લોકશાહી ત્યારે જ મજબૂત બની શકે જ્યારે વિપક્ષ મજબૂત હોય, પણ ભારતની કમનસીબી છે કે કોઈ મજબૂત વિપક્ષ નસીબમાં નથી. દેશની સૌથી જુની પાર્ટી જે મુખ્ય વિપક્ષની ભૂમિકામાં છે તે હવે આગામી લોકસભામાં અડધો અડધ સીટ ઉપર જ બેઠક લડવા આયોજન ઘડી રહી છે. એટલે કે બાકીની અડધી સીટ ઉપર તે લડવાની નથી. તો આવી સ્થિતિમાં આ મુખ્ય વિપક્ષ દેશની દશા અને દિશા કઈ રીતે બદલી શકશે તેવો પ્રશ્ન સર્જાયો છે.
એક તરફ ભાજપ 1984માં 414 બેઠક જીતવાનો રાજીવ ગાંધીનો રેકોર્ડ તોડવા કમર કસી રહી છે, બીજી તરફ ભાજપનો વિકલ્પ બનવા કોંગ્રેસે અસ્તિત્વ ટકાવવું ખૂબ જ જરૂરી
ભાજપ લોકસભાની ચૂંટણીમાં નવો રેકોર્ડ સર્જવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે.તેવામાં એકલા હાથે ભાજપને હરાવવા માટે કોઈ એક પક્ષ સક્ષમ ન હોય વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના બેનર હેઠળ અનેક પક્ષો મળીને ભાજપને હરાવવા માટે કામે લાગ્યા છે. પણ આ ગઠબંધનમાં એકતાના અભાવે બેઠક વહેંચણીના પ્રશ્નો મોટાભાગના રાજ્યમાં હજુ ઉભા છે. તેવામાં હવે કોંગ્રેસ માટે પણ પડકાર છે.
કોંગ્રેસ અત્યારે પોતાના વર્ચસ્વથી વધારે ભાજપની હાર તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પરિણામે કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનમાં મુખ્ય ભૂમિકામાં રહી છે. જેના કારણે કોંગ્રેસના ભાગે 543 બેઠકોમાંથી અંદાજે 250 બેઠકો જ આવે તેમ છે. કોંગ્રેસ આમ વિપક્ષી સંગઠન ઇન્ડિયાને વફાદાર રહીને અડધો અડધ બેઠકોનો ત્યાગ કરવાની તૈયારી કરી રહી છે.
બીજી તરફ ભાજપ 1984માં રાજીવ ગાંધીએ કોંગ્રેસ માટે જીતેલ 414 બેઠકનો રેકોર્ડ તોડવાનો પ્રયાસ કરી રહી છે. જો કે ગુજરાત આમા રોલ મોડેલ બનવાનું છે. ગુજરાતની છેલ્લી ચૂંટણીમાં ભાજપે 182માંથી 156 બેઠકો મેળવી 1985નો માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
4 જાન્યુઆરીએ છેલ્લી મીટિંગમાં, જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ એમ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલ મળ્યા હતા, ત્યારે અંદરખાને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સમગ્ર દેશમાં 255 બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. જેમાંથી 50 કે 60 ટકા બેઠકો જીતી લઈએ તો વિપક્ષી ગઠબંધનમાં મુખ્ય પક્ષ બનીએ. બીજી તરફ 2019માં કોંગ્રેસે લડેલી 421 બેઠકોમાંથી માત્ર 52 જ જીતી હતી.
આમ 2024નું ચૂંટણી કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ છે. કોંગ્રેસ આ ચૂંટણીમાં કરેલા પ્રદર્શન બાદ કા તો અસ્તિત્વ ઉપર જોખમ વધારી દેશે કા તો મુખ્ય વિપક્ષ તરીકે દેશભરમાં ઉભરી આવશે.
કોંગ્રેસે લોકસભા બેઠક વાઇઝ નિરીક્ષકોની નિમણૂંક કરી
લોકસભા ચૂંટણી તૈયારીઓને લઈ કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. શુક્ર-શનિ બે દિવસ પ્રભારી સાથેની બેઠકો બાદ રવિવારે સાંજે કોંગ્રેસે તમામ 26 લોકસભા બેઠક માટેના નિરીક્ષકોની યાદીની જાહેરાત કરી. યાદીમાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદો અને સંગઠનના હોદ્દેદારોને નિરીક્ષક તરીકે જવાબદારી સોંપાઈ છે.કચ્છમાં ગુલાબસિંહ રાજપુત તો બનાસકાંઠામાં બળદેવજી ઠાકોરથી લઈને સાબરકાંઠામાં સી.જે ચાવડાને જવાબદારી સોંપાઈ છે. તો ગાંધીનગર બેઠક માટે અમી યાગ્નિક અને અમદાવાદ(ઇસ્ટ) નિશિત વ્યાસ તો અમદાવાદ(વેસ્ટ) રઘુ દેસાઈની નિરીક્ષક તરીકે જવાબદારી સોંપાઈ છે. તો સૌરાષ્ટ્રની બેઠકોની વાત કરીએ તો રાજકોટમાં પુંજા વંશ, જામનગરમાં સામત ઓડેદરા, જુનાગઢમાં વિક્રમ માડમ, અમરેલીમાં ચંદ્રિકાબેન ચુડાસમા, તો ભાવનગર બેઠકની વીરજીભાઈ ઠુંમરને જવાબદારી સોંપાઈ છે. વડોદરામાં રાજેન્દ્રસિંહ પરમાર, તો સુરત અનુજ પટેલ સહિત તમામ 26 બેઠકો પર કોંગ્રેસે નિરીક્ષક નીમ્યા છે.