વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધરતી પરના સ્વર્ગ ગણાતા જમ્મુ-કાશ્મીરને ફરીથી જન્નતમાં તબદીલ કરવા માટે સક્રિય થઈ ગયા છે. જમ્મુ-કાશ્મીરના ભાવીનો ફેંસલો કરવા માટે આજે નવીદિલ્હી ખાતે જમ્મુ અને કાશ્મીરના તમામ રાજકીય પક્ષો અને આગેવાનો સાથે વડાપ્રધાન મહત્વપૂર્ણ બેઠક કરી રહ્યાં છે. આ બેઠક કાશ્મીરમાં જન્નત ફરીથી લાવી શકશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
તમામ કાશ્મીરી નેતાઓ સાથે વડાપ્રધાનનું સુચક મનોમંથન
જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સ્થીરતા જળવાઈ રહે તથા કેન્દ્રીય યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચતા રહે તે જોવા માટે વડાપ્રધાન મોદી ખુબજ આતુર છે. વિકાસની સાથે સાથે કાશ્મીરમાં લોકશાહી પ્રક્રિયા પણ વધુ સુદ્રઢ બની રહે તે દિશામાં સતત પ્રયાસો કરવા માટે અને કેન્દ્ર તથા પ્રદેશ વહીવટી તંત્ર વચ્ચે સંકલનનું સાતત્ય જાળવવાના હેતુથી વડાપ્રધાને આ મહત્વની બેઠકનું આયોજન કર્યું છે.
કાશ્મીરના તમામ ટોચના નેતા ડો.ફારૂક અબ્દુલ્લા, મહેબુબા મુફતી, ઉમર અબ્દુલ્લા, ભિમસિંગ સહિતના ટોચના નેતાઓ હાજરી આપી રહ્યાં છે. વડાપ્રધાન મોદીએ આજે જે બેઠક બોલાવી છે તેની પાછળનું આશય સમગ્ર એશિયામાં ઉભા થતાં આતંકવાદી પડકારને પહોંચી વળવાની તૈયારી કરવાનો છે.
ખાસ કરીને પાકિસ્તાનના કબજાગ્રસ્ત કાશ્મીરમાંથી આતંકની આયાત બંધ થાય અને કાશ્મીરમાં સંપૂર્ણપણે શાંતિ જળવાઈ રહે અને વિકાસના કામો બાધીત ન થાય તે જોવા માટે વડાપ્રધાન દરેક રાજકીય પક્ષોને વિશ્ર્વાસમાં લેવા માંગે છે અને કાશ્મીરમાં વિકાસની ગતિને કોઈ અવરોધ નહીં તે સુનિશ્ર્ચિત કરવા માંગે છે. આ સમગ્ર પ્રક્રિયામાં તેઓ સ્થાનિક રાજકીય પક્ષો અને મુળ કાશ્મીરી નેતાઓને સાંકળવા માંગે છે. જેથી કરીને સમાજના તમામ વર્ગો સુધી આર્થિક વિકાસના ફળ પહોંચે અને ફરી એક વખત કાશ્મીર જન્નત બની જાય તે માટે મીટીંગનો કોઈ એજન્ડા સત્તાવાર જાહેર કરવામાં આવ્યો નથી.
જમ્મુ-કાશ્મીરના લેફટ ગવર્નર મનોજ સિન્હાએ સ્પષ્ટ દર્શાવ્યું હતું કે, રાજકારણમાં સતત સંવાદ ચાલુ રાખવાની જરૂર છે. વડાપ્રધાનની બેઠક એ હકીકતનો સંકેત આપે છે કે તેઓ કાશ્મીરમાં લોકશાહી પ્રક્રિયાને આગળ લઈ જવા અને મજબૂત બનાવવા માટે ખુબજ સંકલપબદ્ધ છે એટલે જમ્મુ અને ખીણ પ્રદેશના તમામ લોકપ્રતિનિધિઓ સાથે અને પક્ષો સાથે તેમણે સંવાદની પ્રક્રિયા શરૂ કરી છે. જેના આગામી દિવસોમાં ખુબજ સાનુકુળ પડઘા પડશે તેવી આશા રાખવામાં આવી છે.