સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં વીવીપીએટી મશીનના ઉપયોગ કરવાની તૈયારી ન હોવા અંગે ચૂંટણીપંચને રિપોર્ટ આપવા કહ્યું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બેલેટ પેપર અથવા તો EVM મશીન સાથે VVPAT (વોટર વેરીફાઇડ પેપર ઓડિટ ટ્રેઇલ)ના ઉપયોગના મામલે થયેલી અરજીમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી કમિશનને તેનો જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે.એસ. ખેહરની ખંડપીઠે ચૂંટણી કમિશનને કેટલા EVMઅને VVPAT મશીનની ખરીદી કરી છે તે જણાવવા માટે કહ્યું છે. ચૂંટણી કમિશનના વલણની સુપ્રીમ કોર્ટ દ્વારા ટીકા પણ કરવામાં આવી હતી અને ગુજરાતમાં નિષ્ફળ અને તટસ્થ ચૂંટણીના પક્ષમાં કમિશન દેખાતું ના હોવાની ટકોર પણ કરી હતી. સમગ્ર મામલે ચાર અઠવાડિયામાં સોગંદનામું કરીને સ્પષ્ટતા કરવાનો આદેશ સુપ્રીમે કર્યો છે.

સુપ્રીમ કોર્ટ સમક્ષ થયેલી સુનાવણીમાં અરજદાર રેશ્મા પટેલ તરફથી સિનિયર એડવોકેટ કપીલ સિબ્બલે એવી દલીલ કરી હતી કે,ગુજરાતમાં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણીઓ VVPATના ઉપયોગથી થવી જોઇએ અને તેના માટે ૭૧ હજાર મશીનોની જરૂરિયાત છે. જ્યારે કે ચૂંટણી કમિશન તરફથી એવી દલીલ કરાઇ હતી કે,હાલમાં તેમની પાસે ૮૧ હજાર જેટલા VVPATમશીન છે, પરંતુ તે ચાલુ અવસ્થામાં નથી. જ્યારે કે કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે જણાવ્યું હતું કે,સરકારે VVPATમશીન માટે ચૂંટણી કમિશનને ૩,૫૦૦ કરોડ આપી દીધા છે.

કેન્દ્ર સરકારે એક સોગંદનામામાં જણાવ્યું હતું કે,વર્ષ ૨૦૧૩થી ૨૦૧૬ સુધીમાં થયેલી વિવિધ ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા ૨૦,૩૦૦ જેટલા VVPATમશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે કે EVMમશીન સાથે કોઇ ચેડા ક્યાંય થયા નથી. અલબત્ત, વધારાના ૬૭,૦૦૦ VVPATમશીન માટેનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે અગાઉ હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ રફીક લોખંડવાલા અને એડવોકેટ દીપક પટેલ મારફતે જાહેરહિતની અરજીમાં એવી રજૂઆત કરી હતી કે,વર્ષ ૨૦૧૩માં સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ કરેલી પિટિશનમાં મતદારોના મતદાનનું હિત સચવાય અને મતદાનની પ્રક્રિયા વધુ પારદર્શક બને એ માટે VVPATલગાવવું જોઇએ તેવી માંગ થઇ હતી. જે અનુસંધાને સુપ્રીમ કોર્ટે તબક્કાવાર રીતે VVPATલગાવવાનો આદેશ કર્યો હતો. ૨૦૧૩ના આદેશનું અમલીકરણ હજુ સુધી કરાતું નથી. આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે. ત્યારે આ ચૂંટણીમાં EVMસાથે VVPATલગાવવા જોઇએ. જેથી ચૂંટણી વધુ પારદર્શક બની રહે. જો કે, હાઇકોર્ટની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે,EVMમશીનના મુદ્દે સર્વોચ્ચ અદાલત સમક્ષ વિવિધ પિટિશન પડતર છે અને આ પ્રકારનું પ્રાથમિક વલણ દર્શાવી રિટ રદ કરી કાઢી હતી. જેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે.

૨૦૧૭માં વર્ષાંતે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે વીવીપેટ મશીનની વ્યવસ્થા કેવી તે અંગેનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની ચૂંટણી માટે પૂરતા ૬૦ હજારથી વધુ ઇવીએમ અને વીવીપેટ મંગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને જુલાઇ મહિનામાં જ તેની શરૂઆત થઇ જશે. ઉત્તરપ્રદેશ સહિતના રાજયોમાંથી ઇવીએમ મંગાવવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયામાં કોઇપણ તબક્કે કોઇ આક્ષેપ ન થાય તે માટે પૂરતી સાવધાની રાખવામાં આવશે. ઇવીએમ મશીનો ચારેબાજુથી બંધ હોય તેવા વાહનોમાં મંગાવવામાં આવશે અને તેની પર નજર રહે તે માટે જીપીએસ સિસ્ટમ ફીટ કરવામાં આવશે.

ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યામુજબ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરાઇ છે. ગુજરાતમાં ચૂંટણી માટે યુપી, પંજાબ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી ઇવીએમ લાવવામાં આવશે. તે સાથે ૧૩ જેટલા રાજ્યો અને બેલના પ્રોડક્શન યુનિટમાંથી વીવીપેટ  મંગાવવામાં આવી રહ્યા છે. રાજ્યમાં ૬૦ હજારથી વધુ ઇવીએમ અને તેટલા જ વીવીપેટ મશીનો લાવવામાં આવશે. યુપીની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થતા કેટલાક પક્ષ દ્વારા ઇવીએમના કારણે ભાજપને મત મળ્યા હોવાના આક્ષેપ થયા હતા તેને ધ્યાને લઇને પંચ ઇવીએમ સાથે વીવીપેટને જોડીને મતદાર પોતે કોને મત આપ્યો છે તે તુરંત જાણી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા માગે છે જેથી કોઇ વિવાદને અવકાશ ન રહે. જુલાઇમાં મોટાભાગના જિલ્લા મથકોએ ઇવીએમ-વીવીપેટ આવવાની શરૂઆત થઇ જશે અને તે પછી પંચ ચૂંટણી પ્રક્રિયા માટે અધિકારીઓને મૂકવાની કાર્યવાહી પણ શરૂ કરશે. નવા મતદારો નોંધવા માટે જુલાઇમાં પંચ દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશ બાદ ૧૦ લાખ જેટલા મતદારો ઉમેરાશે. ડિસેમ્બર સુધીમાં આવી ઝુંબેશ ચલાવાયા બાદ ૫૦ લાખથી વધુ યુવા મતદારો પ્રથમવાર મતદાન કરશે. હાલની સ્થિતિએ ૪.૨૭ કરોડ મતદારો છે તેમાં વધારો થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.