હવે રાજ્ય સરકાર પે સકેલ સ્વીકારે તો યુજીસીના તમામ નિયમોનું પાલન કરવું પડે
યુનિવર્સિટી ગ્રાન્ટસ્ કમિશન (યુજીસી) દ્વારા યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકો, વાઇસ ચાન્સેલર, કર્મચારીઓ વગેરે માટે સાતમુ પગાર પંચ જાહેર કરી દેવામાં આવ્યુ છે. હવે રાજય સરકાર આ સ્વીકારે છે કે નહીં તેના પણ મદાર રહેશે. જૂના પે સ્કેલ પ્રમાણે તમામ ખર્ચની ૮૦ ટકા રકમ કેન્દ્ર સરકાર આપતી હતી. પરંતુ નવી જોગવાઇ પ્રમાણે રાજય સરકાર તમામ જોગવાઇ સ્વીકારે તો પણ ૫૦ ટકા કેન્દ્ર અને ૫૦ ટકા ખર્ચ રાજય સરકારે ભોગવવો પડશે. આમ, કેન્દ્ર સરકારે પોતાનો ખર્ચ રાજય સરકાર પર નાંખ્યો છે. નવા પે સ્કેલ પ્રમાણે વાઇસ ચાન્સેલરનો પગાર ૨ લાખ ૧૦ હજાર રૂપિયા ફીક્સ કરવામાં આવ્યો છે.
માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા યુજીસીને સાતમાં પે અંગે સૂચના આપી દેવામાં આવી છે. જે પ્રમાણે યુજીસી દ્વારા દરેક યુનિવર્સિટીઓને સ્કીમ અંગેનો ડ્રાફ્ટ પણ મોકલી આપવામાં આવ્યો છે. સૂત્રો કહે છે યુજીસીએ કરેલી જોગવાઇ પ્રમાણે આગામી ત્રણ માસમાં યુનિવર્સિટીઓ સ્ટેચ્યૂટ અને ઓર્ડિનન્સમાં નવા પે સ્કીમ પ્રમાણે જોગવાઇ કરવાની રહેશે. યુજીસીએ કરેલી જોગવાઇ સંપૂર્ણ રીતે સ્વીકારવામાં આવે તો જ તેનો લાભ જે તે અધ્યાપક અને કર્મચારીઓને મળી શકશે. યુજીસીએ કરેલી તમામ જોગવાઇઓ સ્વીકારવામાં આવે તો યુજીસીના તમામ પ્રકારના ધારાધોરણોનું પાલન કરવું દરેક યુનિવર્સિટીઓ માટે ફરજિયાત રહેશે. નવા પે સ્કેલમાં વાઇસ ચાન્સેલરનો પગાર અગાઉ જે એક લાખ ૭૫ હજાર રૂપિયા હતો તે વધારીને ૨ લાખ ૧૦ હજાર કરી દેવામાં આવ્યો છે. આજ રીતે એસો.પ્રોફેસરનો પગાર જે ૩૭૫૦૦ હતો તે વધારીને ૧ લાખ ૩૧ હજાર જેટલો કરી દેવામાં આવ્યો છે.
હાયર પે સ્કેલમાં પહોંચેલા પ્રોફેસરોનો બેઝિક પગાર ૧ લાખ ૮૨ હજાર જેટલો કરી દેવામાં આવ્યો છે. આમ, યુજીસી દ્વારા સાતમું પે સ્કેલ જાહેર કરી દેવાયું છે. હવે રાજય સરકાર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યા બાદ સ્થાનિક અધ્યાપકોને તેનો લાભ મળી શકશે.