યુક્રેન ઉપર હુમલા વધારવાની ફિરાકમાં રહેલા રશિયાને ટાઢું પાડવા અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન મોદી પાસે માંગી મદદ: રશિયાને સમજાવવામાં ભારત એકમાત્ર વિકલ્પ હોવાનો દરેક પશ્ચિમી દેશોને વિશ્ર્વાસ
વસુધૈવ કુટુંબકમના સૂત્ર ઉપર ચાલી ભારત વિશ્વગુરુ બનવાની સફર ખેડી રહ્યું છે. ત્યારે હવે યુક્રેન ઉપર હુમલા વધારવાની ફિરાકમાં રહેલા રશિયાને ટાઢું પાડવા અમેરિકી રાષ્ટ્રપતિ બીડને મોદી પાસે મદદ માંગી છે. જેથી હવે મોદી રશિયા- યુક્રેન યુદ્ધને રોકી શકશે કે કેમ ? તેના ઉપર વિશ્વ આખાની મીટ મંડરાયેલી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન તેમને શાંતિનો પાઠ ભણાવ્યો હતો. અમેરિકા અને ફ્રાન્સ સહિત અન્ય ઘણા પશ્ચિમી દેશોએ આ માટે પીએમ મોદીના વખાણ કર્યા છે. જોકે, પુતિને રશિયામાં સેનાને એકત્ર કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે તેમણે પશ્ચિમી દેશોને ચેતવણી આપી છે કે અમારી વાતને હળવાશથી ન લો.
પુતિને કહ્યું કે અમે રશિયાની સુરક્ષા માટે કંઈ પણ કરવા તૈયાર છીએ. પુતિનના વલણને જોઈને વ્હાઇટ હાઉસે પીએમ મોદીને અપીલ કરી છે કે તેઓ રશિયાને યુક્રેનમાં યુદ્ધ ખતમ કરવાની તેમની સલાહ પર અમલ કરવા કહે.
સમરકંદમાં પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ’હવે યુદ્ધનો યુગ નથી. તમે બળથી તમારા પડોશી દેશને જીતી શકતા નથી.’ યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને ગયા અઠવાડિયે એસસીઓ સમિટમાં પુતિન માટે મોદીએ કરેલી ટિપ્પણીનું સ્વાગત કર્યું હતું અને તેને સિદ્ધાંતિક નિવેદન ગણાવ્યું હતું.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પણ પીએમ મોદીની પ્રશંસા કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમણે કહ્યું કે પીએમ મોદીનું કહેવું એકદમ યોગ્ય છે કે હવે યુદ્ધનો સમય નથી. ફ્રાન્સ અને અમેરિકા બંનેએ આ મુદ્દે ભારતના વલણને આવકાર્યું છે.
- હવે ભારતની અવગણના વિશ્ર્વને ભારે પડી શકે છે!!
- સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્ય પદ મળે તેવી શક્યતા
- અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ સ્થાયી સભ્યોની સંખ્યા વધારવા આપી સલાહ
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતી વખતે સુરક્ષા પરિષદના સ્થાયી સભ્યોની સંખ્યા વધારવા પર વિશેષ ભાર મૂકવાની હિમાયત કરી છે. તેમણે કહ્યું કે જો સંયુક્ત રાષ્ટ્રને અસરકારક બનાવવું હોય તો સ્થાયી સભ્યોની સંખ્યા વધારવી પડશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના નવા સ્થાયી સભ્ય બનવાની રેસમાં ભારત સૌથી આગળ છે. બિડેનના આ નિવેદન બાદ ભારતની કાયમી સભ્ય બનવાની આશા ઘણી વધી ગઈ છે.
યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીને સંબોધતા યુએસ પ્રમુખ જો બિડેને કહ્યું કે રશિયાએ યુક્રેન સાથે ક્રૂર અને બિનજરૂરી યુદ્ધ કરીને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના મૂળભૂત સિદ્ધાંતોનું શરમજનક રીતે ઉલ્લંઘન કર્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં તેમના સંબોધન દરમિયાન, બિડેને રશિયન હુમલાની સખત નિંદા કરતા કહ્યું કે યુક્રેનમાં નાગરિકો પર રશિયાના અત્યાચારના ધ્રુજારી આપતા અહેવાલો છે. તેમણે કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા યુરોપ પર પરમાણુ શસ્ત્રોથી હુમલો કરવાની નવી ધમકી દર્શાવે છે કે રશિયા પરમાણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર કરનાર હોવા છતાં બેજવાબદારીપૂર્વક તેની જોગવાઈઓનું ઉલ્લંઘન કરી રહ્યું છે. બિડેને કહ્યું, અમે રશિયાના હુમલા સામે એકજુટ થઈને ઊભા રહીશું.
