંધ મુકતા હવે વિદ્યાર્થીઓથી માંડી કેનેડાવાસીઓ સુધી બધા ચિંતામાં મુકાયા છે. ભારતની કાર્યવાહી બાદ ઈમિગ્રેશન ક્ધસલ્ટન્ટોના ફોન સતત વાગી રહ્યા છે. લોકો હાલ ભારે મૂંઝવણમાં મુકાયા છે.
ભારતે વિઝા પર પ્રતિબંધ મુકતા અનેક લોકો હાલ ચિંતામાં છે. ઈમિગ્રેશન ક્ધસલ્ટન્ટ શાયરસ સેથાએ જણાવ્યું છે કે, ભારતે જે પ્રતિબંધ મુક્યો છે તે સારા સમાચાર નથી. કેનેડાની વિઝા પ્રક્રિયા પહેલાથી જ એક દુ:સ્વપ્ન સમાન હતી, જેમાં ઘણી વાર બેઝલેશ આધારો પર વિઝા કેન્સલ કરવામાં આવે છે.
કેનેડિયન યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓ, રેસિડેન્સી માટે ઈચ્છુક સંભવિત ઈમિગ્રન્ટ્સ, જેઓ કોઈ એક દેશમાં કુટુંબ ધરાવે છે તેઓ હાલ ભારે મૂંઝવણનો સામનો કરી રહ્યા છે.
કેનેડામાં પ્રવાસ કરતા ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે, જેમાં વિદ્યાર્થીઓનું પ્રમાણ નોંધપાત્ર છે. વર્ષ 2022માં કેનેડામાં અભ્યાસ કરતા કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીયોબી સંખ્યા 40% હતી. સ્ટડી વિઝા પર કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 3 લાખને વટાવી ગઈ છે.
કેનેડાને કોલેજ માટે અને તે પછી સ્થાયી થવા માટે હંમેશા સલામત મૈત્રીપૂર્ણ દેશ તરીકે જોવામાં આવે છે તેવું એજ્યુકેશન ક્ધસલ્ટન્ટ વિરલ દોશી કહે છે. છેલ્લા 24 કલાકમાં મને વિદ્યાર્થીઓના માતાપિતા તરફથી ઓછામાં ઓછા પાંચ કોલ આવ્યા છે.
મુંબઈની ક્ધસલ્ટન્સી સર્વિસના વડા કે.પી. સિંઘ ઉમેરે છે કે જે વિદ્યાર્થીઓ જાન્યુઆરીમાં એડમિશન લેવાના હતા તેઓ વધુ સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી રાહ જોવાનું વિચારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 10 હજાર જેટલાં ગુજરાતી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે કેનેડા જાય છે.
આતંકવાદી પ્રવૃત્તિ સાથે મીલીભગત કરનારાઓને ડિબેટમાં નહીં બોલાવવા ટીવી ચેનલોને કેન્દ્રનું સૂચન
કેનેડા સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે ગુરુવારે (21 સપ્ટેમ્બર) ટીવી ચેનલો માટે એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જારી કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે જે લોકોને ચેનલો પર બોલાવવામાં આવે છે, તેમાં ધ્યાન રાખવું જોઈએ કે તેમાં ગુનેગારો અથવા આતંકવાદ સાથે જોડાયેલા લોકો સામેલ ન હોય જેઓ દેશ વિરુદ્ધ નિવેદનો કરે છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં એક વ્યક્તિને ટીવી પર ચર્ચા માટે બોલાવવામાં આવ્યો હતો જેના પર ગંભીર ગુનાઓ અને આતંકવાદનો આરોપ છે. તે એવા સંગઠન સાથે સંબંધ ધરાવે છે જેના પર ભારત સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમણે દેશની સાર્વભૌમત્વ, અખંડિતતા, સુરક્ષા અને મિત્ર રાષ્ટ્રો વિરુદ્ધ ઘણી વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી, જેનાથી સ્થિતિ બગડવાનો ભય છે. જો કે, એડવાઇઝરીમાં કોઈ ન્યુઝ ચેનલ કે વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.