જ્યારે સરકારી સ્કૂલો જવાબદારી ચૂકી ગઈ ત્યારે ખાનગી સ્કૂલોના ગુણવત્તાસભર શિક્ષણ તરફ વાલીઓ આપાઓપ વળ્યા: નવી શિક્ષણ નીતિ પણ ખાનગી શાળાઓનું મહત્વ વધારશે
અનેક પડકારો અને આક્ષેપો વચ્ચે પણ ખાનગી સ્કૂલોએ દેશના શિક્ષણને સુધારવા અનેક પ્રયત્નો કર્યા: હવે ખાનગી શાળાઓ સામેની વિચારસરણી બદલવાની જરૂર
ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં ઘણી ખામીઓ છે. શિક્ષણ વ્યવસ્થા સુધારવી જરૂરી છે પરંતુ શિક્ષણ વ્યવસ્થામાં રહેલી ખામીઓનો દોષનો ટોપલો પ્રાઈવેટ એજ્યુકેશન ઉપર ઢોળવાની નીતિ તદન ખોટી છે. દેશમાં ૧૯૭૮થી સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવેલું ખાનગી શિક્ષણ અત્યારે સરકારી શિક્ષણની સાઈડ કાપી ક્યાંય આગળ નીકળી ગયું છે. જેની પાછળ ઘણા સકારાત્મક પાસા જવાબદાર છે. જે જગ્યાએ સરકારી સ્કૂલો પોતાની જવાબદારી ચૂકી ગઈ છે. ત્યાં ખાનગી શિક્ષણ સંસ્થાઓએ લાજ રાખી છે. ગુણવત્તાસભર શિક્ષણ બાબતે દેશમાં હજારો દાખલા એવા છે જ્યાં ખાનગી શિક્ષણ સંસ્થાઓએ વિજયી વાવટા ફરકાવ્યા હોય.
ખાનગી સ્કૂલોને આડેહાથે લેવામાં ઘણા તત્ત્વો કશુ બાકી રાખતા નથી પરંતુ દેશમાં ખાનગી શિક્ષણ વગરની એજ્યુકેશન સિસ્ટમની કલ્પના કરવી હવે અશકય છે. વર્તમાન સમયે દેશમાં ૫૨ ટકા શિક્ષણનું ખાનગીકરણ થઈ ચૂકયું છે. વાલીઓ જોઈ સમજીને જ ખાનગી શાળામાં પોતાના બાળકને ભણાવવા માટે મુકે છે. દરેક વાલીને બાળકના ઉજ્જવળ ભવિષ્યની ઈચ્છા રાખવાનો હક્ક છે. ભારતની સમાજ વ્યવસ્થા જ દસકાઓથી એવી રહી છે જ્યાં વાલી પેટે પાટી બાંધીને પણ બાળકને ભણાવે છે. ઉચ્ચ અભ્યાસ માટે લખલુંટ ખર્ચ કરે છે. વર્ષો પહેલા સરકારી શિક્ષણ ઉચ્ચ ગણાતું હતું. સરકારી શાળામાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો સંબંધ અતૂટ હતો પરંતુ હવે કેટલાક સરકારી શાળાના શિક્ષકો માત્ર ‘નોકરી’ કરવા જ આવે છે. એવું પણ બને છે કે તેઓ પોતાની જવાબદારી ૧૦ ટકા પણ નિભાવતા નથી. આવા સંજોગોમાં લોકો આપો આપ પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ખાનગી શાળાઓ તરફ વળે છે. જેમાં કંઈ ખોટુ નથી.
વર્તમાન સમયે મધ્યમ વર્ગના વાલીઓ તો ખાનગી શાળામાં પોતાના છાત્રોને અભ્યાસ કરાવવા ઈચ્છતા જ હોય છે. તેની સાથો સાથ ગરીબ માતા-પિતા પણ પેટે પાટા બાંધી ખાનગી શાળામાં બાળકોનો અભ્યાસ કરાવે છે. તેઓ સરકારી શાળાના વિનામુલ્યે શિક્ષણના સ્થાને પ્રાઈવેટ શાળાને પસંદ કરે છે. વાલીઓને ખ્યાલ છે કે, બન્નેમાંથી ક્યાં વિકલ્પમાં બાળકનો વિકાસ થશે. ઘણી સરકારી શાળાઓ નિ:શુલ્ક ખોરાક, ગણવેશ, પુસ્તકો સહિતની સેવા આપે છે. પરંતુ શિક્ષણના નામે મસમોટુ મીંડુ જોવા મળે છે. બીજી તરફ ખાનગી શાળાઓ ટયુશન ફી સહિતની ફી વસુલે છે. અલબત શિક્ષણની ક્વોલીટી સારી રહે છે.