યુક્રેન પર રશિયાના સતત હુમલા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને રશિયન રાષ્ટ્રપતિ પુતિન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે અમેરિકા પહેલાની જેમ યુક્રેનને મદદ કરતું રહેશે. તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર ઇચ્છે છે કે યુદ્ધનો અંત આવે. અમેરિકા પણ ઈચ્છે છે કે બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત આવે. જો કે અમેરિકા પણ ઇચ્છે છે કે યુદ્ધ સમાપ્ત થાય તે પહેલા ન્યાય મળવો જોઇએ. વિશ્વના તમામ દેશોએ યુક્રેનને સમર્થન આપવું જોઈએ.
જો બિડેને કહ્યું, દુનિયાભરના દેશોએ એવું વાતાવરણ બનાવવું પડશે કે આપણે એકબીજાના દુશ્મન ન બનીએ. બિડેનનો આરોપ છે કે રશિયાએ યુએન ચાર્ટરનું ઉલ્લંઘન કર્યું છે. પુતિનના આ કૃત્ય માટે સંયુક્ત રાષ્ટ્રે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. તેમણે કહ્યું, રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાએ હંમેશા યુક્રેનની મદદ કરી છે. પુતિનના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે તેમનો ઈરાદો શું છે.
- રશિયાની સુરક્ષા માટે અમે કંઈપણ કરવા તૈયાર: પૂતીનનું આક્રમક વલણ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ફરી એકવાર આક્રમક વલણ પર આવી ગયા છે. તેણે રશિયામાં સેનાને એકત્ર કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે તેમણે પશ્ચિમી દેશોને ચેતવણી આપી છે કે અમારી વાતને હળવાશથી ન લો. પુતિને કહ્યું કે અમે રશિયાની સુરક્ષા માટે કંઈ પણ કરવા તૈયાર છીએ. પુતિને હાલમાં 3,00,000 વધારાના સૈનિકોની હિલચાલનો આદેશ આપ્યો છે. વ્લાદિમીર પુતિને બુધવારે એક ટેલિવિઝન ભાષણમાં આ વાત કહી. આ પહેલા મંગળવારે એવા અહેવાલ મળ્યા હતા કે રશિયા યુક્રેનના પૂર્વ અને દક્ષિણ ભાગમાં જનમત સંગ્રહની તૈયારી કરી રહ્યું છે.
રશિયાની આ તૈયારીનો પશ્ચિમી દેશોએ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આમ કરવાથી તણાવ વધશે. વાસ્તવમાં રશિયાએ 4 પ્રદેશોને મર્જ કરવાની યોજના બનાવી છે અને તેના અંતર્ગત જનમત સંગ્રહની યોજના બનાવવામાં આવી છે. શુક્રવારથી લુહાન્સ્ક, ખેરસન અને ડોનેત્સ્ક સહિત 4 પ્રાંતોમાં લોકમત શરૂ થવાનો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જનમત સંગ્રહ રશિયાના કહેવા પર કરવામાં આવી રહ્યો છે અને તે પછી રશિયા આ પ્રાંતોને કબજે કરવાની દિશામાં આગળ વધી શકે છે. આ દરમિયાન પુતિને પશ્ચિમી દેશો પર પરમાણુ બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે નાટો દેશોના નેતાઓએ જે રીતે પરમાણુ બ્લેકમેલિંગ નિવેદનો આપ્યા છે તે દર્શાવે છે કે તેઓ રશિયા વિરુદ્ધ પણ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે.
- વિશ્ર્વ રશિયાને પરમાણુ હુમલાની મંજૂરી ન આપી શકે : ઝીલેન્સકી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આક્રમકતા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેઓ માનતા નથી કે વિશ્વ પરમાણુ શસ્ત્રોના ઉપયોગને મંજૂરી આપશે. અહેવાલ મુજબ, ઝેલેન્સકીએ રશિયન દળો દ્વારા કબજે કરેલા યુક્રેનિયન વિસ્તારને મુક્ત કરવા માટે દબાણ કરવાની પણ પ્રતિજ્ઞા લીધી હતી. “હું માનતો નથી કે તે પુતિન આ શસ્ત્રોનો ઉપયોગ કરશે. મને નથી લાગતું કે વિશ્વ તેમને આ શસ્ત્રોનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે,” યુક્રેનના રાષ્ટ્રપતિએ જર્મન મીડિયા આઉટલેટ બિલ્ડ ટીવી સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું. ઝેલેન્સકીએ કહ્યું, “પુતિન યુક્રેનને પોતાના સૈનિકોને લોહીમાં ડૂબાડવા માંગે છે.
