ભારતમાં કોરોના વાયરસના ઝડપથી વધી રહેલા કેસોને કારણે કેનેડાએ ભારતીયોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. કેનેડાએ ગુરુવાર રાતથી ભારત તરફથી આવતી તમામ વ્યવસાયિક અને ખાનગી મુસાફરોની ફ્લાઇટ્સ પર 30 દિવસના પ્રતિબંધની જાહેરાત કરી છે. ભારતમાં કોરોનાના ડબલ મ્યુટન્ટ વાયરસના અનેક કેસો મળી આવ્યા બાદ જસ્ટિન ટ્રુડો સરકારે આ અંગે નિર્ણય લીધો હતો. કેનેડાના અનેક રાજ્યોની સરકારો દ્વારા પણ આ પ્રકારના પ્રતિબંધની માંગ કરવામાં આવી હતી. ભારતની સાથે કેનેડાએ પાકિસ્તાનથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.
કેનેડા સરકાર દ્વારા આ સંદર્ભે નિર્ણય લેતા પહેલા ભારતને જાણ કરવામાં આવી હતી. કેનેડાના પરિવહન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ગુરુવારે રાત્રે 11:30 વાગ્યાથી પ્રતિબંધ અમલમાં આવશે. આ ઉપરાંત ભારત સિવાય અન્ય કોઈ દેશથી કેનેડા પહોંચતા ભારતીયોને એક શરતે પ્રવેશ આપવામાં આવશે. આ લોકોએ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બતાવો પડશે, તે પછી જ તેઓ કેનેડામાં પ્રવેશ મેળવી શકશે. પરિવહન વિભાગ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આ પગલાથી કોરોનાના નવા કેસ કેનેડામાં આવવાનું રોકે છે. ખાસ કરીને એવા સમયે જ્યારે આપણી આરોગ્ય પ્રણાલી ઉપર દબાણ વધતું હોય છે.
કેનેડિયન આરોગ્ય પ્રધાન પેટી હાદજુએ કહ્યું કે, “રોગચાળાના આ સમગ્ર તબક્કામાં, અમે કેનેડાના લોકોને સુરક્ષિત રાખવા માટે યોગ્ય પગલું ભર્યું છે.” અમે સરહદ પર વિશ્વના સૌથી કડક નિયમો લાગુ કર્યા છે. ટેસ્ટિંગ, સ્ક્રીનીંગ, અને કોરોનટાઈન જેવા નિયમો લાગુ કરાયા છે. તેમણે કહ્યું કે, અન્ય દેશોથી કેનેડા આવતા લોકોમાં ભારતીયોનો હિસ્સો 20% છે અને આ હિસ્સા માંથી 50% લોકો સંક્રમિત હોય છે.