વર્તમાન સમયે રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત સહિતના મોટા શહેરોમાં ઘણી પ્રાઈવેટ શાળાઓ એવી છે કે, જ્યાંના શિક્ષકો આંતરરાષ્ટ્રીય કક્ષાની પદવી ધરાવતા હોય. બાળકોને ઉચ્ચ કક્ષાનું ભણતર આપવા આવી શાળાઓ અવ્વલ સ્થાને રહી છે. એક આંકડા મુજબ પ્રથમ ધોરણમાં ખાનગી શાળામાં ભણતા હોય તેવા ૧૮ ટકા બાળકો ૧ થી ૯ વચ્ચેના નંબર પારખવામાં નિષ્ફળ રહ્યાં હતા. ખાનગી શાળામાં પણ કેટલાક અપવાદ હોય શકે પણ આ ટકાવારી સરકારી શાળામાં ૪૬ ટકા જેટલી તોતીંગ છે. જેના પરથી કેટલીક સરકારી શાળામાં કેવું ભણતર અપાય છે તેનો અંદાજ વાલીઓને આવી જતો હોય છે.
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં અનેક સરકારી શાળાઓનું પરિણામ ૧૦ ટકાથી પણ ઓછુ હોય છે. ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓ માંડ માંડ પાસ થયા હોય છે. એક વર્ષથી વધુ કિંમતી સમયગાળો સરકારી શાળામાં વેડફ્યો હોવા છતાં પરિણામ સારૂ આવતું નથી. ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં સરકારી શાળાઓ અસરકારક પરિણામો અત્યારે આપી રહી નથી. બીજી તરફ ખાનગી શાળાઓ સરકારી શાળાઓ પરની જવાબદારી નિભાવી રહી છે. એમ પણ કહી શકાય કે, સરકારી શાળાઓ પરનો મસમોટો ભાર ખાનગી શાળાઓએ ઓછો ર્ક્યો છે. વર્ષ ૧૯૭૮ થી ૨૦૧૭ દરમિયાન ખાનગી શાળાઓનો વિકાસ ખુબ ઝડપથી થયો છે. શિક્ષણ નીતિમાં કેટલાક ફેરફાર તબક્કાવાર થતાં આવ્યા છે અને હવેની રાષ્ટ્રીય શિક્ષણ પોલીસી ખાનગી શાળાઓ માટે મહત્વનો ભાગ બની જશે.
ખાનગી અને સરકારી શિક્ષણ વચ્ચે હાથી ઘોડાનો ભેદ
એક સમય હતો જ્યારે સરકારી શાળાના શિક્ષણનો કોઈ જોટો જડતો નહોતો. અત્યારે દેશના મોટાભાગના ટોચના અધિકારીઓ, રાજકારણીઓ અને આગેવાનો સરકારી શાળામાં જ ભણેલા છે. સરકારી શાળામાં માત્ર ગોખણપટ્ટી નહીં પરંતુ ‘સાચુ’ શિક્ષણ મળતું હતું. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. સરકારી શાળાઓએ વિદ્યાર્થીના વિકાસની જવાબદારી મુકી દીધી હોય તેવું ફલીત થાય છે. મસમોટા પગાર લઈને પણ શિક્ષકો અત્યારે વિદ્યાર્થીનું હિત જોતા નથી. માત્ર દિવસો પસાર કરવા જ નોકરી કરતા હોય તેવા પણ દાખલા છે. બીજી તરફ વાત કરીએ ખાનગી શાળાઓની જ્યાં શિક્ષકોના પગાર સામાન્ય છે, છતાં વિદ્યાર્થીના વિકાસની વાત આ જ શાળાઓમાં થાય છે.
ગોખણપટ્ટી કરાવાતા હોવાના આક્ષેપ વચ્ચે અત્યારે ખાનગી શાળાઓ જ છે જેણે શિક્ષણ વ્યવસ્થાની લાજ રાખી છે. ખાનગી શાળાઓનું સાચુ શિક્ષણ અલગ છે પરંતુ તે ખોટુ નથી. સરકારી શાળાઓની ઈમારતો, ઈન્ફાસ્ટ્રકચર સહિતની વાસ્તવિકતાનો લોકોને ખ્યાલ જ છે. બીજી તરફ ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને ભણાવવામાં આવતા પાઠ તેનું ભવિષ્ય સુધારી નાખે છે.
સરકારી શાળાઓ ઉપરનું ભારણ ખાનગી શાળાઓ કરે છે દૂર
૧૯૭૬ બાદ ખાનગી શાળાઓનો તબક્કાવાર ઉદય થયો. ખાનગી શાળાઓ ઉપર અનેક આક્ષેપ થયા પરંતુ વાસ્તવિકતા અલગ છે. સરકારી શાળાઓ વિદ્યાર્થીઓના ભાવીની જવાબદારી એકદમ ચૂકી ગઈ છે. દેશની લાખો સરકારી શાળાઓમાંથી અમુક જ એવી શાળાઓ છે જ્યાં વિદ્યાર્થીના શિક્ષણના હિતની વાત થઈ હોય. ભારત યુવાનોને દેશ છે. પેટે પાટા બાંધીને પણ માતા-પિતા બાળકને ઉચ્ચ શિક્ષણ આપવા ઈચ્છા રાખે છે અને માતા-પિતાની ઈચ્છા જેમ બાળકને પૂરી કરવાની જવાબદારી છે તેટલી જ જવાબદારી શાળાની પણ છે. વર્તમાન સમયે આ જવાબદારી ખાનગી શાળાઓ જ ઉપાડી રહી છે. એક રીતે એમ કહી શકાય કે સરકારી શાળા ઉપરનું ભારણ ખાનગી શાળા દૂર કરે છે.