- અમેરિકાએ વ્યાજદરમાં કર્યો 0.75 ટકાનો વધારો
- રેપો રેટમાં સતત ત્રીજી વખત વધારો ઝીંકતું યુએસ ફેડ : વિશ્ર્વ આખામાં અસરની શકયતા
યુએસ સેન્ટ્રલ બેંકે બુધવારે રાત્રે યુએસ ફેડના વ્યાજ દરોની જાહેરાત કરી હતી. યુએસ ફેડ એ અપેક્ષા મુજબ વ્યાજ દરમાં 0.75 ટકાનો વધારો કર્યો છે. યુએસ ફેડએ આ સતત ત્રીજી વખત વ્યાજદરમાં વધારો કર્યો છે. આ રીતે, યુએસ ફેડરલ રિઝર્વ બેંકે તેના વ્યાજ દરમાં 3-3.25 ટકાની રેન્જમાં વધારો કર્યો છે. તે જ સમયે, બેંકે સંકેત આપ્યો છે કે તે આગામી બેઠકમાં પણ વ્યાજ દરમાં વધારો કરી શકે છે. યુએસ સેન્ટ્રલ બેંક દેશમાં ફુગાવાને અંકુશમાં લેવા માટે વ્યાજ દરોમાં સતત વધારો કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરના મહિનાઓમાં અમેરિકામાં ફુગાવો 40 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. સેન્ટ્રલ બેંકનો અંદાજ છે કે તે વર્ષ 2023 સુધીમાં વ્યાજ દર 4.6 ટકા સુધી લઈ જઈ શકે છે. અધિકારીઓને અપેક્ષા છે કે વર્ષના અંત સુધીમાં બેન્ચમાર્ક રેટ વધારીને 4.4 ટકા કરવામાં આવશે. આ પછી વર્ષ 2023માં તે વધીને 4.6 ટકા થવાનો અંદાજ છે. સેન્ટ્રલ બેંકો ફુગાવાને નિયંત્રિત કરવા માટે મુખ્ય વ્યાજ દરોમાં વધારો કરે છે. તાજેતરના ડેટા અનુસાર, ઓગસ્ટમાં ભારતમાં છૂટક ફુગાવો વધીને 7 ટકા થયો હતો. અગાઉ તે જુલાઈ 2022માં 6.71 ટકા હતો. આ રીતે, ફુગાવાનો દર સળંગ આઠમા મહિને આરબીઆઈના સહનશીલ સ્તરથી ઉપર રહ્યો છે. બીજી તરફ અમેરિકાની વાત કરીએ તો ફુગાવાનો દર અપેક્ષા કરતા વધુ નોંધાયો છે. યુએસ સીપીઆઈના ડેટા અનુસાર ઓગસ્ટમાં માસિક સીપીઆઈ (ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ) 8.3 ટકાના દરે વધ્યો હતો. અમેરિકામાં જૂનમાં ફુગાવો 40 વર્ષમાં સૌથી વધુ 9.1 ટકા હતો.
- આરબીઆઇ પણ વ્યાજદરમાં વધારો કરે તેવી શકયતા
હવે આરબીઆઇ પણ વ્યાજદર વધારી શકે છે. આરબીઆઇની મોનેટરી પોલિસી કમિટીની બેઠક 28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી યોજાવા જઈ રહી છે. માનવામાં આવે છે કે આ બેઠકમાં આરબીઆઇ રેપો રેટમાં 0.25 થી 0.35 ટકાનો વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે. ઓગસ્ટ 2022 માટે રિટેલ ફુગાવાના આંકડા આરબીઆઈના સહન કરી શકાય તેવા સ્તર કરતા ઘણા વધારે છે. આવી સ્થિતિમાં હવે આરબીઆઇ પર રેપો રેટ વધારવાનું દબાણ વધી ગયું છે. 5 ઓગસ્ટે આરબીઆઈએ રેપો રેટ અડધા ટકા વધારીને 5.40 ટકા કર્યો હતો. જો રેપો રેટ વધશે તો બેંકો પણ લોનના વ્યાજદરમાં વધારો કરશે. સાથે જ એવા સંકેતો પણ મળી રહ્યા છે કે સરકાર આરબીઆઈ દ્વારા વ્યાજદર વધારવાની તરફેણમાં નથી.
- જો યુદ્ધ આક્રમક બનશે તો સોના- ચાંદીના ભાવમાં ઉછાળો આવશે
- ક્રૂડનું અને ખાદ્યનું પણ સંકટ તોળાશે
છેલ્લા ઘણા સમયથી રશિયાની સેના યુક્રેન ઉપર હુમલાઓ કરી પ્રાંત ઉપર કબજા મેળવી રહ્યું છે. પણ યુક્રેન ટસનું મસ ન થતું હોય, રશિયા વધુ આક્રમક બનવાની તૈયારી કરી રહ્યું છે. હવે જો આ યુદ્ધ આક્રમક બનશે તો ફરી વિશ્વ ઉપર અનેક સંકટ તોળાશે. પ્રથમ તો સોના, ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવશે. આ સાથે ફરી વિશ્વમાં ક્રૂડના ભાવ ભડકે બળશે. આ ઉપરાંત અગાઉ જે ખાદ્ય સંકટ ઉભું થયું હતું. તેનો સામનો કરી વિશ્વ માંડ ફરી બેઠું થયું છે. તેવામાં ફરી આ ખાદ્ય સંકટ વિશ્વ આખાને અસર કરશે.
- ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા સરકારનો મહત્વનો નિર્ણય
- રૂ. 19,500 કરોડની સોલાર પીવી મોડ્યુલની બીજી પીએલઆઈ સ્કીમને કેબિનેટની લીલીઝંડી
મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સોલાર પીવી મોડ્યુલની બીજી પીએલાઈ સ્કીમ જાહેર કરવામાં આવી હતી. આ પીએલઆઈ સ્કીમ 19,500 કરોડની છે. આ યોજનાથી દેશમાં સોલાર પેનલના ઉત્પાદનને વેગ મળશે. તેનાથી દેશની આયાત તો ઘટશે જ પરંતુ ભારતમાં નિકાસ માટે પણ સ્થિતિ સર્જાશે. આ ઉપરાંત, આનાથી 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન-પરંપરાગત ઉર્જા ઉત્પન્ન કરવાના લક્ષ્યાંકને મોટા પ્રમાણમાં વેગ મળશે. યોજના મુજબ, કેન્દ્ર વધારાના ઉત્પાદન પર પ્રોત્સાહન આપશે અને કંપનીઓને ભારતમાં બનેલા ઉત્પાદનોની નિકાસ કરવાની મંજૂરી આપશે. પીએલઆઈ યોજનાનો ધ્યેય રોકાણકારોને સ્પર્ધાત્મક વાતાવરણ બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. વધુમાં આ યોજનાથી 65000 મેગાવોટ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સંપૂર્ણ અને આંશિક રીતે સંકલિત, સૌર પીવી મોડ્યુલો સ્થાપિત કરવામાં આવશે. અંદાજે 1.95 લાખ લાકોને પ્રત્યક્ષ અને 7.8 લાખ લોકોને પરોક્ષ રીતે રોજગારી મળશે.
- સેમિકન્ડક્ટર ક્ષેત્રે ચીનને હંફાવવા ભારત તાઇવાનની મદદ લેશે
- સરકારે તાઈવાનની ટોચની કંપની ટીએસએમસી અને ટાટા જૂથને ચિપ ઉત્પાદનમાં ઝંપલાવવા કરી હાંકલ
સરકાર સેમિક્ધડક્ટર માટે આત્મનિર્ભર બનવા સતત કમર કસી રહી છે. આ માટે સરકારે તાઈવાનની ટોચની કંપની ટીએસએમસી અને ટાટા જૂથ સાથે સંપર્ક કર્યો છે. સેમિક્ધડક્ટર ઉત્પાદક માટેના રાહત પેકેજની જાહેરાત બાદ આ ક્ષેત્રમાં અત્યાર સુધીમાં સૌથી વધુ નોંધપાત્ર રોકાણ વેદાંત-ફોક્સકોન દ્વારા કરવામાં આવ્યું છે, જે આશરે રૂ. 1.5 લાખ કરોડના સૂચિત રોકાણો સાથે ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા માંગે છે. કેબિનેટે બુધવારે પ્રોડક્શન-લિંક્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ હેઠળ વચન આપવામાં આવેલા લાભોના વિસ્તરણને મંજૂરી આપતા રોકાણકારોની શોધ થઈ રહી છે. મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર પ્રોડક્શન ઇકો-સિસ્ટમમાં રોકાણ કરવા માંગતા વિવિધ ચિપમેકર્સ સાથે વાટાઘાટો કરી રહી છે. બીજી તરફ મળતી માહિતી અનુસાર ચીન પણ ચીપનું માર્કેટ ધરાવે છે. સરકાર ચીન ઉપર નિર્ભર રહેવા માંગતી ન હોય, ચીનને હંફાવવા ભારતમાં જ ચિપ ઉત્પાદનના બનતા તમામ પ્રયાસો કરી રહી છે.
- ટેરર ફન્ડિંગ સહિતની દેશવિરોધી ગતિવિધિઓ સામે સરકાર એક્શન મોડમાં
- એનઆઈએએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સાથે સંકળાયેલા સ્થળો ઉપર પાડ્યા દરોડા, 100થી વધુની ધરપકડ
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા અને દેશભરમાં તેને લગતા સ્થળો પર દરોડા પાડ્યા છે. ટેરર ફંડિંગ અને કેમ્પ ચલાવવાના કેસમાં તપાસ એજન્સીએ દરોડા પાડ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં એનઆઈએએ આ કેસમાં એક ડઝનથી વધુ કેસ નોંધ્યા છે, જેમાં પીએફઆઈની લિંક મળી આવી છે. ઇડી, એનઆઈએ અને રાજ્ય પોલીસે પીએફઆઈ સાથે જોડાયેલા 100 થી વધુ લોકોની અલગ-અલગ કેસમાં ધરપકડ કરી છે. આ ધરપકડો 10 થી વધુ રાજ્યોમાં થઈ છે. એનઆઈએએ યુપી, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ સહિત ઘણા રાજ્યોમાં પીએફઆઈ અને તેની સાથે જોડાયેલા સ્થળો પર દરોડા પાડ્યા છે. એનઆઈએને મોટી સંખ્યામાં પીએફઆઈ અને તેની સાથે જોડાયેલા લોકોની શંકાસ્પદ ગતિવિધિઓ વિશે માહિતી મળી હતી, જેના આધારે તપાસ એજન્સી આજે મોટા પાયે કાર્યવાહી કરી રહી છે. 10 થી વધુ રાજ્યોમાં, ઇડી, એનઆઈએ અને રાજ્ય પોલીસે 100 થી વધુ લોકોની ધરપકડ કરી છે. પીએફઆઈ અને તેના લોકોની પ્રશિક્ષણ પ્રવૃત્તિઓ, ટેરર ફંડિંગ અને લોકોને સંગઠન સાથે જોડવા અંગેની આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે.
પીએફઆઈ સાથે જોડાયેલા લોકોની દિલ્હીના શાહીન બાગ અને ગાઝીપુરમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય લખનઉના ઈન્દિરાનગરમાંથી પણ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આસામ પોલીસે રાજ્યમાંથી પીએફઆઈ સાથે જોડાયેલા 9 લોકોની પણ અટકાયત કરી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસ અને એનઆઇએએ સંયુક્ત રીતે હાથીગાંવ, ગુવાહાટીમાં ઓપરેશન શરૂ કર્યું અને રાજ્યભરમાં પીએફઆઈ સાથે જોડાયેલા નવ લોકોની અટકાયત કરી. તમિલનાડુના મદુરાઈ, થેની સહિત અનેક જિલ્લાઓમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. તે જ સમયે, તપાસ એજન્સીઓએ કેરળ અને કર્ણાટકના ઘણા જિલ્લાઓમાં કાર્યવાહી કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય મોડી રાત્રે શરૂ થયેલા ઇડી, એનઆઈએ અને રાજ્ય પોલીસના સંયુક્ત ઓપરેશન પર સતત નજર રાખી રહ્યું છે. જો કે, પીએફઆઈ સાથે સંકળાયેલા લોકો પર કાર્યવાહી બાદ, બેંગલુરુ અને મેંગલુરુમાં એસડીપીઆઈ અને પીએફઆઈના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા એ ઈસ્લામિક સંગઠન છે. આ સંગઠન પોતાને પછાત અને લઘુમતીઓના અધિકારો માટે એક અવાજ તરીકે વર્ણવે છે. આ સંસ્થાની સ્થાપના 2006માં નેશનલ ડેવલપમેન્ટ ફ્રન્ટના અનુગામી તરીકે કરવામાં આવી હતી. જો કે તપાસ એજન્સીઓની તપાસમાં આ સંગઠન ટેરર ફન્ડિંગ સહિતની દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું ધ્યાને આવી રહ્યું છે.